તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
૮૭ વર્ષનાં મનસુખદાદા કરશે દ્વારકાની ૧૧મી પગપાળા યાત્રા
હાથમાં ધજા અને ગળામાં ૩ કિલોનું તુલસીનું કુંડુ લઇ ચાલીને આશરે ૩૦૦ કિ.મી.ની યાત્રા કરશે * દરરોજનું રપ થી ૩૦ કિ.મી. ચાલે છે * દર વર્ષે રરપ કિ.મી. ચાલી બહુચરાજીમાંના દર્શને પણ જાય છે * ૮પ૦ કિ.મી. દૂર રાજસ્થાનમાં પોખરણગઢમાં આવેલ હિંદવા રામદેવપીરના દર્શને ચાલીને જવાની છેલ્લી ઇચ્છા

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ૧૦ વર્ષથી દ્વારકા ચાલીને જતા ૮૭ વર્ષના મનસુખભાઇ વ્યાસ તથા તેમના પુત્ર જીતેન્દ્રભાઇ વ્યાસ, શ્રી અને શ્રીમતિ મધુભાઇ દવે (યુએસએ) તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરિયા)
રાજકોટ તા.૧૮: ફાગણસુદ પૂનમ એટલે હોળી. આ દિવસે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા માટે લાખો પદયાત્રીઓ અનેક સ્થાનેથી દ્વારકાભણી જાય છે. છેલ્લા ૧૦ વર્ષથી મનસુખભાઇ દયારામભાઇ વ્યાસ કે જેઓ મૂળ ત્રંબાના છે પણ વર્ષોથી રતનપર રહે છે ત્યાંથી એકલા ચાલી દ્વારકાધીશના ચરણોમાં માથુ ટેકવવા અચૂક જાય છે. અને એ પણ ચાલીને. આ દાદાની ઉંમર છે ૮૭ વર્ષ. હાથમાં ધજા અને ગળામાં ૩ કિલો જેટલા વજનનું તુલસીકુંડું સાથે ખભે એક થેલો લઇ દર વર્ષે દ્વારકાધીશની પગપાળા યાત્રા કરે છે. મનસુખભાઇ વ્યાસના マદયમાં ત્રણ નળી બ્લોક છે, ગોઠણમાં ઢાંકણીના ચાર કટકા થયેલા છે, વજન ૪૦થી ૪૫ કિલો છે. પણ તેમનું આત્મા હજી પાવરફુલ છે.
અકિલાના આંગણે આવેલા મનસુખભાઇ વ્યાસ આવતીકાલે એટલે કે તા.૧૯-૨-૨૦૨૬ ને સવારે ૩ વાગે રતનપરથી દ્વારકાધીશની પગપાળા યાત્રાનો ૮૭ વર્ષે ૧૧મી વખત પ્રારંભ કરવાના છે અને એ પણ એકલા! મનસુખભાઇ કહે છે, હું કોઇ સંઘ સાથે જતો નથી એકલો જ નીકળી પડુ છું. ‘‘શ્રી કૃષ્ણ શરણમ મમ'' અને ‘‘રાધે કૃષ્ણ શરણમ મમ''ના મંત્ર જાપ આખા રસ્તે કરતો જાઉ છું. મને કાળિયા ઠાકરની કૃપાથી કાંઇ જ પ્રકારનો શ્વાસ, ઉધરસ કે થાક લાગતો નથી. મનસુખભાઇ આ કળયુગના સુદામા છે. તેઓ પીટીસી શિક્ષક તરીકે તાલુકા શાળામાં ફરજ બજાવી હાલ નિવૃત જીવન ગાળી રહયા છે. તેઓ ત્રંબા ખાતે આવેલ ખીમરાળીયાદાદા હનુમાનજી શ્રી રામદુતની ઉપાસના કરે છે. દ્વારકા જવાની શકિત પણ તેમને હનુમાનદાદા જ આપે છે તેમ મનસુખભાઇ કહે છે.
આવતીકાલથી યાત્રા શરૂ થશે અને લગભગ ૧૨થી ૧૩ દિવસ સતત પગપાળા ચાલી મનસુખભાઇ દ્વારકા પહોંચશે. તેઓ કહે છે પૂનમ પહેલા હું દ્વારકા પહોંચી જઇશ. તેમના પુત્ર જીતેન્દ્રભાઇ વ્યાસ (શિક્ષક-રાજકોટ), પુત્ર સંજયભાઇ વ્યાસ (શિક્ષક-ભુજ), દિકરીઓ હંસાબેન વ્યાસ (અ'વાદ) અને ભારતીબેન વ્યાસ (અ'વાદ) પિતા મનસુખભાઇને યાત્રા કરવાની હવે ના પાડે છે પણ ૮૭ વર્ષના મનસુખભાઇ કહે છે મને શ્રીકૃષ્ણનો આભાસ થાય છે અને હું યાત્રાનો પ્રારંભ કરી દઉ છું.
મનસુખભાઇનાં સંતાનો સતત ફોન પર તેમની સાથે સંપર્કમાં રહે છે. આશરે ૩૦૦ કિ.મિ. ની યાત્રા રતનપરથી દ્વારકા સુધી પગપાળા અને એ પણ ધ્વજા અને વજનદાર તુલસી કુંડ સાથે કરવી તે દ્વારકાધીશની કૃપા વિના શકય નથી.
મનસુખભાઇ વ્યાસ કહે છે, સવારે ૩-૪ વાગે દ્વારકા તરફ ચાલી નીકળું કયાંય કોઇ વિસામો આવે તો રાત્રે થોડો આરામ કરી ફરી રાત્રે ૩ વાગે ચાલતો થઇ જાઉ. સવારે ખોરાકમાં માત્ર એક રોટલી લઉં જયારે સાંજે માત્ર દૂધ જ લઉં. પગપાળા યાત્રા દરમિયાન રોજનુ ૩૦ કિલો મીટર ચાલે છે. તેઓ કહે છે, કૃષ્ણ મારી અનહદ કસોટી કરે છે પણ ચમત્કાર પણ એટલા જ કરે છે મારી યાત્રામાં સાથ પણ એ કાળિયો ઠાકોર જ આપે છે. યાત્રામાં ઘણીવાર એવું પણ થયું છે કે, રાત્રે ચાલતો થાવ તો પડછાયા રૂપે કૃષ્ણ મારી સાથે ચાલતા હોય તેવી અનુભૂમિ થાય છે. મનસુખભાઇ નિયમીત પણે ગળામાં એક મુખી અને પંચમુખી રૂદ્રાક્ષ ધારણ કરે છે.
મનસુખભાઇ વ્યાસે માત્ર દ્વારકા જ નહીં ર૦૦૪-૦પ માં ચારધામની યાત્રા, ઉજ્જૈનનાં કુંભમેળાની યાત્રા અને ગિરનારની લીલી પરિક્રમા ૩૦ વખત કરી છે. તેઓ દ્વારકાની યાત્રા પૂર્ણ કરી ચૈત્ર મહિનામાં પગપાળા તેમનાં કૂળદેવી બહુચરાજીની રરપ કિ. મી.ની પગપાળા યાત્રા પણ કરે છે. મનસુખભાઇ કહે છે, રાજકોટની દરજી બજાર વાળા જનકભાઇ ચૌહાણ, રાહુલભાઇ ચૌહાણ અને જુગાભાઇ મારી ખુબ મદદ કરે છે. એટલું જ નહિં. જયારે દ્વારકા પહોંચુ ત્યારે ત્યાંની પોલીસ મારો હાથ જાલી દ્વારકાધીશનાં દર્શન કરવા મંદિરની અંદર લઇ જાય છે.
મનસુખભાઇ વ્યાસ ૮૭ વર્ષે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવે છે. તેઓ કહે છે, મારી છેલ્લી ઇચ્છા અહીંથી ૮પ૦ કિ. મી. દૂર રાજસ્થાનનાં પેબિરણગઢમાં આવેલ રામદેવરા રામરણુજા હિન્દવાપીરને નમઃ નાં દર્શન કરવાની ઇચ્છા છે. જાણ એક વાત નકકી જીવ છે ત્યાં સુધી દ્વારકા જવાનું નહીં છોડું. સંપર્ક :- મનસુખભાઇ વ્યાસ મો. ૮૯૮૦૮ ૦૧૭૩૧, જીતેન્દ્રભાઇ વ્યાસ મો. ૯૪ર૮ર ૦૧૦૧૯, સંજયભાઇ વ્યાસ મો. ૮૯૮૦૮ ૦૬૦ર૩.(૨.૧૭)
મારૂ શરીર કામ નથી કરતું પણ આત્મા પાવરફુલ છેઃ મનસુખભાઇ
છેલ્લા ૧૦ વર્ષથી ચાલીને હાથમાં ધજા અને ગળામાં તુલસીનું કુંડુ લઇને દ્વારકાની યાત્રા કરતા મનસુખભાઇ દયારામભાઇ વ્યાસની ઉંમર હાલ ૮૭ વર્ષ છે અને આ વખતે તેઓ ૧૧ મી વખત એકલા ચાલીને યાત્રાએ નીકળવાનાં છે. તેઓના હૃદયની ત્રણ નળી બ્લોક છે. તેમનાં ફેફસા પણ યોગ્ય કામ નથી કરી રહ્યા. તેમનાં ડાબા પગમાં ઢાંકણીના ચાર કટકા થઇ ગયેલા અને ઓપરેશન કરાવેલું છે ભૂતકાળમાં જયારે શ્વાસ લેવામાં કોઇ જ તકલીફ નથી કે થાક લાગતો નથી. રતનપરમાં એકલા રહીને રસોઇથી લઇ ઘરના તમામ કામ તેઓ જાતે કરે છે. તેઓ કહે છે. મારૂ શરીર કામ નથી કરતુ પણ આત્મા પાવરફુલ છે. હું મારા કાળિયા ઠાકોરને મળવા આતુર છું. દ્વારકા મારા હૃદયમાં વસી ગયું છે.
મને કાળિયા ઠાકોરે અનેક વખત મદદ કરી છે... !
મનસુખભાઇ કહે છે કોરોના વખતે મને કોરોના થયો નહોતો. મારા સંતાનોને થયો હતો તેના માટે હું ખીસ્સામાં પ૦૦ રૂપિયા લઇ ફ્રૂટ લેવા રાજકોટ આવ્યો હતો અને અલગ-અલગ જગ્યાએ ભાવ પૂછતો હતો ત્યારે એક ઝભો અને ટોપી પહેરેલ સાયકલ સવાર વ્યકિત મારી પાસે આવ્યા અને મને કહ્યું તમે ભાવ પૂછો છો પણ ફ્રૂટ કેમ લેતા નથી ? મે કહ્યું મારી પાસે પ૦૦ રૂપિયા છે એટલે ભાવ પૂછી લેવા પડે છે મને એક દુકાને લઇ ગયા જયાંથી અનેક ફળ પ૦૦ ગ્રામથી કિલો ખરીદી આપ્યા. મેં તેને પૈસાનું કહ્યું તો કહે એ તમારે કંઇ નહિ પૂછવાનું તમે આ લઇ જાવ આ અને આવી અનેક રીતે કાળિયા ઠાકોરે મને મદદ કરી છે.
(4:45 PM IST)










