<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

નવલનગરમાં જુના મનદુઃખમાં સરોજબેન અને પુત્ર ધવલ પર અર્જુન અને અજાણ્‍યાનો છરીથી હુમલો

જુના મનદુઃખને લીધે સરોજબેનના મોટા પુત્ર મિલન સાથે પહેલા ગુરૂપ્રસાદ ચોકમાં ઝઘડો કરાયો પછી અર્જુને ઘરે આવી હુમલો કર્યો, ધમકી દીધીઃ અર્જુન પોતે પણ સારવાર માટે દાખલ થયો

રાજકોટ તા. ૨૩:  નવલનગર વિસ્‍તારમાં પાંચ વર્ષ જૂની સામાન્‍ય બાબતની અદાવતનો ખાર રાખીને એક શખ્‍સે પોતાના સાથીદાર સાથે મળીને એક પરિવાર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ હુમલામાં માતા અને પુત્રને છરીના ઘા વાગતા સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે.

જાણવા મળ્‍યા મુજબ નવલનગર શેરી નં. ૩/૯ ના ખૂણે દીક્ષિતા એપાર્ટમેન્‍ટ પાસે રહેતાં સરોજબેન બટુકભાઈ ભુંડીયા (ઉ.વ. ૫૨)એ નવલનગર આરએમસી ક્‍વાર્ટરમાં રહેતાં અર્જુન રણજીતભાઇ ચોૈહાણ અને અજાણ્‍યા વિરૂધ્‍ધ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સરોજબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે આજથી પાંચ વર્ષ પહેલાં તેમના પુત્રો મિલન અને ધવલને નવલનગર આરએમસી ક્‍વાર્ટરમાં રહેતા અર્જુન રણજીતભાઈ ચૌહાણ સાથે સામાન્‍ય બોલાચાલી થઈ હતી. દરમિયાન રવિવારે સાંજે પાંચેક વાગ્‍યાની આસપાસ જ્‍યારે મોટો પુત્ર મિલન ગુરૂપ્રસાદ ચોક પાસે હતો, ત્‍યારે અર્જુન ચૌહાણે ત્‍યાં આવી જૂની અદાવતનો ખાર રાખી ગાળાગાળી શરૂ કરી હતી. અર્જુને છરી કાઢતા મિલન ત્‍યાંથી જીવ બચાવી ઘરે આવી ગયો હતો.

થોડીવાર બાદ અર્જુન ચૌહાણ એક અજાણ્‍યા શખ્‍સ સાથે સરોજબેનના ઘરે પહોંચ્‍યો હતો અને બહાર ઉભા રહી ગાળો આપવા લાગ્‍યો હતો. નાનો પુત્ર ધવલ તેને સમજાવવા બહાર નીકળતા અર્જુને તેને ડાબા હાથમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. પુત્રને બચાવવા વચ્‍ચે પડેલા માતા સરોજબેનને પણ અર્જુને કપાળના ભાગે છરી મારી ઇજા પહોંચાડી હતી. દેકારો થતાં આસપાસના લોકો એકઠા થઈ જતા હુમલાખોર અર્જુન અને તેનો સાથીદાર 'તમને ગમે ત્‍યારે જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપીને નાસી છૂટયા હતા. ઇજાગ્રસ્‍ત માતા-પુત્રને ૧૦૮ મારફતે તાત્‍કાલિક સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા. પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં હેડકોન્‍સ. હસમુખભાઇ ઓગાણીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સામા પક્ષે આરોપી અર્જુન રણજીતભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૮) પણ પોતાના પર ધવલ, અને અર્જુને જુના મનદુઃખમાં ધોકાથી હુમલો કરી માર માર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગરમાં જાણ કરી હતી. ધવલ કારખાનામાં કામ કરે છે. તેણે કહ્યું હતું ક કે જુનુ મનદુઃખ હોઇ અચાનક ભેગા થઇ ગયા બાદ માથાકુટ થઇ હતી.

(2:47 PM IST)