News of Saturday, 21st February 2026
RMC સત્તાના અઢી વર્ષઃ વિકાસ કરતા વિવાદની ચર્ચા વધુ, આંતરિક જૂથબંધીએ ભાજપની આબરૂ ઓગાળી
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની કાળી ટીલી અને નેતાઓના પરસ્પર પ્રપંચોએ મહાનગરપાલિકાને ‘ડાર્કઝોન'માં ધકેલીઃ માર્ચમાં ટર્મ પૂર્ણ થશેઃ સંગઠન અને સરકારમાં રાજકોટનું કદ ઘટયું, ભ્રષ્ટાચાર અને અવિશ્વાસના વાતાવરણમાં શાસકો ઘેરાયા

રાજકોટઃ જનસંઘના સમયથી રાજકોટનું રાજકારણ રાષ્ટ્રીય સ્તરે ઝળહળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી આજે જે વટવૃક્ષ બની છે, તેના પાયામાં રાજકોટ શહેરનો સિહફાળો રહ્યો છે. પરંતુ કમનસીબી એ છે કે છેલ્લા થોડા વર્ષોથી રાજકોટનું રાજકારણ દબાઈ રહ્યું છે.
રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ અને ચરમસીમાએ પહોંચેલી આંતરિક જૂથબંધીને તથા હદ બહારના ભ્રષ્ટાચારોની ચર્ચાઓને કારણે સંગઠન અને સરકારમાં રાજકોટ હાંસિયામાં ધકેલાઈ ગયું છે.
રાજકીય પાર્ટીઓમાં જૂથવાદ હોવો સ્વાભાવિક છે, પરંતુ જ્યારે આ જૂથવાદ અંગત મહત્વકાંક્ષા બની જાય અને પોતાના જ પક્ષના નેતાઓને પછાડવા પ્રપંચો રચવામાં આવે, ત્યારે પક્ષને મોટું નુકસાન થાય છે. રાજકોટ ભાજપ છેલ્લા અઢી વર્ષમાં આવા જ જૂથવાદના ખપ્પરમાં હોમાયું છે.
આગામી માર્ચ મહિનામાં રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનને પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. વર્તમાન સત્તાધીશોની અઢી વર્ષની ટર્મ હવે પૂરી થવા જઈ રહી છે, ત્યારે વિકાસના કામો કરતા વિવાદોની યાદી લાંબી બની છે. ખાસ કરીને ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ જેવી હૃદયદ્રાવક ઘટનાએ ભાજપના શાસકોના માથે કાયમી કલંક લગાડ્યું છે.
જૂથવાદ એટલો વકર્યો છે કે પ્રદેશ ભાજપ અને ગાંધીનગર ખાતે સરકારમાં રાજકોટ ભાજપ 'ડાર્કઝોન'માં પહોંચી ગયું હોય તેમ લાગે છે, જેના કારણે રાજકોટને સરકારમાં યોગ્ય પ્રતિનિધિત્વ કે સંગઠનમાં કોઈ મહત્વનો હોદ્દો મળ્યો નથી.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પદ છોડ્યા બાદ જાણે બે સ્પષ્ટ જૂથો પડી ગયા છે, જે આજે રાજકોટ ભાજપને નેતૃત્વ વિહીન બનાવી રહ્યા છે.
અઢી વર્ષના શાસનકાળના ૧૦ મુખ્ય વિવાદો
૧. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન વચ્ચે જંગઃ મેયર નયનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર વચ્ચેનો ગજગ્રાહ હાઈકમાન્ડ સુધી ગાજ્યો હતો. આ ટકરાવને કારણે અનેક મહત્વના નિર્ણયોમાં અવરોધ ઊભા થયા હતા.
૨. ભાજપ કાર્યાલય બાંધકામ વિવાદઃ શીતલ પાર્ક પાસેના ભાજપ કાર્યાલયના બાંધકામ અને તેના બિલો સામે વર્તમાન શાસકોએ જ સવાલો ઉઠાવ્યા હતા, જેમાં છેવટે પ્રદેશ કક્ષાએથી દખલગીરી કરી ડેમેજ કન્ટ્રોલ કરવું પડ્યું હતું.
૩. સાંસદ રામભાઈ મોકરિયા વિરુદ્ધ શાસકોઃ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ શાસકો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. વિવાદ એટલો વધ્યો કે સાંસદને મનપાના કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા સુધીની નોબત આવી હતી.
૪. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડઃ મનપાના ઇતિહાસની સૌથી કલંકિત ઘટના. ટીપી શાખા અને ફાયર વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના કારણે ૨૮ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, જેણે મનપાની છબી ખરડી નાખી છે.
૫. ગાર્બેજ કલેક્શનમાં ભ્રષ્ટાચારના આક્ષેપઃ વોર્ડ નંબર ૧૪ના કોર્પોરેટર નિલેશ જલુએ ૧૧૦૦ કરોડના ગાર્બેજ કલેક્શનના ટેન્ડર સામે સવાલો ઉઠાવી કમિશનરને પત્ર લખ્યો હતો.
૬. પૂર્વ પ્રમુખનું ગેરકાયદે બાંધકામઃ પૂર્વ ભાજપ પ્રમુખના સાધુ વાસવાણી રોડ પરના કોમ્પ્લેક્સમાં સીડીના બાંધકામનો વિવાદ થયો હતો, જે અંતે તોડી પાડવી પડી હતી.
૭. નેહલ શુક્લના અણીયાળા સવાલોઃ વોર્ડ નંબર ૭ના કોર્પોરેટર નેહલ શુક્લએ સ્ટેન્ડિંગ કમિટીની કામગીરી સામે સતત સવાલો ઉઠાવ્યા હતા. તેમનું સભ્યપદ રદ કરવા સુધીના અત્યંત હલકી કક્ષાના પ્રયાસો થયા પણ કાયદાકીય રીતે તેઓ મક્કમ રહ્યા હતા.
૮. મેયરનો કુંભમેળો પ્રવાસઃ મેયર નયનાબેન પેઢડિયાએ મંજૂરી વિના વીઆઈપી સુવિધા સાથે પ્રયાગરાજ પ્રવાસ કર્યો હતો. સ્ટેન્ડિંગ ચેરમેને જ આ મુદ્દે નિયમ વિરુદ્ધનો દાવો કરતા મેયરે અંતે દંડ ભરવો પડ્યો હતો. જોકે આ સમગ્ર કાવતરા પાછળ રહેલા બેનમૂન ભેજાનો આડકતરો પરદાફાસ થઈ ગયો અને તેની લોકમુખે ભારે ચર્ચા જોવા મળી હતી.
૯. ડ્રાઈવર વિવાદઃ શાસક પક્ષના નેતા નીલુબેન જાદવના ડ્રાઈવરને હટાવવા મુદ્દે આંતરિક ડખ્ખો સોશિયલ મીડિયા અને પ્રદેશ સુધી પહોંચ્યો હતો.
૧૦. મેયરના પતિનું દબાણઃ હાલમાં મેયરના પતિ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા કથિત દબાણનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, જેમાં મેયરે પોતે જૂથવાદનો ભોગ બન્યા હોવાનું સ્વીકાર્યું છે.
(વાચક ભાઈ બહેનો.. આપની પાસે પણ રાજકોટની આગામી ચૂંટણી સંદર્ભે અમારું ધ્યાન દોરવા લાયક અથવા તો લોકો સુધી પહોંચાડવા જેવી કોઈ હકીકતો પ્રસિદ્ધ કરવા યોગ્ય હોય તો [email protected] ઇમેલ એડ્રેસ ઉપર અમને જરૂરથી મોકલી શકો છો. Subjectમાં રાજકોટ ઇલેક્શન તેમ લખવું.(૩૭.૧૨)
વિપક્ષની નબળાઈ કે ભાજપનું નસીબ?
રાજકોટમાં કોંગ્રેસ પણ આંતરિક જૂથવાદનો શિકાર છે અને વિપક્ષ તરીકે સાવ નબળો સાબિત થયો છે. વિપક્ષની આ નિષ્ક્રિયતાને કારણે ભાજપના શાસકોની અનેક નબળાઈઓ ઢંકાઈ જાય છે. જો વિપક્ષ મજબૂત હોત તો આ વિવાદો ભાજપ માટે વધુ કપરા સાબિત થયા હોત.
નવી ટીમ માટે જૂથવાદ મોટો પડકાર બન્યો છે
હવે જ્યારે આગામી સમયમાં નવી ટીમ અને નવા નેતાઓ મેદાને ઉતારવાના છે, ત્યારે શહેર ભાજપના નવા તરવરીયા પ્રમુખ અને સાવ નવા એવા સંગઠન માટે સૌથી મોટો પડકાર જૂથવાદ દૂર કરવાનો છે. જો ભાજપ ‘ટીમ વર્ક' સાથે મેદાને નહીં ઉતરે તો આગામી ચૂંટણીમાં જનતાના રોષનો સામનો કરવો પડી શકે છે.
(3:04 PM IST)










