તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
વોર્ડ નં.૪ માં ભર્યું નાળિયેર : ‘નો રિપીટ' થીયરીનો ગાળિયો કસાશે ?
કોંગ્રેસ અને આપ મેદાનમાં, પણ ભાજપ માટે ટિકિટ વહેંચણી બની પેચીદી

રાજકોટ, તા.૨૬ : મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ ઝડપભેર નજીક આવી રહેલ છે ત્યારે રાજકીય ગલિયારાઓમાં ટિકિટ કાપવા અને નવા ચહેરાઓને તક આપવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખાસ કરીને વોર્ડ નંબર ૪ ની વાત કરીએ તો, અહીં સત્તાધારી પક્ષ ભાજપ માટે સ્થિતિ થોડી 'ખાંડાની ધાર' જેવી જણાઈ રહી છે. ચર્ચા તો એવી પણ છે કે, આ વખતે નો રીપીટ થિયરી આવે તો આ વોર્ડના 'પ્રથમ નાગરિક' સહિત ત્રણ કોર્પોરેટરોન સ્થાને નવા ઉમેદવારો મુકવા પડે. લોકોમાં ચર્ચા છે કે આ વોર્ડના રોડ-રસ્તા અને પાણીના પ્રશ્નો ઉકેલાયા ખરા, પણ તે માટે સ્થાનિકોએ પણ ઘણી રજૂઆત કરવી પડે. જોકે નયનાબેન ને કોરી પાટીની નોંધ ઠેઠ ઉપર સુધી લેવાયેલ છે. તેમને સતત ટેન્શનમાં રાખવાના અને બદનામ કરવાના હિનપ્રયાસો પણ હવે લોકો અને હાઈ કમાન્ડ જાણતા થઈ ગયા છે.
રાજકીય જાણકારોના માનવા મુજબ, કાળુભાઈ કુગશિયા અત્યારથી જ મેદાનમાં સક્રિય થઈ ગયા છે. બીજી તરફ, એવી પણ ચર્ચા છે કે નો રીપીટ થિયરી આવે તો પક્ષ આ વખતે એક અનુભવી અને ત્રણ નવા યુવાન ચહેરાઓનું ‘કોમ્બિનેશન' અજમાવી પ્રજાના પ્રશ્નો ઉકેલવા નવો દાવ ખેલી શકે છે.
વિપક્ષનું એડીચોટીનું જોર
ભાજપના આંતરિક ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઠાકરશીભાઈ ગજેરાએ અત્યારથી જ પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. કોંગ્રેસ આ વખતે ગજેરાના જોરે વોર્ડ ૪ માં ગાબડું પાડવા મથામણ કરી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી હજુ લોકોનો ભરોસો જીતવા સંઘર્ષ કરી રહી હોય તેમ જણાય છે.
જ્ઞાતિના સમીકરણો અને રોસ્ટરની ફાળવણી વચ્ચે ભાજપ માટે આ 'ગઢ' સાચવવો પડકારજનક રહેશે. હવે જોવાનું એ રહે છે કે પક્ષ કઈ દિશા અપનાવે છે.
(3:23 PM IST)










