<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

વોર્ડ ૩માં બે નગરસેવકો રિપીટ થાય તેવી પ્રબળ શક્‍યતા?

રાજકોટ મ્‍યુ-કોર્પો-ચૂંટણી : અનામત બેઠકનું રોસ્‍ટર વોર્ડ નંબર ત્રણ માટે રહ્યું યથાવતઃ ડેપ્‍યુટી મેયર વોર્ડ ૩ માંથી ચૂંટણી લડે કે વોર્ડ ૧ માંથી તે જોવાનું રહ્યું

રાજકોટ,તા.૨૫: રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની  ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે બોર્ડની પરીક્ષા પૂર્વે આચારસંહિતા લાગુ થવાની શક્‍યતા જોતા રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર ૩માં રોસ્‍ટર યથાવત રહેતા જો નો રીપીટ થિયરી અજમાં વાય નહીં તો વર્તમાન બે નગરસેવકોને ફરી તક મળી શકે છે, જ્‍યારે ડેપ્‍યુટી મેયરની બેઠકને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓનો જંગ હવે જામવાની તૈયારીમાં છે. જાણકાર વર્તુળોના જણાવ્‍યા અનુસાર, બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થાય તે પહેલા જ આચારસંહિતા એટલે કે ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવે તેવી પૂરેપૂરી શક્‍યતા છે. આ સ્‍થિતિને જોતા દરેક રાજકીય પક્ષો પોતપોતાના સામર્થ્‍ય સાથે મેદાનમાં ઉતરી ગયા છે અને મહાનગરપાલિકાની સત્તા અંકે કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હાલમાં દરેક પક્ષ માટે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે વોર્ડ મુજબ બેઠકોની વહેંચણી કરવાનું કાર્ય અત્‍યંત જાટિલ પુરવાર થઈ રહ્યું હોય તેમ જણાય છે.

વોર્ડ નંબર ૩નું રોસ્‍ટર અને વર્તમાન સ્‍થિતિ

વોર્ડ નંબર ૩ ની વિગતો પર નજર કરીએ તો, રોસ્‍ટર મુજબ પ્રથમ અને બીજી બેઠક સામાન્‍ય મહિલા અનામત માટે નિર્ધારિત કરવામાં આવી છે. જ્‍યારે ત્રીજી બેઠક પછાત વર્ગ માટે અને ચોથી બેઠક સામાન્‍ય વર્ગ માટે નક્કી કરવામાં આવી છે. રાજકીય સૂત્રોના જણાવ્‍યા અનુસાર, હાલ આ વોર્ડમાં મહાનગરપાલિકાના ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિહ જાડેજા પ્રવર્તમાન નગરસેવક તરીકે સેવા આપી રહ્યા છે. તેમની સાથે અલ્‍પાબેન દવે, કુસુમબેન ટેકવાણી અને બાબુભાઈ ઉધરેજા પણ પ્રતિનિધિત્‍વ કરી રહ્યા છે.

કોના નામ રિપીટ થવાની ચર્ચા?

તાજેતરની ચર્ચાઓ મુજબ, અલ્‍પાબેન દવે અને નરેન્‍દ્રસિંહ જાડેજાને પક્ષ ફરીથી રિપીટ કરે તેવી પ્રબળ શક્‍યતાઓ સેવાઈ રહી છે. જોકે, એક મહત્‍વની બાબત એ પણ છે કે ઘંટેશ્વર વિસ્‍તાર, જ્‍યાં ખુદ ડેપ્‍યુટી મેયર રહે છે, તે હવે નવા સીમાંકન મુજબ વોર્ડ નંબર ૧ માં જોડાઈ ગયો છે. આ સંજોગોમાં નરેન્‍દ્રસિંહ જાડેજા વોર્ડ ૧ માંથી ચૂંટણી લડશે કે કેમ તે અંગે અટકળો તેજ થઈ છે. બીજી તરફ, તેમના કાર્યકાળમાં રેલનગર સહિતના વિસ્‍તારોમાં નોંધપાત્ર વિકાસકાર્યો થયા હોવાથી તેઓ વોર્ડ ૩ થી જ લડે તેવી પણ શક્‍યતા છે.

ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ

રાજકોટ ભાજપ માટે હંમેશા મજબૂત ગઢ રહ્યું છે. ગત ચૂંટણીમાં ભાજપે ૬૮ બેઠકો મેળવી હતી જ્‍યારે કોંગ્રેસના ફાળે માત્ર ૪ બેઠકો આવી હતી. આ વખતે પણ સત્તા સાથે યથાવત સ્‍થિતિ જાળવી રાખવા માટે પક્ષે સબળા ઉમેદવારોની પસંદગી કરવી પડશે. અલ્‍પાબેન દવેની વાત કરીએ તો, તેઓ ગત ચૂંટણીમાં સારા મતોથી વિજેતા થયા હતા અને લોકપ્રિયતાની દ્રષ્ટિએ પણ તેઓ લોકોની વચ્‍ચે સક્રિય રહ્યા છે, જેથી તેમને રિપીટ કરવામાં આવે તેવી શક્‍યતા અત્‍યારે તો ચર્ચાએ છે. સામી બાજુ કુસુમબેન ટેકવાણી અને બાબુભાઈ ઉધરેજાને 'નો રિપીટ' કરવામાં આવે તેવી પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.

પસંદગીનો કળશ કોના પર ઢોળાશે?

વોર્ડ નંબર ૩ માં જ્ઞાતિ સમીકરણો સંતુલિત રાખવા પક્ષ માટે મોટો પડકાર છે. આ વખતે સંગઠનમાં જોવા મળેલા ફેરફાર મુજબ યુવા ચહેરાઓને વધુ તક મળે તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. ઘણા નગરસેવકો સામે જનતામાં નારાજગી પણ છે, જેનો સામનો કરવા પક્ષે યોગ્‍ય રણનીતિ ઘડવી પડશે. હાલમાં ઈચ્‍છુક ઉમેદવારો દ્વારા જોરદાર લોબિગ શરૂ કરી દેવામાં આવેલ છે, પરંતુ અંતે ટિકિટ કોને મળશે તે તો સમય જ બતાવશે.

(3:31 PM IST)