તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th February 2026
વોર્ડ ૫ના ચોક્કસ નગરસેવકોની ટિકિટ પર કાતર ફરશે?
રોસ્ટર મુજબ ૨૦ થી વધુ ભાજપના નગરસેવકો પર સંકટના વાદળો : પ્રશ્નનું નિવારણ લાવવા મથામણ

રાજકોટ : દરેક રાજકીય પક્ષો દ્વારા હાલ વિધાનસભા સત્ર પૂર્ણ થવાની રાહ જોવામાં આવી રહી છે કારણ કે સત્ર પૂર્ણ થતા જ રાજકીય વર્તુળો કહી રહ્યા છે કે મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ જશે. ત્યારે આ વખતે બેઠક વહેચણી માટે અત્યારથી જ અનેક ખેંચતાણો આંતરિક રીતે શરૂ થઈ ગયી છે.
બીજી મોટી વાત એ છે કે હાલ રોસ્ટર જે રીતે નક્કી કરવામાં આવ્યું છે તેનાથી અનેક જૂના જોગીઓના નામ કપાશે એટલું જ નહીં તેઓ અન્ય બેઠક ઉપરથી પણ ચૂંટણી લડવા માટેની દાવેદારી કરી શકે છે.
વોર્ડ નંબર પાંચની વાત કરવામાં આવે તો પ્રથમ બે મહિલા અનામત બેઠક સામાન્ય માટે નક્કી કરવામાં આવી છે ત્યારબાદની ત્રીજી બેઠક પછાત વર્ગ અને ચોથી બેઠક ફરી સામાન્ય વર્ગ માટે નક્કી કરાય છે.
આ સમીકરણને ધ્યાને લેવામાં આવે તો વોર્ડ પાંચમાં સ્થિતિ અલગ જ જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વજીબેન ગોલતર અગાઉ વિરોધના વંટોળમાં ફસાયા હતા અને સસ્પેન્ડ પણ થયેલા છે.
એટલે તેમને ટિકિટ અપાય તેવી શક્યતા તદ્દન ઓછી છે તેમનું પક્ષમાંથી થયેલ સસ્પેન્શન હજી પાછું ખેંચાયું નથી.
આ ઉપરાંત રસીલાબેન સાકરીયા ખૂબ જ સ્પષ્ટ વક્તા હોવાથી સામા કાંઠાના વગદાર મનાતા નેતાઓને અને હાલના શાસકોને તેમને ટિકિટ મળે તે પસંદ ન આવે તેવી પણ ચર્ચા છે.
ધારાસભ્ય કક્ષાના મહિલા આગેવાન સાથેની તેમની સ્પષ્ટ વાતો પણ ચર્ચામાં છે. ત્યારબાદ હાર્દિક ગોહિલ અને દિલીપ લુણાગરિયા વચ્ચે જંગ જામી શકે છે અને પાર્ટી કોને ટિકિટ આપે તેના પર તમામ દારોમદાર છે.
મળતી માહિતી મુજબ દિલીપ લુણાગરિયાને રીપીટ કરવામાં આવે તેવા પણ સંજોગો ઉભા થાય તો નવાઈ નહીં. અહીં લુણાગરિયા પરિવારનો ખૂબ જ મોટો દબદબો છે.
તેમની ટિકિટ કાપવાની ઓછી સંભાવના હોવાનું પણ ચર્ચાય છે ત્યારે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે રીપીટ કરવા તો કયા કારણોસર કરવા ? શું કોર્પોરેટરોના કરેલા કામોથી સ્થાનિક લોકો રાજી છે કે કેમ તે અંગેની પણ માહિતી પક્ષ દ્વારા આંતરિક રીતે એકત્રિત કરવામાં આવી રહી છે અને જો આ મુદ્દાને ધ્યાને લેવામાં આવે તો કદાચ હાલના કોર્પોરેટરોને ટિકિટ મળવામાં મુશ્કેલી સર જાય તો નવાય નહીં.
બીજી તરફ વોર્ડ નંબર પાંચમાં આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે પરંતુ તેઓ પર લોકોનો વિશ્વાસ હજી બેસતો નહીં હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ હાલ જંગલેશ્વરમાં જે રીતે ડિમોલિશન અંગે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ જ્યારે ડિમોલિશન થયું ત્યારે કોંગ્રેસનો એક પણ આગેવાન સ્થળ પર હાજર ન હતો તે વાતથી કોંગ્રેસે પોતાની વિશ્વસનીયતા ઉપર પણ અનેક પ્રશ્નો ઉભા કરી દીધા છે.
સામે ભાજપ માટે પણ નવા રોસ્ટરના આધારે બેઠક વહેંચણી કરવી કપરી પુરવાર થશે અને ખાસો સમય પણ માંગી લેશે કારણકે ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં યાદી ઉમેદવારોને ટિકિટ મળતા આંતરિક વિખવાદ જોવા મળ્યા હતા ત્યારે આ વખતે પણ આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે અત્યારથી જ બેઠક વહેંચણી માટેની કામગીરી અને માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે જેથી ભવિષ્યમાં અન્ય કોઈ વિરોધનો સામનો ભાજપે ન કરવો પડે અને તેની અસર મહાનગર પાલિકા ની ચૂંટણીઓ પર ન થાય.
પ્રવર્તમાન નગર સેવકો દ્વારા અને તેમના પતિ દ્વારા કરવામાં આવેલા મનાતા ચર્ચાસ્પદ કાર્યવાહીના પગલે આગામી ચૂંટણી માટે તેઓની ટિકિટ કપાશે તેવી પણ વાતો ચર્ચામાં છે. પરંતુ હાલ સંગઠનમાં જે રીતે ફેરફાર જોવા મળ્યા છે અને યુવા લોકોને વધુ સ્થાન આપવામાં આવી રહ્યું છે તેને જોતા એ વાત પણ છે કે હવે બોર્ડમાં યુવાનોની સાથો સાથ અનુભવી લોકોનો તાલમેલ યોગ્ય રીતે બેસે તે પ્રકારે બેઠક વહેંચણી કરવામાં આવે.
નવા રોસ્ટર પ્રમાણે ૨૭્રુ બેઠક અનામત રાખવામાં આવી છે જેનો સીધો જ ફાયદો ઓબીસી ને થાય તો નકારી ન શકાય. જેથી સામાન્ય જ્ઞાતિઓની ટિકિટ રોસ્ટર પ્રમાણે આ વખતે ઘટી છે.
રાજકીય સુત્રોના જણાવ્યા અનુસાર હાલ જે નવું રોસ્ટર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યું તેનાથી ૨૦ થી વધુ કોર્પોરેટરોને અસર પહોંચે તેવું જણાઈ રહ્યું છે. ત્યારે આ સ્થિતિને કઈ રીતે કાબુમાં લેવામાં આવશે તે માટે અત્યારથી જ વિચાર વિમર્શ પ્રદેશ કક્ષા થી કરવામાં આવી રહ્યો હોઈ શકે છે.
બીજો સૌથી મોટો પડકાર ભાજપ માટે એ છે કે દરેક જ્ઞાતિને યોગ્ય રીતે માન આપવામાં આવે અને સંતુલન જળવાઈ તે રીતે બેઠકો ની વહેચણી કરવી પડશે.
(4:12 PM IST)










