<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

રેલનગરમાં ભંગાર અને પેપર વેસ્‍ટના બે ડેલામાં ભીષણ આગઃ કલાકો બાદ કાબૂમાં: મોટી નુકસાની

લક્કી એન્‍ટરપ્રાઇઝ નામના સ્‍ક્રેપના ડેલામાં લાગેલી આગ બાજુના મનદીપ પેપરમાં પણ ફેલાઇ ગઇઃ ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ પહોંચીઃ ધૂમાડાના ગોટા દૂર દૂર સુધી દેખાયા

રાજકોટઃ શહેરના રેલનગરમાં લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ નજીક વહેલી સવારે સ્‍ક્રેપ અને પેપર વેસ્‍ટના બે ડેલામાં આગ ભભૂકતાં મોટી નુકસાની થઇ છે. સવારે એક ડેલામાં આગ લાગ્‍યા બાદ બાજુના બીજા ડેલામાં પણ પ્રસરી ગઇ હતી. જેના કારણે બંને ડેલામાં આગની જ્‍વાળાઓ ઉંચે સુધી પહોંચી ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની આઠ જેટલી ગાડીઓ પહોંચી હતી અને આગને કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી. સવારે પાંચેક વાગ્‍યે લાગેલી આગ બપોરે સાડા બાર સુધી પણ લબકારા મારતી હતી. જાણવા મળ્‍યા મુજબ રેલનગર લાલબહાદુર શાષાી ટાઉનશીપ સામે આવેલા લક્કી એન્‍ટરપ્રાઇઝ નામના ડેલામાં આગ લાગ્‍યાની જાણ થતાં ફાયર બ્રિગેડના ભુપતભાઇ જસાણી અને તેમનો સ્‍ટાફ આઠ ગાડીઓ મારફત ઘટના સ્‍થળે પહોંચ્‍યો હતો. મુખ્‍ય ફાયર સ્‍ટેશન, બેડીપરા ફાયર સ્‍ટેશન, રેલનગર ફાયર સ્‍ટેશનની ગાડીઓ પહોંચી હતી અને જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા તજવીજ કરી હતી.

લક્કી એન્‍ટરપ્રાઇઝ નામના ભંગારના ડેલામાં કોઇપણ કારણોસર ભભૂકેલી આગ બાજુના મનદીપ પેપર ટ્રેડ નામના ડેલામાં પણ ફેલાઇ ગઇ હતી. જોત જોતામાં બંને ડેલામાં આગે મોટુ સ્‍વરૂપ ધારણ કરી લેતાં દુર દુર સુધી ધૂમાડાના ગોટા નજરે ચડતાં હતાં. મનદીપ પેપર ટ્રેડના માલિક પરાગભાઇ મનસુખભાઇ શેઠના જણાવ્‍યા મુજબ બાજુના ડેલામાં કોઇપણ કારણોસર આગ લાગી હતી. જેની જ્‍વાળા અમારા ડેલા સુધી પહોંચી હતી અને અમારા ડેલામાં પણ પેપર વેસ્‍ટનો મોટો જથ્‍થો સહિતની ચીજવસ્‍તુ બળી જતાં ખુબ મોટી નુસ્‍કાની થઇ છે. બંને ડેલામાં ભંગાર, પેપરનો જથ્‍થો સહિત બળીને ખાખ થઇ ગયા હતાં. બનાવને પગલે ઘટના સ્‍થળે મોટી સંખ્‍યામાં લોકો એકઠા થઇ ગયા હતાં. તસ્‍વીરોમાં આગ ભભૂકી તે દ્રશ્‍ય, આગ બુઝાવવાની કામગીરીના દ્રશ્‍યો જોઇ શકાય છે. તસ્‍વીરો ગવરીદડથી જીજ્ઞેશ પ્રજાપતિએ મોકલી હતી. તેના કહેવા મુજબ બંને ડેલામાં આગથી મોટી નુકસાની થઇ છે. મનદીપ પેપરના પરાગભાઇના કહેવા મુજબ હાલ નુકસાનીનો આંકડો જાણી શકાયો નથી પરંતુ મોટી નુકસાની છે. 

(2:49 PM IST)