તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
કાલાવડ હાઇવે ઉપર ક્રેઇન હડફેટે પદયાત્રી મહિલાનું મોતઃ ૧ ગંભીર
રાજકોટનાં જેઠીબેન રામાભાઇ ખટાણા પરિવાર સાથે દ્વારકા જઇ રહ્યા હતા ત્યારે દુર્ઘટનાઃ રાધાબેન ગભરૂભાઇ ખાંભલાને ગંભીર ઇજા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા., ર૩: રાજકોટથી દ્વારકા દર્શન કરવા પગપાળા જઈ રહેલા માઈભક્તોના સંઘને જામનગર-કાલાવડ હાઈવે પર ગમખ્વાર અકસ્માત નડ્યો છે. ગત રાત્રે મોટા થાવરીયા ગામના પાટિયા પાસે એક બેફામ ગતિએ આવતી ક્રેઈને પદયાત્રીઓને પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક રબારી પરિવારના વળદ્ધાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી છે.
મળતી માહિતી મુજબ, મૂળ જસદણના ગઢડીયા જામ ગામના અને હાલ રાજકોટ આજીડેમ પાસે રહેતા વલ્લભભાઇ રામાભાઇ ખટાણાના માતા જેઠીબેન અને તેમના સંબંધીઓ રાજકોટથી પગપાળા દ્વારકા જઈ રહ્યા હતા. શનિવારે રાત્રે આશરે ૧૦.૦૦ વાગ્યાના અરસામાં જ્યારે આ પદયાત્રીઓ જામનગર-કાલાવડ હાઈવે પર રાજ ખોડલ હોટલથી આગળ મોટા થાવરીયા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવતી CG-10-AS-૩૬૬૫ નંબરની ક્રેઈનના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે જેઠીબેન રામાભાઇ ખટાણાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે ચાલી રહેલા રાધાબેન ગભરૂભાઇ ખાંભલાને ડાબા પગે ઘૂંટણ નીચેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટના અંગે મળતકના પુત્ર અને વ્યવસાયે ડ્રાઈવિંગ કરતા વલ્લભભાઇ ખટાણાએ જામનગર પંચકોષી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ક્રેઈન ચાલક ગુનો દાખલ કર્યો છે. હાલમાં એ.એસ.આઇ. એસ.જી. જાડેજા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે. શ્રદ્ધા સાથે નીકળેલા આ પરિવારમાં અકસ્માતને પગલે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
(11:50 AM IST)










