તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
રિક્ષામાં ઉલ્ટી-ઉબકા, ધક્કા-મુક્કી કરી કિશલો, વિરૂ, હીનાએ ૧૪ મુસાફરોના ખિસ્સા કાપી લીધા
રાજકોટ, પાવાગઢ, મોરબી, બાવડા સુધી રિક્ષાગેંગ ગુના આચરતી હતીઃ ક્રાઇમ બ્રાંચે દબોચ્યા કિશનની અગાઉ ૯ ગુનામાં અને વિરલની ૫ ગુનામાં સંડોવણીઃ મોટે ભાગે હિન્દીભાષી અને પરપ્રાંતિય મજૂરોને જ નિશાન બનાવતાં: વિજયરાજસિંહ, પ્રતિકસિંહ, તુલસીભાઇ, સંજયભાઇની બાતમીથી પીએસઆઇ આર. કે. ગોહિલની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૫: ઓટો રિક્ષામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રિક્ષા લઇ સતત આટાફેરા કરી હિન્દીભાષી હોય તેવા તેમજ મજૂર જેવા લાગતા હોય તેવા લોકોને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી ઉલ્ટી ઉબકાનું નાટક કરી કે પછી ધક્કામુક્કી કરી મુસાફરનું ધ્યાન ભટકાવી ખિસ્સામાંથી રોકડ-પર્સ ચોરી લેતી રિક્ષાગેંગના બે શખ્સ અને એક યુવતિને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે. આ ત્રિપુટીમાં સુત્રધાર કિશન ૯ ગુનાઓમાં અને સાગ્રીત ૫ ગુનાઓમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકયો છે. આ ત્રણેયએ મળી છેલ્લા એક મહિનામાં રાજકોટ, પાવાગઢ, મોરબી, બાવડા ચોકડી વિસ્તારમાં ૧૫ મુસાફરોને બેસાડી ખિસ્સા કાપી લીધાની કબુલાત આપી છે. જો કે આ પૈકી તાજેતરમાં એક ગુનો થોરાળા પોલીસમાં નોંધાયો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમ મુસાફરોના ખિસ્સા કાપી લેતી ટોળકીને શોધવા તપાસમાં હતી ત્યારે એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્સ. પ્રતિકસિંહ રાઠોડ, તુલસીભાઇ ચુડાસમા અને કોન્સ. સંજયભાઇ ખાખરીયાને બાતમી મળતાં સિવિલ હોસ્પિટલ ચોક ખાતેથી કિશન ઉર્ફે કિશલો મગનભાઇ ભાંભળીયા (ઉ.વ.૨૭-રહે. કાંતાબેન ડાભીના મકાનમાં, માલધારી સોસાયટી-૩, મુળ ખાવડી ગામ ઝૂપડામાં), વિરલ ઉર્ફ વિરૂ ગોવિંદભાઇ ઉદેશી (ઉ.વ.૨૬-રહે. નવાગામ પ૦ વારીયા ઢાળ ઉપર) તથા હીના શરીફભાઇ મેમણ (ઉ.વ.૨૫-રહે. ભગવતીપરા પોલીસ ચોકી પાસે શેરી નં. ૪)ને પકડી લઇ રોકડા ૨૪૦૦૦ અને જીજે૦૩સીટી-૧૬૩૯ નંબરની ૧.૨૦ લાખની રિક્ષા કબ્જે કરી છે.
પોલીસના કહેવા મુજબ કિશન ઉર્ફ કિશલો રીઢો ગુનેગાર છે. તેના વિરૂધ્ધ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢમાં ચોરી, દારૂ સહિત ૯ ગુના નોંધાયેલા છે. જ્યારે વિરલ ઉર્ફે વિરૂ સામે ચોરી-દારૂ સહિત ૫ ગુના અને હીના વિરૂધ્ધ ચોરીનો એક ગુનો અગાઉ નોંધાયો હતો. છેલ્લા એક મહિનામાં આ ત્રણેયએ રાજકોટ, પાવાગઢ, મોરબી, બાવડામાં મુસાફરોને બેસાડી ખિસ્સામાંથી રોકડ-પર્સ ચોરી લીધા હતાં. આવા ૧૪ગુના કબુલ્યા છે. કિશન રિક્ષા હંકારતો અને વિરલ તથા હીના પાછળ બેસતા હતાં. આ ત્રણેય મોટે ભાગે હિન્દીભાષી પરપ્રાંતિય મજૂરોને જ શિકાર બનાવતાં હતાં. આવા લોકો મોટે ભાગે નાની મોટી રકમ ગઇ હોઇ ફરિયાદ પણ નોંધાવતા હોતાં નથી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ આર. કે. ગોહિલ, એએસઆઇ અશોક કલાલ, રણજીતસિહ પઢારીયા, વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઇ દાફડા, હેડકોન્સ. સુભાષભાઇ ઘોઘારી, તુલસીભાઇ ચુડાસમા, પ્રતિકસિંહ રાઠોડ, મુકેશભાઇ સબાડ, કોન્સ. સંજયભાઇ ખાખરીયાએ આ કામગીરી કરી હતી.
(3:37 PM IST)










