તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th February 2026
પરાપીપળીયામાં વાડીએ વાંકાનેર સોસાયટીના પ્રભાતભાઇ ચાવડા પર હુમલોઃ પગમાં ફ્રેકચર
શેઢા પાડોશી હરેશ હુંબલને વાડીમાં આવવાની ના પાડતાં તેણે તેના સુભાષને બોલાવ્યો અને બંને તૂટી પડયાઃ મારી નાંખવાની ધમકી પણ દીધાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૮: શહેરના જામનગર રોડ પર આવેલી વાંકાનેર સોસાયટીમાં રહેતા અને ખેતીકામ કરતા પ્રભાતભાઈ મેણંદભાઈ ચાવડા (ઉં.વ. ૬૧) પરા પીપળીયા એઇમ્સ રોડ પર મુરલીધર સર્કલ પાસે આવેલી પોતાની વાડીએ હતાં ત્યારે શેઢા પાડોશી એવા બે ભાઇઓ હરેશ વજુભાઇ હુંબલ અને સુભાષ વજુભાઇ હુંબલે ઝઘડો કરી બથમાં પકડી લઇ આજે તો મારી જ નાંખવો છે કહી ઢીકાપાટુનો અને પાવડાથી માર મારતાં અને માથે જતાં ધમકી આપતાં સારવાર લેવી પડી છે. પગમાં પાવડાનો ઘા લાગતાં ફ્રેકચર થઇ ગયું છે.
પ્રભાઇભાઇ ચાવડાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૬મીએ સાંજના સમયે તેઓ પોતાની વાડીએ હાજર હતા, ત્યારે પડોશી હરેશ વજુભાઈ હુંબલ તેમની વાડીમાં પ્રવેશતા પ્રભાતભાઈએ તેને ‘આપણે અગાઉ પણ વાત થઇ હતી કે અમારી વાડીમાં તમારે આવવું નહિ, છતાં કેમ આવે છે?' તેમ કહેતાં હરેશ વાડીમાંથી જતો રહ્યો હતો. બાદમાં ે ઉશ્કેરાઈને હરેશ તેના મોટા ભાઈ સુભાષ વજુભાઈ હુંબલને બોલાવી લાવ્યો હતો. સુભાષે પ્રભાતભાઈને પકડી રાખ્યા હતા અને હરેશે ગાળાગાળી કરી હતી આજે તો મારી જ નાખવો છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુ માર્યા હતાં.
આ પછી હરેશ હુંબલે વાડીમાં પડેલો પાવડો ઉપાડી પ્રભાતભાઈના ડાબા પગે ઘુંટણની નીચેના ભાગે જોરદાર ફટકો મારતાં ગંભીર ઇજા પહોંચી હતી. બુમાબુમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને હુમલાખોર ભાઇઓ ત્યાંથી ભાગી છૂટયા હતા. બાદમાં પ્રભાતભાઈને સારવાર માટે એઇમ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમના પગમાં ફ્રેક્ચર હોવાનું જણાવ્યું હતું. હાલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્સ. આર. ટી. વાસદેવાણીએ કાર્યવાહી કરી હતી
(3:38 PM IST)










