તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
રેલનગરમાં મયુરે દ્રષ્ટી ઝાંખી થઇ જતાં મરી જવાનું રટણ કરી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો
ડીલીવરીમેન તરીકે કામ કરતાં ૩૦ વર્ષના યુવાનને કેટલાક સમયથી આંખમાં તકલીફ થઇ ગઇ હતીઃ સારવાર છતાં સારુ ન થતાં પગલુઃ નેપાળી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૦: રેલનગર શાહી પાર્ક મકાન નં. ૪૭માં રહેતાં મયુર શ્રીપ્રસાદ રાણા (ઉ.વ.૩૦) નામના નેપાળી યુવાને ઘરના ઉપરના માળે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. કેટલાક દિવસથી તેને આંખે ઓછુ દેખાતુ હોઇ ડોક્ટરને બતાવ્યા પછી પણ ફરક પડતો ન હોઇ પોતે દ્રષ્ટી ગુમાવી દેશે તેવો ભય લાગતાં આ પગલુ ભર્યાનું બહાર આવ્યું છે.
સવારે મયુરે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં નેપાળી સમાજના આગેવાન કાર્યકર સંજયભાઇ કારકી હોસ્પિટલે પહોંચ્યા હતાં અને મૃતકના સગાને મદદરૂપ થયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર મયુર ડીલીવરીમેન તરીકે કામ કરતો હતો. બે મહિનાથી તેને આંખમાં તકલીફ થતાં સરખુ દેખાતુ નહોતું. સવારે મિત્રને ફોન કરી રૂપિયાની માંગણી કરતો હતો. પછી પત્નિ નીશાએ રૂપિયા શા માટે માંગો છો? પુછતાં તેણે કહેલું કે મારે હવે મરી જવું છે, હું આંધળો થઇ જઇશ. આથી પત્નિએ તેને સાંત્વના આપી હતી અને આવા વિચાર નહિ કરવા સમજાવ્યો હતો. બાદમાં પત્નિ ન્હાવા માટે ગઇ ત્યારે તેણે રૂમ બંધ કરી ગળાફાંસો ખાઇ લીધો હતો. દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલતાં દરવાજો તોડીને બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યો હતો. મૃતક બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. સંતાનમાં એક દિકરો છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે
(3:49 PM IST)










