તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
પારડીના ધર્મેન્દ્રએ ‘ડમડમ' થઇ બીઆરટીએસ રૂટમાં બસ અથડાવીઃ ૧૧ રેલીંગ ઉખડી ગઇ, કાર-બોલેરોમાં નુકસાન
દરરોજ મોટી સંખ્યામાં મુસાફરી કરતાં છાત્રો-મહિલાઓ-નગરજનોની સુરક્ષા પર જોખમ : સદ્દનસિબે જાનહાની અટકીઃ અવાજ સાંભળી પોલીસ સ્ટેશનમાંથી કર્મચારીઓ બહાર દોડી આવ્યાઃ બસનો ચાલક દારૂ પીધેલો હોઇ ગુનો નોંધી નશો ઉતારી નખાયો

તસ્વીરમાં દારૂ ઢીંચી ચાલકે બીઆરટીએસ રૂટ પર બેફામ સ્પીડથી બસ હંકારી અકસ્માત સર્જતા નાસભાગ મચી ગઇ હતી. ઉખડી ગયેલી ૧૧ રેલીંગ અને અકસ્માતગ્રસ્ત બસ તથા તેની ઠોકરે ચડેલી બોલેરો પીકઅપ ગાડી તેમજ સ્વીફટ કારની હાલત જોઇ સમજી શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર હશે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટતા. ૨૧: ગાંધીગ્રામ ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની સામે જ બીઆરટીએસ રૂટ પર દારૂ ઢીંચી બસ હંકારી રહેલા ચાલકે કાબુ ગુમાવતાં બસ બીઆરટીએસની રેલીંગમાં ધડાકાભેર અથડાતાં ૧૧ રેલીંગ ઉખડી ગઇ હતી. આ પછી બસની ઠોકરે એક કાર અને એક પીકઅપ ગાડી પણ ચડી જતાં તેમાં પણ નુકસાની થઇ હતી. આ ગંભીર અકસ્માતમાં સદ્દનસિબે કોઇને ઇજા પહોંચી નહોતી. સામાન્ય રીતે નશાખોરો દારૂ ઢીંચ્યા પછી કાર, ટુવ્હીલર પર નીકળી પડતાં હોય છે. પરંતુ બીઆરટીએસ બસનો ડ્રાઇવર દારૂ ઢીંચી નીકળી પડતાં અકસ્માત સર્જતા શહેરમાં ચકચાર જાગી છે. આ બસમાં મુસાફરી કરતાં નગરજનોની સુરક્ષા સામે પણ આ ઘટનાને કારણે સવાલો ઉભા થયા છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હેડકોન્સ. નિલેષભાઇ ડોડીયાની ફરિયાદ પરથી બીઆરટીએસ રૂટની બસ નં. જીજે૦૩બીવાય-૦૮૪૭ના ચાલક ધર્મેન્દ્ર જેન્તીભાઇ સીંગરખીયા (ઉ.વ.૩૧-રહે. નાગરાજ પાન પાસે, શિતળા માતાજીના મંદિર નજીક, પારડી) વિરૂધ્ધ દારૂ પી માણસની જિંદગી જોખમાય એ રીતે બસ હંકારી અકસ્માત સર્જી બીઆરટીએસ રૂટની ૧૧ રેલીંગ તોડી નાંખી પબ્લીક પ્રોપર્ટીને નુકસાન કરી તેમજ બોલેરો પીકઅપ ગાડી અને સ્વીફટને પણ ઠોકરે ચડાવી મોટુ નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
હેડકોન્સ. નિલેષભાઇ ડોડીયાએ જણાવ્યું છે કે સાંજે હું પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતો ત્યારે જોરદાર અવાજ આવતાં બહાર નીકળીને જોતાં મોદી સ્કૂલ સામે રૈયા ટેલિફોન એક્ષચેન્જ તરફથી રૈયા સર્કલ તરફ જતી બીઆરટીએસ રૂટની બસ નં. જીજે૦૩બીવાય-૦૮૪૭ બીઆઆરટીએસ રૂટની રેલીંગમાં અથડાઇ ગયાનું જણાયું હતું. ચાલકે પુરઝડપે બસ હંકારી અકસ્માત સર્જ્યો હતો. આ કારણે ૧૧ રેલીંગ તૂટી ગઇ હતી.
આ ઉપરાંત આ બસની ઠોકરે બ્લુ રંગની સ્વીફટ કાર જીજે૨૩સીડી-૪૬૯૨ ચડી જતાં તેમાં આગળના ભાગે અને જમણી સાઇડમાં તેમજ બોલેરો પીકઅપ ગાડી જીજે૦૩બીઝેડ-૫૮૧૧ પણ આ બસની ઠોકરે ચડતાં તેમાં આગળના ભાગે નુકસાની થઇ હતી. કાર અને પીકઅપ ગાડીના ચાલકોને આ બાબતે કોઇ ફરિયાદ કરવી નહોતી. પણ અમે તપાસ કરતાં બસના ચાલકે દારૂ પીધેલો હોઇ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. બસ ચાલકની પુછતાછ કરતાં તેણે પોતાનું નામ ધર્મેન્દ્ર જેન્તીભાઇ સીંખરખીયા હોવાનું અને પોતે લોધીકાના પારડી ગામે રહેતો હોવાનું કહ્યું હતું. પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. પટેલએ હેડકોન્સ. નિલેષભાઇની ફરિયાદ પરથી ગુનો દાખલ કરતાં આગળની તપાસ કોન્સ. પ્રશાંતભાઇ ગજેરાએ હાથ ધરી હતી.
આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. નશાખોર ચાલકે બીઆરટીએસ બસ દારૂ પીને બેફામ સ્પીડથી હંકારી પોતાની જાતને અને બીજા લોકોને જોખમમાં મુકી દીધા હતાં. સદ્દનસિબે નુકસાની સિવાય બીજી કોઇ જાનહાની થઇ નહોતી. જે રીતે બસ રેલીંગમાં અથડાઇ તે દ્રશ્યો ફિલ્મી સીન જેવા હતાં. આ ઘટનાના વિડીયો પણ સોશિયલ મિડીયામાં ફરતાં થયા હતાં. સીટી બસોમાં દરરોજ વિદ્યાર્થીઓથી માંડની નોકરીયાતો, મહિલાઓ, બાળકો મુસાફરી કરતાં હોય છે ત્યારે આ રીતે દારૂ ઢીંચીને ડ્રાઇવરો બસ હંકારે તે અત્યંત ગંભીર બાબત છે. મહાનગર પાલિકના સંબંધીતો આ મામલે કડક કાર્યવાહી કરે તેવુ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
(2:50 PM IST)










