તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th February 2026
એક કાંકરી પણ નહીં હલવા દઈએ ના દાવા કરનારા કોંગ્રેસીઓ છૂ થઈ ગયા? જંગલેશ્વર ડિમોલેશનમાં વિપક્ષની ગેરહાજરીથી ખુદ કોંગ્રેસમાં જ ભડકો
રાજકોટના જંગલેશ્વરમાં ઐતિહાસિક ડિમોલેશન છતાં વિપક્ષ ગાયબઃ કોંગ્રેસના આંતરિક ડખ્ખા સપાટી પર આવ્યા : જંગલેશ્વરના અસરગ્રસ્તોના આંસુ લૂંછવા કોઈ ન આવ્યું: મોટા વાયદા કરનારા નેતાઓ ગાયબ થતા ડો. હેમાંગ વસાવડાએ પોતાની જ પાર્ટીને આડેહાથ લીધી

રાજકોટઃ અહીંના જંગલેશ્વર વિસ્તારમાં પોલીસ અને કોર્પોરેશન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ઇતિહાસના સૌથી મોટા ડિમોલેશન ઓપરેશને રાજકીય ગરમાવો લાવી દીધો છે. આ મામલે રહિશોના આંસુ લૂંછવાને બદલે રાજકીય પક્ષોની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે. ખાસ કરીને ‘એક કાંકરી પણ નહીં હલવા દઈએ' તેવા દાવા કરનારા કોંગ્રેસી નેતાઓ ડિમોલેશન વખતે ક્યાં ગાયબ થઈ ગયા? તેવો સવાલ ખુદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો. હેમાંગ વસાવડાએ ઉઠાવ્યા હોવાનું બહાર આવતા રાજકીય આલમમાં સોંપો પડી ગયો છે. અંગે સત્તાવાર સમર્થન મેળવાય રહ્યું છે.
પોલિટીકલ અફેર્સ કમિટીની બેઠકમાં આક્રોશ
સોમવારે રાજકોટની નાગર બોર્ડિગ ખાતે પ્રભારી જેનીબેન ઠુમ્મરની અધ્યક્ષતામાં કોંગ્રેસની પોલિટીકલ અફેર્સ કમિટીની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો. હેમાંગ વસાવડાએ જંગલેશ્વરના મુદ્દે પોતાની જ પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સવાલ કર્યો હતો કે જ્યારે અસરગ્રસ્તોને નોટિસ મળી ત્યારે મોટી મોટી સભાઓ કરનારા નેતાઓ આજે જ્યારે લોકોના ઘર તૂટ્યા ત્યારે ક્યાં છે?
મોટા દાવા અને પોકળ વાયદા
જ્યારે જિલ્લા કલેક્ટર દ્વારા ડિમોલેશનની નોટિસ આપવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પૂર્વ ધારાસભ્ય સર્વશ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈ સહિતના આગેવાનોએ જંગલેશ્વરમાં રેલીઓ અને સભાઓ ગજવી હતી. તે સમયે નેતાઓએ હુંકાર કર્યો હતો કે
ઞ્જ જંગલેશ્વરમાં ડિમોલેશન થવા નહીં દઈએ.
ઞ્જ તંત્ર દ્વારા એક કાંકરી પણ હલવા દેવામાં નહીં આવે.
ઞ્જ જરૂર પડશે તો વાહનોની લાઈનો લગાવી દઈશું પણ ડિમોલેશન અટકાવીશું.
જોકે, ડો. વસાવડાએ દાવો કર્યો હતો કે આ સભાઓ અને ફોટા પડાવ્યા બાદ આ નેતાઓ વિસ્તારમાંથી ગાયબ થઈ ગયા છે. જ્યારે ખરેખર ડિમોલેશન થયું ત્યારે કોઈ નેતાએ અસરગ્રસ્તોની મુલાકાત લેવાની તસ્દી પણ લીધી નથી.
શહેર પ્રમુખે સ્વીકારી ભૂલ
ડો. હેમાંગ વસાવડાની આ રજૂઆત સામે શહેર કોંગ્રેસ પ્રમુખ હરિ રાજાદિપસિહ જાડેજાએ પણ સહમતી દર્શાવી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે મજબૂત વિપક્ષ તરીકે કોંગ્રેસે અસરગ્રસ્તોની સાથે ખભેખભો મિલાવીને ઊભા રહેવું જોઈતું હતું અને ત્યાં ન જઈને પક્ષે મોટી ભૂલ કરી છે.
આંતરિક જૂથવાદ ચર્ચાનું કેન્દ્ર
આ સમગ્ર વિવાદ પાછળ રાજકોટ કોંગ્રેસનો આંતરિક જૂથવાદ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. અગાઉ ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડ વખતે પણ જ્યારે ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી, શ્રી લાલજી દેસાઈ ઉપરાંત ખેડૂત અગ્રણી શ્રી પાલ આંબલિયા રાજકોટમાં વધુ સક્રિય થયા હતા, ત્યારે સ્થાનિક નેતાઓમાં નારાજગી જોવા મળી હતી. આ ઉપરાંત ટોચના લડાયક કોંગી નેતા સામે પણ એક જૂથમાં અસંતોષ હોવાનું મનાય છે.
ડો. હેમાંગ વસાવડાએ આ મુદ્દો ઉઠાવીને આડકતરી રીતે પોતાના વિરોધી જૂથ પર નિશાન સાધ્યું હોય તેમ જણાય છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા આ ઐતિહાસિક ડિમોલેશનમાં વિપક્ષની નિષ્ક્રિયતા હવે લોકોમાં પણ ચર્ચાનો વિષય બની છે.(૩૮.૩૯)
(2:54 PM IST)










