તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
મહિને ૮૦ હજાર પગાર, વિદેશ જવાની તક...નોકરીની લાલચ દઇ હાથીખાનાના રૂષભ સાથે ૧૧ લાખની ઠગાઇ
જામનગર રોડ પર હોટલે જમવા ગયો ત્યારે કોલેજ ફ્રેન્ડ મારફત સંપર્ક થયો અને ભોગ બન્યો : અભિ પાનસરા વિરૂધ્ધ એ-ડિવીઝનમાં ગુનો દાખલઃ પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એસ. આર. ચાવડાએ તપાસ શરૂ કરીઃ અભિએ પોતે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીનો સ્ટેટ મેનેજર હોવાની ઓળખ આપીઃ રૂપિયા લઇ જોઇનીંગ લેટર પણ આપી દીધોઃ યુવાને અમદાવાદ ખાતે કંપનીની ઓફિસમાં તપાસ કરતાં ખબર પડી આવો કોઇ કર્મચારી નથીઃ આ લેટર પણ બોગસ છે!

રાજકોટ તા. ૨૦: શહેરના હાથીખાના વિસ્તારમાં રહેતાં ૨૬ વર્ષના યુવાનને કંપનીમાં નોકરી અપાવવાના નામે રાજકોટના જ એક શખ્સે છેતરીને ૧૧ લાખ પડાવી લેતાં પોલીસે તપાસ શરૂ કરી છે. રોકડ રકમ લઇ લીધા બાદ આ શખ્સે ખોટો જોઇનીંગ લેટર ધાબડી દીધો હતો.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે હાથાખાના શેરી નં. ૫ના ખુણે કાલીન્દ્રી એપાર્ટમેન્ટ ત્રીજો માળ બ્લોક નં. ૭માં રહેતાં રૂષભ દીલીપભાઇ ગોયાણી (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી રાજકોટના અભી હરેશભાઇ પાનસરા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રૂષભ ગોયાણી પુષ્કરધામ રોડ પર પ્રાઇડ્સ સ્કવેરમાં એચડીએફસી સેલ્સમાં નોકરી કરે છે. તેના જણાવ્યા મુજબ ઓક્ટોબર ૨૦૨૫માં જામનગર રોડ પર આવેલી ખોડીયાર હોટલ ખાતે તેની મુલાકાત તેની કોલેજ ફ્રેનડ મિતાલી મારફત અભિ હરેશભાઈ પાનસરા નામના શખ્સ સાથે થઈ હતી. આ શખ્સે પોતાની ઓળખ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ લિમિટેડમાં સ્ટેટ ફાઈનાન્સ મેનેજર તરીકે આપી હતી અને યુવકને કંપનીમાં ઉંચા પગારની નોકરી અપાવવાની લાલચ આપી હતી.
અભિ પાનસરાએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે જણાવ્યું હતું કે જો તે આ કંપનીમાં જોડાશે તો તેને માસિક ૮૦,૦૦૦નો પગાર મળશે અને ભારત સહિત વિદેશમાં પણ કામ કરવાની તક મળશે. આ લાલચમાં આવીને ફરિયાદીએ પોતાના ડોકયુમેન્ટ્સ આપ્યા હતા, જેના બદલામાં આરોપીએ શ્રી રામ કોમર્શિયલ વ્હીકલ ફાઈનાન્સના લેટરહેડ પર એક ઓફર લેટર પણ આપ્યો હતો. ત્યારબાદ, વિઝા પ્રોસેસ અને અન્ય ખર્ચના બહાને અભીએ ગત ડિસેમ્બર ૨૦૨૫ થી જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન પેટીએમ અને રોકડ સ્વરૂપે કુલ રૂપિયા ૧૧,૦૦,૦૦૦ પડાવી લીધા હતા.
પરંતુ બાદમાં લાંબો સમય વીતવા છતાં નોકરી કે પગાર ન મળતા રૂષભને શંકા ગઈ હતી. આથી તેણે અમદાવાદ સ્થિત કંપનીની ઓફિસમાં તપાસ કરાવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે અભિ હરેશભાઈ પાનસરા નામનો કોઈ વ્યક્તિ ત્યાં નોકરી કરતો નથી અને પોતાનેને આપવામાં આવેલો જોઈનિંગ લેટર તથા એમ્પ્લોઈ આઈડી પણ તદ્દન બોગસ છે. આથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા રૂષભે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.
રૂષભે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તેણે પોતાની સેલેરી અને ખર્ચ કરેલા નાણાં બાબતે વારંવાર પૂછપરછ કરી ત્યારે આરોપી અભિ પાનસરા દ્વારા ખોટા વાયદાઓ આપવામાં આવ્યા હતા. છેવટે શંકા જતાં, ફરિયાદીએ અમદાવાદ રહેતા તેમના પરિચિત મારફતે કંપનીની ઓફિસે તપાસ કરાવી હતી, જ્યાં સ્ટાફ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી અભિ પાનેસરા નામનો કોઇ વ્યક્તિ અહિ નોકરી કરતો નથી અને આ પ્રકારનો કોઈ જોઈનિંગ લેટર કંપની દ્વારા ઈશ્યુ કરવામાં આવ્યો નથી અને અને આ લેટર ડુપ્લીકેટ છે. રૂષભની ફરિયાદ પરથી પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એસ. આર. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:00 PM IST)










