તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
રૈયા રોડના ભાવીક ત્રિવેદીને લૂંટેરી દૂલ્હન ભેટીઃ ૧ાા લાખ લઇ કુંવારી હોવાનું કહી બે સંતાનની માતા સાથે પરણાવી દેવાયો
કાના નામના શખ્સ મારફત નાગપુરના દલાલનો સંપર્ક કરી રજીસ્ટર મેરેજ કર્યા હતાં: પત્નિ લક્ષ્મી મરાઠીમાં વાત કરતી હોઇ તેનું ભાવીકે ભાષાંતર કરતાં તે ઘરમાંથી જે મળે તે લઇ નીકળી જવાની વાત કરતી હોવાનું સમજાતાં પોલીસને અરજી કરી'તીઃ જો કે હિન્દુ વિધીથી લગ્ન બાદ તે સારી રીતે રહેતી હતી : ભાવિક અને તેની પત્નિને અચાનક નાગપુર પોલીસે બોલાવ્યા ત્યારે ખબર પડી કે પત્નિ અગાઉથી પરણેલી છેઃ તેના પતિએ તેણી ગૂમ થયાની જાણ કરી હતીઃ યુનિવર્સિટી પોલીસે લક્ષ્મી, કાનો ઠક્કર, પ્રકાશ જૈન, ડોલી ઉર્ફ તન્વી અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૮: લગ્નના નામે છેતરપીંડી કરતી લૂંટેરી દૂલ્હન ટોળકીએ વધુ એક વખત રાજકોટના યુવાનને શિકાર બનાવી ૧ાા લાખ પડાવી લીધા છે. રૈયા રોડ પર રહેતાં અને કબુતરની ચણ વેંચી ગુજરાન ચલાવતાં યુવાનને ટોળકીએ પરણેલી અને સંતાનો ધરાવતી યુવતિ સાથે પરણાવી દીધો હતો. જો કે લગ્ન બાદ યુવતિ બહાનુ કરી જતી રહી હતી.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયા રોડ આલાપ ગ્રીન સીટીની બાજુમાં શાંતિ નિકેતન રેસીડેન્સી શ્રીનાથજી ડુપ્લેક્ષ બ્લોક નં. ૪માં રહેતાં ભાવીકભાઇ પંકજભાઇ ત્રિવેદી (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી કાના છગનભાઇ, પ્રકાશ જૈન, લક્ષ્મી અશ્વીન તીરપુડે, ડોલી ઉર્ફે તન્વી માલી અને અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાવીકભાઇએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને કબુતરની ચણ વેંચુ છું. અમે બે ભાઇઓ છીએ. જેમાં મોટા ભાઇનું નામ કેયુરભાઇ છે. મારા પિતા હયાત નથી. માતા પ્રતીભાબેન સાથે અમે રહીએ છીએ.
મારા લગ્ન માટે કન્યાની શોધખોળ ચાલુ હોઇ આ દરમિયાન કાનાભાઇએ મારા મમ્મીને મળી વાત કરી હતી કે જો તમારા દિકરાને લગ્ન કરવા હોય તો અમારા ઓળખીતામાં એક કન્યા છે. આ કન્યા પ્રકાશનભાઇ જૈન નાગપુરવાળા પાસે છે, તમે કહો તો તમને કન્યા બતાવું. આ વાત ડીસેમ્બર મહિનાની શરૂઆતમાં થઇ હતી. આ પછી કાનાભાઇ ઠક્કરે મારા મમ્મીને કન્યાના ફોટા, આધાર કાર્ડ, લીવીંગ સર્ટીફિકેટ એમ બધુ મોકલ્યું હતું. મમ્મીએ મને અને મારા ભાઇને ફોટા બતાવ્યા હતાં. મારા મામાએ પણ ફોટા જોયા હતાં. જેમાં એક છોકરીનો ફોટો મને ગમ્યો હતો જેથી મેં હા પાડી હતી.
બાદમાં તા. ૨૯/૧૨/૨૫ના રોજ કાના ઠક્કરે છોકરીવાળાને રાજકોટ બોલાવ્યા હતાં. આ પછી અમને એસટી બસ સ્ટેશન નજીક અશોક ગેસ્ટ હાઉસ પાસે આવવાનું કહેતાં મારા મમ્મી અને મામા ત્યાં ગયા હતા અને વાત નક્કી કરી હતી. બાદમાં ૩૦મીએ કન્યા તરીકે નાગપુર રાજીનગર જરીપટકાની લક્ષ્મી અશ્વીન તરપુડે, દલાલ તરીકે પ્રકાશ જૈન, ડોલી ઉર્ફે તન્વી માલી આવ્યા હતાં. એક અજણ્યો શખ્સ પણ સાથે હતો જે ડોલીનો વર હોવાનું અમને કહેવાયુ હતું. આ બધા સાથે વાત થયા બાદ મેં અમારા વકીલ પાસે ૩૧/૧૨ના રોજ રજીસ્ટ્રેશન કરાવી લગ્ન નોંધણી માટેના કાગળો તૈયાર કરી કાલાવડ તાલુકાના નાગપુર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી પાસે લગ્ન નોંધણી કરાવી હતી.
આ પછી હું અને લક્ષ્મી પતિ-પત્નિ તરીકે જોડાયા હતાં. પરંતુ અમારે હિન્દુ રીતીરિવાજ મુજબ લગ્ન કરવાના હોઇ તા. ૨૬/૧/૨૬ના રોજ લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. આ લગ્ન માટે અમારે રૂપિયા ૨ લાખ ચુકવવાના હતાં. આ રૂપિયામાંથી મારા મમ્મીએ કાનાભાઇ ઠક્કરને દીધા હતાં. જેમાંથી તેણે ૧ાા લાખ પ્રકાશ જૈનને આપ્યા હતાં. બાકીના ૫૦ હજાર હિન્દુ વિધીથી લગ્ન બાદ ચુકવવાના હતાં. આ રકમની લેતીદેતી ૩૧/૧૨ના રોજ અશોક ગેસ્ટ હાઉસ ખાતે થઇ હતી. બાદમાં મને મારી પત્નિ લક્ષ્મી ઉપર શંકા ઉપજી હતી. તે તેના મોબાઇલ ફોનમાં કોઇ સાથે મરાઠી ભાષામાં વાત કરતી હતી. આ પછી મેં તેના ફોનનું રેકોર્ડિંગ કે જે મરાઠી ભાષામાં હતું તેનું ગુજરાતીમાં ભાષાંતર કરીને જોતાં મારી પત્નિ તેના કોઇ મળતીયા સાથે વાત કરતી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ ઘરમાંથી જે મળે તે લઇ થોડા દિવસમાં નીકળી જવાની વાત પણ તેમાં હતી.આથી મારા મમ્મીએ પોલીસમાં અરજી આપી દીધી હતી. લગ્ન સમયે લક્ષ્મીએ પોતે કુંવારી હોવાની વાત કરી હોઇ અમે વિશ્વાસ મુક્યો હતો. ત્યારબાદ હિન્દુ વિધીથી ૨૬/૨/૨૬ના રોજ લગ્ન પણ કરી લીધા હતાં. આ પછી લક્ષ્મી મારી પત્નિ તરીકે સારી રીતે રહેવા લાગી હતી. આ પછી તા. ૧/૨/૨૬ના સાંજે આઠેક વાગ્યે મને તથા લક્ષ્મીને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતાં. અહિ નાગપુરથી પોલીસ આવી હતી. તેની હાજરીમાં મને જાણવા મળ્યું હતું કે મારી સાથે જેને કુંવારી કહીને પરણાવી દેવામાં આવી હતી તે લક્ષ્મીનો પતિ અશ્વીન સુનિલ તીરપુડે છે અને તેને બે સંતાન પણ છે. સાથે તેનો ભાઇ, બહેન શાંતા, બનેવી સહિતના પણ આવ્યા હતાં. આ રીતે લક્ષ્મીએ પોતે અગાઉથી પરણેલી હોવા છતાં અને કુંવારી છે તેવુ કહી છેતરપીંડીથી લગ્ન કરી લીધા હતાં અને દલાલ મારફત દોઢ લાખ લઇ લીધા હતાં. લક્ષ્મીના પતિએ નાગપુર પોલીસમાં પત્નિ ગૂમ થયાની નોંધ કરાવી હોઇ નાગપુર પોલીસ માહિતીને આધારે રાજકોટ આવી હતી અને લક્ષ્મીનો કબ્જો મેળવ્યો હતો અને તેને સાથે લઇ ગયા હતાં. બાદમાં અમને ખબર પડી હતી કે મારી અમારી સાથે લગ્નના નામે છેતરપીંડી થઇ છે. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ આઇ. એન. બેલીમ અને સ્ટાફે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૮)
(3:33 PM IST)










