તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
કિર્તીબેનને ત્રાસ આપી જસદણથી કાઢી મુકાયા બાદ પતિ બીજી સાથે રહેવા માંડયો
લગ્નના છ મહિનામાં જ ત્રાસ શરૂ થયોઃ પતિએ દારૂ પી ગેલેરીમાં પુરી માર મારતાં પાડોશીએ છોડાવીઃ પતિ કહેતો-તારે માવતરે જવું હોય તો જા, દારૂ તો હું નહિ જ છોડુ! : હાલ માવતરે રહેતી પરિણીતાની ફરિયાદ પરથી પતિ વિમલ, સાસુ લીલાબેન, નણંદ તૃનેક્ષા અને સસરા ચંદુભાઇ પોકીયા વિરૂધ્ધ મહિલા પોલીસમાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૨૦: રાજકોટ માવતર ધરાવતી પરિણીતા પર જસદણ-લીલાપુરમાં પતિ સાસરિયાએ ત્રાસ ગુજારતાં ફરિયાદ નોંધાવી છે. લગ્નના છ મહિના બાદ પતિએ દારૂ પી મારકુટ ચાલુ કરી હતી અને તારે જવું હોય તો જા પણ દારૂ નહિ જ મુકુ તેમ કહેતાં અને છેલ્લે નણંદે પણ પરિણીતાના ભાઇને ફોન કરી આનાથી હવે ઘર નહિ ચાલે, તેડી જાવ કહી માવતરે મોકલી દેતાં બીજી તરફ પતિ જસદણમાં અન્યસ્ત્રી સાથે રહેવા માંડતા આ પરિણીતાએ ત્યાં પહોંચી પોલીસ બોલાવ્યા બાદ સમાધાનના પ્રયાસો કરવા છતાં સમાધાન ન થતાં અંતે પતિ-સાસરીયા વિરૂધ્ધ ફરિયાદ કરી છે.
આ બનાવમાં મહિલા પોલીસ સ્ટેશન દ્વારા કોઠારીયા સ્વાતિ મેઇન રોડ ખોડલધામ એવન્યુ ફલેટ નં. ૪૦૪ ખાતે રહેતી કિર્તીબેન વિમલ પોકીયા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી જસદણના લીલાપુરમાં વિશ્વંભરી પ્લોટમાં રહેતાં તેણીના પતિ વિમલ, સસરા ચંદુભાઇ પોપટભાઇ પોકીયા, સાસુ લીલાબેન, કાકાજી જેન્તીભાઇ અને નણંદ તૃનેક્ષા જેન્તીભાઇ પોકીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
કિર્તીબેન સાડા ત્રણેક મહિનાથી રાજકોટ માવતરે છે. તેના લગ્ન ૨૦૨૧માં લીલાપુરના વિમલ પોકીયા સાથે થયા છે. સંતાનમાં એક વર્ષની દિકરી છે. પતિ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે છએક મહિના લગ્ન જીવન સારી રીતે ચાલ્યું હતું. બાદમાં પતિની નોકરી જસદણ હોઇ અને લીલાપુરથી જસદણ રહેવા આવ્યા હતાં. અહિ મારા પતિએ દારૂ પી ઘરે આવી મને ગેલેરીમાં પુરી દઇ ઝઘડો કર્યો હતો. હું રાડો પાડવા માંડતા પાડોશી ભેગા થઇ ગયા હતાં અને મને ગેલેરીમાંથી બહાર કાઢી હતી. આ પછી વારંવાર પતિ દારૂ પી ઝઘડા કરતો હતો. હું તેને પીવાની ના પાડતી તો કહેતો કે દારૂ તો નહિ જ મુકુ, તારે તારી મમ્મીના ઘરે જવું હોય તો જા! પતિ મને ઘરખર્ચ પણ આપતો નહોતો. જેથી મારે પ્રાઇવેટ નોકરીમાં લાગવું પડયું હતું.
આ પછી મને ખબર પડી હતી કે મારા પતિને બીજીસ્ત્રી સાથે આડાસંબંધ છે, મેં પતિને કહેતાં તેણે હવે આવુ નહિ થાય તેમ કહ્યું હતું. એ પછી આ કારણે અમારે પારિવારીક ઝઘડો થતાં મારા બાપુજી સાથે પણ સંબંધ તૂટી ગયો હતો. મારા સાસુ સસરાને હું ફરિયાદ કરુ તો તે કહેતાં કે અમે વિમલને સમજાવશું, પણ પછી તે સમજાવતા નહિ. અમે શની રવી ગામડે જઇએ તો મારા સાસુ, સસરા, કાકાજી ઘરકામ બાબતે મેણા મારતા અને મને કોઇ સાથે બોલવા દેતા નહિ. અમારા ઘરમાં કાકાજી સસરા અને તેની દિકરીનું જ ચાલતું. મારી દિકરીને પણ સરખી રીતે ઘરમાં રાખતા નહિ. નાની નાની વાતે મને શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં. એ પછી છેલ્લે મારા કાકાજીની દિકરીએ મારા ભાઇને ફોન કરી કહ્યું કે-તમારી દિકરી કિર્તીથી ઘર ચાલે એમ નથી, આવીને તેડી જાવ, હું મારા ભાઇને સાચવી લઇશ. હવે કિર્તી અમારી ઘરે ન આવવી જોઇએ, આવશે તો હું એનીફ સાથે ઝઘડો કરીશ.
આ પછી મેં પતિને વાત કરતાં તેણે તું અત્યારે તારા મમ્મીના ઘરે જા થોડા દિવસ રોકાજે, દિવાળી વેકેશનમાં તને તેડી જઇશ તેમ કહેતાં હું માવતરે દિકરીને લઇને આવી હતી. પણ ત્યારથી આજ સુધી મારો પતિ તેડવા આવ્યો નથી. મારો પતિ જસદણમાં બીજી કોઇસ્ત્રી સાથે રહેવા માંડયો હતો. જેની ખબર પડતાં હું જસદણ મારા ઘરે જતાં પતિ અને બીજીસ્ત્રી ત્યાં હોઇ ૧૧૨માં જાણ કરી હતી. એ પછી ચારેક દિવસ હું જસદણ રોકાઇ હતી પણ સાસરીયા તરફથી કોઇ ફોન ન આવતાં પરત માવતરે આવી ગઇ હતી. સમાધાનના પ્રયાસ કરવા છતાં સમાધાન ન થતાં અંતે ફરિયાદ કરી હતી. તેમ વધુમાં કિર્તીબેને કહેતાં હેડકોનસ. એ. ડી. રેથડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:55 PM IST)










