તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
લોધીકાનો આશીફ, રાજકોટનો અવેશ વાપીથી ૩ કિલો ગાંજો લાવ્યા, વેંચે એ પહેલા એસઓજીએ દબોચી લીધા
પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ વી. કે. ઝાલાની ટીમની રાજકોટ-અમદાવાદ હાઇવે પર કામગીરીઃ એએસઆઇ રાજેશભાઇ બાળા, હેડકોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા, જયદિપસિંહ ચોૈહાણની બાતમી

રાજકોટ તા. ૨૧: શહેર એસઓજીએ માદક પદાર્થની હેરાફેરી અટકાવવા વધુ એક સફળ કામગીરી કરી છે. લોધીકાના ખોડીયાર પ્લોટ મફતીયાપરામાં રહેતાં આશીફ તૈયબભાઇ દોઢીયા (ઉ.વ.૨૯) અને રાજકોટ ૧૫૦ રીંગ રોડ પર ખોડીયારનગરમાં રહેતાં અવેશ અબ્દુલભાઇ પતાણી (ઉ.વ.૨૫)ને રાજકોટ અમદાવાદ હાઇવે પર જુના જકાતનાકા દેવજીવન હોટેલ પાસેથી આઇસર ટ્રકમાં રૂા. ૧,૫૧,૫૫૦ના ગાંજા સાથે પકડી લીધા છે. મુંબઇ-વાપી તરફ માલસામાનનો ફેરો કરવા ગયા હોઇ ત્યાંથી વેંચવા માટે ગાંજો લઇ આવ્યાનું રટણ કરતાં હોઇ બંનેના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.
શેહરમાં યુવાધન નશાના રવાડે ચડતું અટકે અને આવા નશીલા દ્રવ્યોનું વેચાંણ, હેરાફેરી ન થાય તે માટે સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ રાજેશભાઇ બાળા, હેડકોન્સ. સિધ્ધરાજસિંહ જાડજા, જયદિપસિંહ ચોૈહાણને મળેલી બાતમી પરથી જીજે૦૩બીઝેડ-૪૭૯૬ નંબરનો ટ્રક આંતરી લેવાયો હતો. તેમાં તપાસ કરતાં રૂા. ૧.૫૧ લાખનો ૩.૦૩૧ કિલોગ્રામ ગાંજો મળતાં એફએસએલ અધિકારી કે. એમ. તાવીયા મારફત ખરાઇ કરાવી આશીફ અને અવેશ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આશીફ આઇશર ટ્રકમાં સામાન ભરી ફેરો કરવા મુંબઇ-વાપી તરફ ગયો હતો. તેની સાથે મિત્ર અવેશ પણ ગયો હતો. વળતાં બંને ગાંજો સાથે લાવ્યા હતાં. અહિ રાજકોટમાં ગ્રાહક શોધીને વેંચે એ પહેલા એસઓજીના હાથમાં આવી ગયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. કે. ઝાલા, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, રાજશેભાઇ બાળા, હેડકોન્સ. જયદિપસિંહ ચોૈહાણ, સિધ્ધરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, કોન્સ. રવીરાજભાઇ ધગલ, ડ્રા. હેડકોન્સ. મહાવીરસિંહ જાડેજા, કોન્સ. નિર્મળસિંહ ઝાલા તથા કોન્સ. મોનાબેન બુસાએ આ કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ માટે બંનેના રિમાન્ડની તજવીજ થઇ રહી છે.
(3:50 PM IST)










