<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

પોૈત્રીના લગ્નની આગલી સાંજે દાદીમા નિર્મલાદેવીનું હૃદય બેસી જતાં મોત

ઝારખંડનો આડેસરા પરિવાર મેટોડા નજીક દેવળાના પાટીયે રિસોર્ટમાં લગ્નપ્રસંગ માટે આવ્‍યો હતોઃ પરિવારની લગ્નની ખુશી શોકમાં પલ્‍ટી

રાજકોટ તા. ૨૧: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્‍યુ થયું છે. ઝારખંડથી રાજકોટના મેટોડા તાબેના દેવડા ગામે લગ્ન પ્રસંગે આવેલા આડેસરા-સોની પરિવારમાં એક કરૂણ ઘટના બની છે. આજે પોૈત્રીની જાન આવે એ પહેલા આગલી રાતે દાદીમાનું હૃદય રોગના હુમલાથી મૃત્‍યુ થતાં પરિવારની લગ્નની ખુશી શોકમાં પરિણમી હતી.

જાણવા મળ્‍યા મુજબ ઝારખંડના જમશેદપુર ખાતે રહેતાં નિર્મલાદેવી રમણીકલાલ આડેસરા (ઉ.વ.૮૬) ગત સાંજે મેટોડાના દેવડા ગામે આવેલા એમરાલ્‍ડ ક્‍લબ રિસોર્ટમાં હતાં ત્‍યારે એકાએક છાતીમાં દુઃખાવો ચાલુ થયા બાદ બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે મૃત્‍યુ થતાં પરિવામા શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ પોલીસ ચોકીના સ્‍ટાફે મેટોડા પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું. મૃત્‍યુ પામનાર નિર્મલાદેવી આડેસરાને સંતાનમાં એક દિકરો અને ત્રણ દિકરી છે. તેમના દિકરાની દિકરીના એટલે કે પોૈત્રીના લગ્ન હોઇ જામનગરથી આજે શનીવારે રિસોર્ટ ખાતે જાન આવવાની હતી. આ લગ્ન પ્રસંગ માટે જમશેદપુરથી પરિવારજનો અહિ આવ્‍યા હતાં. પરંતુ પોૈત્રીના લગ્નની આગલી સાંજે દાદીમાનું હૃદય બેસી જવાથી મૃત્‍યુ થતાં આડેસરા પરિવારની લગ્ન પ્રસંગની ખુશી શોકમાં પલ્‍ટાઇ ગઇ હતી. કન્‍યા સહિતને અ વાતથી અજાણ રાખી લગ્નપ્રસંગ આટોપવામાં આવ્‍યો હતો. 

(11:45 AM IST)