તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
વોર્ડ ૨ માં ભાજપની ‘નો રિપીટ' થીયરી? દિગ્ગજોના પત્તા કપાવાના સંકેતોથી રાજકારણ ગરમાયું

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી આડે હવે ગણતરીના સમય જ બાકી રહ્યારહેલછે, ત્યારે શહેરના રાજકીય ફલક પર બેઠક વહેંચણીનો મુદ્દો ગરમાયો છે. ખાસ કરીને ભાજપના ગઢ ગણાતા વોર્ડ નંબર ૨ માં આ વખતે મોટા ફેરફારો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
પ્રદેશ ભાજપ દ્વારા અમલી બનાવવામાં આવતી ‘નો રિપીટ' થીયરી અને વય મર્યાદાના ચુસ્ત નિયમોને કારણે હાલના અનેક દિગ્ગજ ચહેરાઓની ટિકિટ પર કાતર ફરે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
નિયમોનું ગ્રહણ : ત્રણ વર્તમાન નગરસેવકોની દાવેદારી જોખમમાં
રાજકીય વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, જો પ્રદેશ ભાજપ બે ટર્મ લડ્યા હોય અથવા ૬૦ વર્ષથી વધુની ઉંમર ધરાવતા હોય તેમને ટિકિટ ન આપવાના નિયમ પર મક્કમ રહેશે, તો વોર્ડ નંબર ૨ ના સમીકરણો સંપૂર્ણ બદલાઈ જશે. વર્તમાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર બે ટર્મથી પ્રતિનિધિત્વ કરી રહ્યા હોવાથી તેમની ટિકિટ કપાઈ શકે છે. તેવી જ રીતે, મનીષભાઈ રાડીયા બે ટર્મ વટાવી ચૂક્યા છે. જ્યારે દર્શિતાબેન શાહ હાલ ધારાસભ્ય હોવાથી ‘એક વ્યક્તિ એક હોદ્દો' ના નિયમ હેઠળ તેમને પણ ટિકિટ મળે તેવા સંજોગો નથી. આમ, વોર્ડના ત્રણેય સ્થાપિત ચહેરાઓ બદલાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
જ્ઞાતિ સમીકરણો અને
રોસ્ટરની ગૂંચ
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા નવા રોસ્ટર મુજબ, વોર્ડ નંબર ૨ માં ઘણા સમય બાદ ‘અનુસૂચિત જાતિ મહિલા અનામત' બેઠક ફાળવવામાં આવી છે, જે પક્ષ માટે પસંદગીનો વિષય કઠિન બનાવશે. આ ઉપરાંત અન્ય ત્રણ બેઠકોમાં સામાન્ય મહિલા અનામત, પછાત વર્ગ અને સામાન્ય વર્ગનો સમાવેશ થાય છે. જોકે, વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વોર્ડમાં બ્રાહ્મણ અને લોહાણા (રઘુવંશી) સમાજનું પ્રભુત્વ રહ્યું છે, જેથી આ બંને સમાજને ટિકિટ ફાળવણીમાં અચૂક સ્થાન મળશે તેવું રાજકીય વર્તુળો માની રહ્યા છે.
શિક્ષિત મતદારો અને
પક્ષની મજબૂત પકડ
વોર્ડ નંબર ૨ માં બૌદ્ધિક અને શિક્ષિત વર્ગની વસ્તી વધુ હોવાથી અહીં હંમેશા ભાજપનું પલ્લું ભારે રહ્યું છે. રસ્તા, લાઈટ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ સંતોષકારક હોવા છતાં, નેહરુનગર અને આસપાસના વિસ્તારોમાં વધતી જતી ઝૂંપડપટ્ટીઓનો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીંના સિનિયર મોસ્ટ કોર્પોરેટર શ્રી મનીષ રાડીયા લોકો માટે ૨૪ કલાક ઉપલબ્ધ હોય અને પડખે ઊભા રહેતા હોય તેઓ ભારે લોકપ્રિય બન્યા છે.
વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પ્રયાસો કરી રહી છે, પરંતુ ભાજપના આ અજય ગઢને ભેદવો તેમના માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે.
સંગઠનમાં પરિવર્તન : શિક્ષિત યુવાનોને મળી શકે છે ‘લોટરી'
ભાજપ સંગઠનમાં હાલ જે રીતે નવયુવાનોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, તે જોતા વોર્ડ નંબર ૨ માં ઉચ્ચ શિક્ષિત અને નવા ચહેરાઓને તક મળે તેવા ઉજળા સંજોગો છે. જાણકારોના મતે, ચાર બેઠકોમાંથી ત્રણ અનુભવી અને એક બેઠક સંપૂર્ણપણે યુવા લોહીને સોંપવામાં આવે તેવી રણનીતિ પક્ષ દ્વારા ઘડાઈ રહી છે.
રોસ્ટર અને લોબીંગ : નેતાઓમાં ફફડાટ
નવું રોસ્ટર જાહેર થતાની સાથે જ વોર્ડના દાવેદારોમાં દોડધામ મચી ગઈ છે. જ્ઞાતિના સમીકરણો સેટ કરવા અને પક્ષના કડક નિયમોમાં ફિટ બેસવા માટે અત્યારથી જ લોબીંગ તેજ બન્યું છે. જોકે, અંતિમ નિર્ણય તો પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા જ લેવામાં આવશે, જેને લઈને સ્થાનિક નેતાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
(3:49 PM IST)










