તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
જિલ્લા પંચાયતની સામાન્ય સભા ૨૭મીએઃ પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર પ્રારંભઃ રકતદાન કેમ્પઃ રાજય કક્ષાના મહાનુભાવોને નિમંત્રણ
નવા વર્ષની પ્રથમ અને વર્તમાન ચૂંટાયેલી પાંખની અંતિમ બોર્ડ બેઠકઃ બજેટ રજુ થશે

રાજકોટ, તા.૨૧: જિલ્લા પંચાયતની સામાન્ય સભા તારીખ ૨૭મીએ શુક્રવારે સવારે ૧૧:૩૦ વાગ્યે પંચાયત કચેરી જુની કોર્ટ બિલ્ડીંગ ખાતે મળશે તે માટેનો એજન્ડા ગઇકાલે મોડી સાંજે પ્રસિધ્ધ થઇ ગયો છે. ૨૦૨૬ના વર્ષની પ્રથમ અને વર્તમાન ચૂંટાયેલી પાંખની આ અંતિમ સામાન્ય સભા બની રહે તેવા સંજોગો છે. જેમાં કારોબારી સમિતીએ મંજુર કરેલ રૂપિયા ૧૧૯૩ કરોડના બજેટને રજુ કરવામાં આવશે. સામાન્ય સભાની સાથે પંચાયત કચેરીમાં જ પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવશે. પંચાયત પ્રમુખના બંગલે રકતદાન શિબિરનું આયોજન થઇ રહેલ છે.
પંચાયતના વર્તમાન ચૂંટાયેલા ૩૬ સભ્યોની મુદત ૧૬ માર્ચે પુરી થાય છે. તે પુર્વ તારીખ ૨૭મીએ સામાન્ય સભા મળશે. કારોબારી સમિતિએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તાલુકા કક્ષાએ વેચાણ કેન્દ્ર બનાવવા રૂા. ૬૦ લાખની જોગવાઇ કરી છે. પ્રથમ કેન્દ્ર રાજકોટ પંચાયત કચેરી ખાતે શરૂ થઇ રહ્યું છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહનનું પગલુ પંચાયત ક્ષેત્રમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ માનવામાં આવે છે. ઉપરાંત બજેટમાં શહિદ પરીવારોને સહાય પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન, નવા આંગણવાડી કેન્દ્રો, નવા રસ્તા વગેરે બનાવવા માટે માતબર જોગવાઇ કરવામાં આવી છે. કુલ ૧૧૯૩ કરોડનું કારોબારીએ મંજુર કરેલ બજેટ સામાન્ય સભામાં બહાલી માટે મુકવામાં આવશે.
હાલના શાસકોની છેલ્લી બોર્ડ બેઠક હોવાથી યાદગાર બનાવવા પ્રયાસો થઇ રહ્યા છે. જિલ્લાના સાંસદો, ધારાસભ્યો, રાજયના મંત્રીઓ વગેરેને સામાન્ય સભાનું આમંત્રણ આપવામાં આવેલ છે. જો કે ધારાસભાનું સત્ર ચાલતુ હોવાથી કેટલા મહાનુભાવો હાજર રહી શકશે તે નક્કી નથી. ખાસ સામાન્ય સભા હોવાથી સતાવાર રીતે પ્રશ્નોતરીને સ્થાન નથી.
(3:35 PM IST)










