News of Monday, 2nd March 2026
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપનું ‘ડેમેજ કંટ્રોલ' : આંતરિક જૂથવાદ અને વિવાદો ખાળવા કવાયત
અઢી વર્ષના શાસનમાં પદાધિકારીઓ સામે ઉઠેલા વિરોધના સૂરથી પક્ષની છબી ખરડાઈ : બૂથ લેવલની કામગીરી ફરી સક્રિય કરાઈ

રાજકોટ : શહેર ભાજપ દ્વારા હાલ ‘સબ સલામત' હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા લાંબા સમયથી રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં, તાજેતરમાં સામે આવેલા વિવિધ કૌભાંડો અને વિવાદોને કારણે પક્ષની છબીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ પરિસ્થિતિનો લાભ લેવા વિરોધ પક્ષોએ પણ એડીચોટીનું જોર લગાવી પ્રજાનો વિશ્વાસ જીતવાના પ્રયાસો તેજ કર્યા છે.
રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપમાં ક્યાંક ને ક્યાંક આંતરિક જૂથવાદ વકર્યો છે, જેના કારણે જે એક સમાન વિચારધારા સાથે કામ થવું જોઈએ તે થઈ શક્યું નથી. પક્ષની અંદર જ આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પર પડી શકે તેમ છે.
ગઢમાં ગાબડું પાડવાની ભીતિ
રાજકોટ હંમેશા ભાજપનો અભેદ ગઢ ગણાય છે, પરંતુ વર્તમાન સત્તાધીશોની કાર્યપદ્ધતિને કારણે આ ગઢમાં ગાબડું પડ્યું હોવાની ચર્ચાઓ જાગી છે. મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત, ભાજપના સભ્યો કોઈને કોઈ વિવાદમાં ઘેરાયેલા રહ્યા છે.
આ ગંભીરતાને ધ્યાને લઈ પ્રદેશ કક્ષાએથી ટોચના નેતાઓને રાજકોટમાં જનસંપર્ક અને જાહેર સભાઓ ગજવવા માટે મેદાનમાં ઉતારવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. છેલ્લા અઢી વર્ષમાં મેયર, સ્ટેન્ડીંગ ચેરમેનથી લઈને કોર્પોરેટરો સુધીના પદાધિકારીઓ સામે અનેકવાર વિરોધના સૂર ઉઠ્યા છે, જેને દબાવવા માટે શહેર ભાજપ કક્ષાએથી પ્રયાસો તો થયા પણ તે કારગત નીવડ્યા હોય તેમ જણાતું નથી.
નિવારણના બદલે ભીનું સંકેલવાની નીતિ?
રાજકીય તજજ્ઞોનું માનવું છે કે, મૂળ પ્રશ્નોનું નિવારણ લાવવાને બદલે ‘બધું બરોબર છે' તેવી માનસિકતા પક્ષે અપનાવી છે. મહિલા કોર્પોરેટરના પતિ સામેના કૌભાંડો હોય, આંતરિક જૂથવાદ કે પછી ગાજેલો ‘ફડાકા કાંડ' - આ તમામ મુદ્દાઓએ ભાજપને આંતરિક રીતે નુકસાન પહોંચાડ્યું છે. હવે આ ક્ષતિઓ સુધારીને ચૂંટણીમાં તેની નકારાત્મક અસર ન પડે તે માટે પક્ષે અત્યારથી જ ‘ડેમેજ કંટ્રોલ' શરૂ કરી દીધું છે.
ચૂંટણી જંગ રોમાંચક બનશે
વર્તમાન નગરસેવકો અને આગેવાનોની ટર્મ હવે પૂર્ણતાના આરે છે ત્યારે જનતા તેમના કામોને કેવી રીતે મૂલવે છે તે જોવું રસપ્રદ રહેશે.
એક તરફ ભાજપ પોતાનું નુકસાન સરભર કરવા મથામણ કરી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ વિવાદોને પ્રજા વચ્ચે લઈ જઈને સત્તાપક્ષને ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. આગામી ચૂંટણીના પરિણામો જ સ્પષ્ટ કરશે કે જનતાનો ઝુકાવ કોની તરફ છે.
(3:32 PM IST)










