<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

દરિયાઇ માર્ગે ૧૫૦ કિ.મી. સ્‍વીમીંગ અને કાયકીંગ એડવેન્‍ચરનો પ્રારંભ : ર માર્ચે દેલવાડામાં સમાપન થશે

સોમનાથ બીચ પર કેન્‍સર કેર ફાઉન્‍ડેશન દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન : પર્યાવરણ જાગૃતિનો સંદેશ પ્રસરાવાયો : માર્ગોમાં સ્‍પર્ધકોના સન્‍માન માટે ગ્રામજનો ઉત્‍સુક

રાજકોટ તા. ૨૩ : સોમનાથ સ્‍વાભિમાન પર્વ ૨૦૨૬, અતૂટ આસ્‍થાના ૧૦૦૦ વર્ષ અંતર્ગત સોમનાથથી દેલવાડા ૧૫૦ કી.મી. ઓપન વોટર સી સિસ્‍વિમિંગ તથા કાયકિંગ એડવેન્‍ચર એક્ષપીડિશનનું આયોજન થયુ છે.

દરિયાના માધ્‍યમથી શાહસીકતા, સ્‍વછ્‍તા, ભકિત અને કલ્‍યાણનો માર્ગ રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ સ્‍વિમિંગ એશોશીએશન (આરડીએસએ) દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આહવાન અનુસાર તા. ૨૧ ના આ એડવેન્‍ચરનો પ્રારંભ સોમનાથદાદાના સાનિધ્‍યમાં સુત્રાપાડાથી કરાયો હતો. જે ૧૫૦ કિ.મી.નું અંતર કાપી તા. ૨ માર્ચના પાર્શ્વનાથ દાદાના સાનિધ્‍યમાં દેલવાળા-સિમોર બીચ ખાતે સમાપન પામશે.

આ અભિયાનમાં સ્‍વિમર તરીકે વેનેસા શુક્‍લા (ઉ.૧૯), પાર્થિવ મેઘાણી(ઉ.૧૫) દિવ્‍યમ ચોટલિયા(ઉ.૧૪), જિનલ પિત્રોડા (ઉ.૧૮) જ્‍યારે કાયાકિંગ ટીમમાં આર્યન જોશી (ઉ.૨૦), વેદાંત જોશી (ઉ.૧૮) અને સિદ્ધરાજ સોલંકી(ઉ.૧૮) જોડાશે.

આ તમામ ખેલાડીઓ ઓપન વોટર સ્‍વિમિંગ અને કાયકિંગના ખૂબ જ અનુભવી છે અને તેઓ દ્વારા ભૂતકાળમાં અનેક વખત ઓપન વોટર સ્‍વિમિંગ અને કાયકિંગ કરવામાં આવેલ છે.

આ અભિયાનના પ્રોજેક્‍ટ ચેરમેન તરીકે રાજકોટના ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલારા સેવા આપી રહ્યા છે. કાર્યક્રમનું આયોજન રાજકોટ ડિસ્‍ટ્રીક સ્‍વિમિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના પ્રમુખ તરીકે ગુજરાત રાજ્‍યના પૂર્વ રમત-ગમત મંત્રી શ્રી ઉમેશભાઈ રાજગુરૂ કાર્યરત છે.

આ અભિયાનનો પ્રારંભ સુત્રાપાડાથી કરવામાં આવ્‍યો હતો. વહેલી સવારે દરિયાની અનુકૂળ પરિસ્‍થિતિમાં સ્‍વિમર્સ અને કાયકર્સે અંદાજે૧૨ કિલોમીટરનું અંતર સફળતાપૂર્વક પાર કર્યું. આ સમગ્ર માર્ગ દરમિયાન ખેલાડીઓએ ઉત્તમ ટીમવર્ક, સહનશક્‍તિ અને આત્‍મવિશ્વાસનું પ્રદર્શન કર્યું. દરિયાઈ તરંગો અને પવન વચ્‍ચે પણ તમામ સભ્‍યોએ શિસ્‍તબદ્ધ રીતે અભિયાન આગળ વધાર્યું હતુ.

આ પ્રસંગે સૂત્રાપાડાના સરપંચ શ્રી હિતેશભાઈ ફુલબારીયા તેમજ ગામના આગેવાનો અને સ્‍થાનિક રહેવાસીઓએ ઉપસ્‍થિત રહી અભિયાનને શુભેચ્‍છાઓ પાઠવી અને ધ્‍વજ દર્શાવી આગામી સફરની શરૂઆત કરાવી.

આ સાથે કેન્‍સર કેર ફાઉન્‍ડેશન દ્વારા સોમનાથ બીચ ખાતે સ્‍વચ્‍છતા અભિયાન યોજવામાં આવ્‍યું હતું. દરિયા કિનારે સફાઈ કરી પર્યાવરણ જાગળતિ અને દરિયાઈ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્‍યો.

આ કાર્યક્રમમાં બંકિમ જોશી, દિનેશ હપાણી, પ્રકાશ કલોલા, નીરજ દોશી, શિવાભાઈ સોલંકી, નિલેશ રાજ્‍યગુરુ, મયુરેશ જાડેજા, વિનોદ જોશી, જયશ્રીબેન વાંકણી, મૈત્રી જોશી, પ્રતાપ પરમાર, અશોક અઢીયા, દીક્ષિત ધાંજા, પરેશ ચુડાસમા, હેતલબેન શુકલા, સમીર શુક્‍લ, રંજનબેન સોલંકી, આશ્વિન સોલંકી, જલ્‍પાબેન કુબાવત, વર્ષાબેન દોશી, હેતલબેન મેઘાણી, સ્‍કુબા ડાઈવિંગ એક્‍સપર્ટ અંકિતા પાન્‍સૂરિયા ટીમના ફીજયો તરીકે ડો.શિવપાલસિંહ ઝાલા અને ડો. અક્ષય ભટ્ટ, શ્રી રામસ્ત્રી સ્‍વિમિંગ ક્‍લબ (પોરબંદર) સેવાઓ આપી રહ્યા છે.

આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે ગુજરાત ટુરિજમ, સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, સોમનાથ મંદિર ટ્રસ્‍ટ, શ્રી જગજીવનબાપુ સેવા આશ્રમ સિમર ધામ, બાનલેબ પ્રા.લી., કીચ આર્કિટેકલ્‍ચર પ્રા.લી., મસકત પોલીમર્સ પ્રા.લી., વિશાલ સર્જીક્‍લ પ્રા.લી., ફાર્મકિંગ ફ્રુડ પ્રોડક્‍ટ પ્રા.લી., ઓરબિટ બેરિંગ ઈન્‍ડિયા પ્રા.લી., સિલ્‍વર સ્‍ટાર એક્‍સ્‍પોર્ટ, ટીલારા પોલીપ્‍લાસ્‍ટ પ્રા.લી., દાવત બેવ્રેજિસ પ્રા.લી., જ્‍યોતિ સી.એન.સી. વિક્રમ વાલ્‍વ, ચોલો કાયક, રોલેક્‍સ રોલ્‍ડ રિંગ્‍સ, મેક્ષોલાઈન, સૌરાષ્‍ટ્ર કચ્‍છ ટ્રાયથલોન, ઉમિયા સ્‍ટીલ, ફાલ્‍કન પંપ, નેશનલ વાયર પ્રોડક્‍ટ જેવા પ્રતિષ્‍ઠિત સહયોગીઓનો સહકાર પ્રાપ્‍ત થયો છે. 

 

(2:17 PM IST)