તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd March 2026
રાજકોટના ઈશ્વરીયામાં ૩૨ વીઘા જમીન પર ભવ્ય શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજનઃ ૨૫ કુંડી મહાયજ્ઞ અને જ્ઞાતિ સમૂહ ભોજનનો ત્રિવેણી સંગમઃ ઉમિયાધામ સિદસર દ્વારા ત્રિવેણી સમારોહનું ભવ્ય આયોજન
શિહેરના સવા લાખ અને સૌરાષ્ટ્રભરના મળી બે લાખ પાટીદારો પ્રસાદ લેશેઃ ભોજન સમારંભ પાંચ તબક્કામાં બપોરે ૩ થી રાત્રે ૮ વાગ્યા દરમિયાન યોજાશેઃ ૫૧ સમિતિઓની રચનાઃ ૫૦૦૦ સ્વયંસેવકો સેવા આપશેઃ ૬ થી ૧૧ માર્ચ દરમિયાન રાજકોટના વિવિધ વોર્ડમાં મા ઉમિયાની રથયાત્રા યોજાશેઃ ૧૮ માર્ચે શહેરના મુખ્ય માર્ગો પર જાજરમાન શોભાયાત્રાનું આયોજન

રાજકોટઃ અહીંના ઈશ્વરીયામાં ૩૨ વીઘા જમીન પર ભવ્ય શૈક્ષણિક સંકુલનું ભૂમીપૂજન, ૨૫ કુંડી મહાયજ્ઞ અને જ્ઞાતિ સમૂહ ભોજનનો ત્રિવેણી સંગમ યોજાશે.
ઉમિયાધામ સિદસર દ્વારા રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પર મેટોડા નજીક આવેલા ઈશ્વરીયા ખાતે આગામી ૨૧ થી ૨૫ માર્ચ દરમિયાન ત્રિવેણી સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૪ના રજત જયંતિ સ્મૃતિદિનના સવા દાયકા બાદ યોજાનારા આ મહોત્સવમાં ૩૨ વીઘા જમીન પર નિર્માણ પામનાર જીવન વિદ્યાપીઠ-રાજકોટ શૈક્ષણિક સંકુલનું ભૂમીપૂજન કરવામાં આવશે. આ પ્રોજેક્ટના મુખ્ય દાતા તરીકે જીવનભાઈ ગોવાણી પરિવારનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો છે. આ સંકુલમાં કડવા પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ માટે આધુનિક સ્કૂલ અને છાત્રાલય બનશે, જે નવી પેઢીને જીવનલક્ષી શિક્ષણ આપશે. આ સાથે જ ૨૦૧૪ના મહોત્સવમાં યોગદાન આપનાર દાતાઓના યજમાનપદે ૨૫ કુંડી મહાયજ્ઞ યોજાશે અને ૨૬ માર્ચને રામનવમીના દિવસે મુખ્ય ભૂમીપૂજન વિધિ સંપન્ન થશે.
૧૦૦ કરોડની સમૃદ્ધિ યોજના અને શૈક્ષણિક ઉત્કર્ષઃ સીદસર ઉમિયાધામના સેવા કાર્યો
સીદસર ખાતે બિરાજમાન કડવા પાટીદારોના કુળદેવી મા ઉમિયાના સાનિધ્યમાં ૧૯૯૯માં શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો, જેના દ્વારા સમાજમાં એકતાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ અમલી બનેલી ૫૧ કરોડની ઉમિયા સમૃદ્ધિ યોજના દાતાઓના સહયોગથી ૧૦૦ કરોડ સુધી પહોંચી હતી. જેના દ્વારા સૌરાષ્ટ્રભરમાં ૧૭ શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલયો અને સમાજવાડીઓનું નિર્માણ થયું છે. વર્ષ ૨૦૧૨માં રજત જયંતિ મહોત્સવ સમયે ૧૨૫ કરોડની દ્વિતીય ઉમિયા સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં દાતાઓએ ૧૦૦ કરોડથી વધુના દાનની જાહેરાત કરી હતી. આ ભંડોળમાંથી જ રાજકોટના શૈક્ષણિક પ્રોજેક્ટ ઉપરાંત દ્વારકા, સોમનાથ અને સિદસર ખાતે પણ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. સમાજ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે શિક્ષણ અને સંગઠન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
૬ થી ૧૧ માર્ચ સુધી વોર્ડવાઈઝ રથયાત્રા અને સવા લાખ પાટીદારોનું સમૂહ ભોજનઃ વ્યવસ્થા માટે ૫૧ સમિતિઓ તૈનાત
આ મહોત્સવ અંતર્ગત રાજકોટના ૩૦,૦૦૦ પરિવારોને માનું નોતરું આપવા માટે ૬ થી ૧૧ માર્ચ દરમિયાન ભવ્ય રથયાત્રા યોજાશે. રથયાત્રામાં સાત રંગના સ્વપ્ન લઈને માડીનો રથ આવે છે' ગીત આકર્ષણનું કેન્દ્ર બનશે. ૧૮ માર્ચે શહેરમાં મોટી શોભાયાત્રા નીકળશે. મહોત્સવ દરમિયાન રાજકોટના સવા લાખ અને સૌરાષ્ટ્રના મળી કુલ બે લાખથી વધુ લોકો સમૂહ ભોજન લેશે, જે પાંચ તબક્કામાં બપોરે ૩ થી ૮ વાગ્યા સુધી યોજાશે.
આ આયોજનને સફળ બનાવવા પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, મંત્રી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, ચીમનભાઈ શાપરીયા અને સંગઠન સમિતિના પ્રમુખ કૌશિકભાઈ રાબડીયાના માર્ગદર્શન હેઠળ ૫૧ સમિતિઓ અને ૫૦૦૦ સ્વયંસેવકો કાર્યરત છે. પરિવહન માટે ૧૦૦ બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
રથયાત્રાનો વિગતવાર રૂટ
૬ માર્ચઃ બાલક હનુમાન મંદિરથી ફીલ્ડમાર્શલ વાડી.
૭ માર્ચઃ અમરનાથ મંદિરથી પંચવટી સોસાયટી ભક્તિધામ મંદિર.
૮ માર્ચઃ મહાત્મા ગાંધી સ્કૂલથી પુષ્કરધામ મહાદેવ મંદિર.
૯ માર્ચઃ નીલકંઠ મહાદેવ મંદિરથી સોમેશ્વર મહાદેવ મંદિર.
૧૦ માર્ચઃ ગ્રીનમુનથી શરૂ કરી વિવિધ એપાર્ટમેન્ટ્સ થઈ અંબાધામ મંદિર.
૧૧ માર્ચઃ ગોકુલધામથી શરૂ થઈ કલ્પવન ખાતે પૂર્ણાહુતિ.
(2:58 PM IST)










