તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
માતાજીના માંડવામાંથી આવીને સુતા બાદ ૨૪ વર્ષનો સૂરજ જાગ્યો જ નહિ
નવ મહિના પહેલા જ લગ્ન થયા હતાં: પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૭: ચુનારાવાડમાં રહેતો ચોવીસ વર્ષનો યુવાન રાતે માતાજીના માડવામાં દર્શન કરવા ગયા બાદ ઘરે આવીને સુઇ ગયા પછી સવારે ન જાગતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ ચુનારાવાડમાં રહેતો સૂરજભાઇ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૪) નામનો યુવાન સવારે મોડે સુધી નહિ જાગતાં પરિવારજનોએ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ તબિબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. થોરાળા પોલીસને કરી હતી.
મૃત્યુ પામનાર સૂરજભાઇ એક બહેનથી મોટો હતો અને કલરકામ કરતો હતો. તેના લગ્ન નવ મહિના પહેલા જ કિંજલબેન નામની યુવતિ સાથે થયા છે. જો કે હાલ પત્નિ શીવાજીનગરમાં રિસામણે છે. સગાના કહેવા મુજબ સૂરજભાઇ રાતે માતાજીના માંડવામાં દર્શન કરવા ગયો હતો અને વહેલી સવારે આવીને સુઇ ગયો હતો. મોડેથી પરિવારજને જગાડતાં નહિ જાગતાં બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થયું હતું. મોતનું કારણ જાણવા પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે.
(4:19 PM IST)










