<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

રાજકોટમાં લુખ્ખા તત્વોનો બેફામ આતંક: બાઈક ધીમું ચલાવવાનું કહેતા મહિલા પર હુમલો, પોલીસકર્મીના ઘરમાં ઘૂસીને તોડફોડ

મોરબી રોડ પર આશાપુરા પાર્કમાં જાહેરમાં પથ્થરમારો થતા અફરાતફરી; જીવ બચાવવા મહિલા પોલીસના ઘરે આશરો લેવા દોડી તો ઉશ્કેરાયેલા 15 થી વધુ શખ્સોના ટોળાએ રહેણાંક મકાનને નિશાન બનાવી યુદ્ધ જેવી સ્થિતિ સર્જી

રાજકોટ:રંગીલા રાજકોટમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ અસામાજિક તત્વોનો ફફડાટ વધી રહ્યો છે. શહેરના જૂના મોરબી રોડ પર આવેલ આશાપુરા પાર્ક-2 વિસ્તારમાં એક સામાન્ય શિખામણ લોહિયાળ હુમલામાં ફેરવાઈ ગઈ હતી. એક યુવક રહેણાંક વિસ્તારમાં પૂરપાટ ઝડપે બાઈક ચલાવી રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર મહિલાઓએ માનવતાના નાતે તેને બાઈક ધીમું ચલાવવા ટકોર કરી હતી. આ વાતથી ઉશ્કેરાયેલા યુવકે પહેલા મહિલાઓને સરેઆમ ગાળો ભાંડી હતી અને ત્યારબાદ પોતાનું અસલી રૂપ બતાવતા 15થી વધુ લોકોના સશસ્ત્ર ટોળાને બોલાવી આખા વિસ્તારમાં આતંક મચાવ્યો હતો.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવક દ્વારા કરવામાં આવેલા આ હિંસક હુમલાને પગલે વિસ્તારમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું. મહિલાએ જ્યારે જોયું કે ટોળું ઘાતક હથિયારો સાથે તેના પર તૂટી પડવાની તૈયારીમાં છે, ત્યારે તેણે જીવ બચાવવા માટે નજીકમાં જ રહેતા પરેશભાઈ નામના એક પોલીસ કર્મચારીના ઘરનો આશરો લીધો હતો. જોકે, કાયદાના ડર વગરના આ લુખ્ખા તત્વોએ પોલીસકર્મીના ઘરની મર્યાદા પણ જાળવી નહોતી અને મકાન પર ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેનાથી ઘરની બારીઓ અને ચીજવસ્તુઓને નુકસાન પહોંચ્યું હતું.

ટોળા દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાને કારણે આશાપુરા પાર્કમાં યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો અને લોકો ડરના માર્યા ઘરના બારણાં બંધ કરી અંદર ભરાઈ ગયા હતા. સ્થાનિકોના આક્ષેપ મુજબ, હુમલાખોરો પાસે માત્ર પથ્થર જ નહીં પરંતુ અન્ય હથિયારો પણ હતા, જેના કારણે મોટી જાનહાનિ થવાની પણ શક્યતા હતી. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, પરંતુ પોલીસના પહોંચતા પહેલા જ હુમલાખોર ટોળું ત્યાંથી ફરાર થઈ ગયું હતું.

હાલમાં રાજકોટ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે જેથી હુમલાખોર યુવક અને તેની સાથે આવેલા ટોળાની ઓળખ કરી શકાય. પોલીસકર્મીના ઘર પર થયેલા હુમલાએ ખાખીના ખૌફ પર પણ સવાલો ઉભા કર્યા છે, ત્યારે હવે પોલીસ આ મામલે કેવા કડક પગલાં ભરે છે તેના પર સૌની નજર છે. આ ઘટનાને પગલે મોરબી રોડ વિસ્તારમાં હાલ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

(2:53 PM IST)