તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
અયોધ્યા ચોકના રીતેશ ત્રિવેદીએ ફલેટના સોદાના નામે બબીતાબેન સાથે ૨૪ાા લાખની છેતરપીંડી કરી
૪૭ લાખમાં સોદો નક્કી કરી કટકે કટકે રકમ લઇ લીધી પણ દસ્તાવેજ કરી ન આપ્યોઃ તપાસ કરતાં ખબર પડી કે બીજા બે લોકોને પણ સાટાખત કરી દીધુ હતું: ઇઓડબલ્યુએ તપાસ હાથ ધરી : બબીતાબેન અને તેના પતિએ દસ્તાવેજ કરી આપવા દબાણ કરતાં ધમકી દીધી કે-હું મરી જઇશ અને ચિઠ્ઠીમાં તમારું નામ લખી નાંખીશ!

રાજકોટ તા. ૧૯:શહેરમાં રિયલ એસ્ટેટના નામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુનિવર્સિટી રોડ પર રહેતા ગળહિણી સાથે ફ્લેટ વેચાણના બહાને રૂપિયા ૨૪,૫૧,૫૮૧ની ઠગાઈ આચરવામાં આવી છે. આરોપીએ એક જ ફ્લેટના અનેક લોકોને સાટાખત કરી આપી લાખો રૂપિયા ખંખેરી લીધા હોવાની ફરિયાદ આર્થિક ગુન્હા નિવારણ શાખા-ઇઓડબલ્યુમાં નોંધાઈ છે.
આ બનાવમાં ડીસીબી પોલીસે કીડની હોસ્પિટલ નજીક શિલ્પન ઓનેક્સ એ-૨ વીંગ, ફલેટ નં. ૯૦૧માં રહેતાં બબીતાબેન ધરમવીર સિંહ (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી અયોધ્યા ચોક આસ્થા એવન્યુ બ્લોક નં. ૧૫૦માં ભાડેથી રહેતાં રીતેશ જીતેન્દ્રભાઇ ત્રિવેદી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ફરિયાદ મુજબ બબીતાબેનનો સંપર્ક જુલાઈ ૨૦૨૫ માં વિજયભાઈ નાયર નામના મધ્યસ્થી દ્વારા રીતશ જીતેન્દ્રભાઈ ત્રિવેદીનો સંપર્ક થયો હતો. રીતેષે ધોળકિયા સ્કૂલ સામે આવેલ ‘રિદ્ધિ સિદ્ધિ-૨'માં પોતાનો ફ્લેટ નં. ૩૦૨ વેચવાની તૈયારી બતાવી હતી. બાદ તેણે બબીતાબેનના ઘરે આવી પોતાના દીકરાની ફી ભરવાના પણ પૈસા નથી તેવી રડમસ વાતો કરી વિશ્વાસ જીત્યો હતો અને રૂ. ૪૭ લાખમાં ફ્લેટનો સોદો નક્કી કર્યો હતો.
બબીતાબેને વિશ્વાસ મૂકીને શરૂઆતમાં ૪ લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ રીતેષે બેંક લોન ભરપાઈ કરવાના બહાને બબીતાબેન પાસે બેંક ટ્રાન્સફર દ્વારા કુલ ૨૦.૫૧ લાખ રૂપિયા મેળવ્યા હતા. આમ, કુલ ૨૪,૫૧,૫૮૧ રૂપિયા ચુકવ્યા બાદ રીતેષે બબીતાબેનના નામે નોટરાઇઝ સાટાખત પણ કરી આપ્યો હતો. પણ જ્યારે બબીતાબેન અને તેમના પતિએ દસ્તાવેજ કરી આપવા દબાણ કર્યું, ત્યારે રીતશ ત્રિવેદી અવનવા બહાના બતાવવા લાગ્યો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે ધમકી આપી કે જો તમે મને વધુ ફોન કરશો તો હું આત્મહત્યા કરીશ અને તમારું નામ ચિઠ્ઠીમાં લખી નાંખીશ!
આ પછી બબીતાબેને તપાસ કરતાં ખબર પડી હતી કે રીતેષે આ જ ફ્લેટ પર જયદીપસિંહ ગોહિલ પાસેથી પણ ૧૮ લાખ રૂપિયા પડાવ્યા હતા. આટલેથી ન અટકતા, આરોપીએ અંતે આ ફ્લેટ ભાવેશભાઈ ખેતરિયા નામના ત્રીજા વ્યક્તિને ૪૭.૫૦ લાખમાં વેચી મારી છેતરપિંડી આચરી હતી.
બબીતાબેનના પતિ સાથે કામ કરતા વિજયભાઈ નાયરના કહેવાથી આ પરિવારે રીતશ ત્રિવેદી પર વિશ્વાસ મુકયો હતો. બબીતાબેનના નણંદનો ફ્લેટ પણ તે જ બિલ્ડિંગમાં હોવાથી તેઓએ રોકાણના હેતુથી આ મકાન લેવાનું નક્કી કર્યું હતું. જો કે રીતેષની દાનત પહેલેથી જ ખરાબ હોય તેમ તેણે આ ફલેટ તેણે અગાઉ બીજાને પણ નોટરાઇઝ સાટાખત કરી આપ્યો હતો. આર્થિક ગુના નિવારણ સેલના પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ પી.જે. પરમાર દ્વારા આ મામલે રીતેશ જીતેન્દ્રભાઈ ત્રિવેદી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:43 PM IST)










