<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ધો.૧૦-૧૨ના પરીક્ષા કેન્‍દ્રો આસપાસ ૪ લોકોને ભેગા થવા ઉપર અને લાઉડસ્‍પીકર વગાડવા ઉપર પ્રતિબંધ

૧૦૦ મીટરની ત્રિજયામાં સ્‍ટેશનર્સ કે વેપારીઓ ઝેરોક્ષ મશીન પણ ચાલુ રાખી શકશે નહીઃ પોલીસ કમિશનર બ્રજેશ ઝાનું જાહેરનામુ

રાજકોટ તા.૧૭: આગામી ૨૬ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ દરમ્‍યાન યોજાનારી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ અને વિદ્યાર્થીઓને કોઇ ખલેલ ન પહોંચે તે માટે પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા દ્વારા ચોક્કસ પ્રતિબંધો લાદવામાં આવ્‍યા છે.

આ બારામાં પ્રસિધ્‍ધ કરવામાં આવેલી અખબારી યાદીમાં જણાવાયુ છે કે, ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્રારા આગામી તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ સુધી જાહેર રજાના દિવસો સિવાયના દિવસો દરમ્‍યાન એસ.એસ.સી / એચ.એસ.સી. ની સામાન્‍ય/વિજ્ઞાન પ્રવાહ જાહેર પરીક્ષા રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્‍તારની જુદી-જુદી શાળાઓમાં લેવામાં આવનાર છે. આ પરીક્ષાઓમાં પરીક્ષાર્થીઓને કોઇપણ જાતની ખલેલ વિના પરીક્ષા મુકત અને શાંત વાતાવરણમાં આપી શકે તેમજ બહારના કોઇ તોફાની તત્‍વો આ પરીક્ષા દરમ્‍યાન પરીક્ષા કેન્‍દ્રો ખાતે પરીક્ષા આપતા વિધાર્થીઓને ખલેલ પહોંચાડે નહી તથા પરીક્ષા દરમ્‍યાન કોઇ ગેરકાયદેસરની પ્રવળતિ આચરે નહી તે માટે તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ સુધી જાહેર રજાના દિવસો સિવાય કલાક ૦૮/૦૦ થી કલાક ૧૯/૩૦ સુધી રાજકોટ શહેરના જે જે પરીક્ષા કેન્‍દ્રો (શાળાઓ)માં પરીક્ષા લેવાનાર છે. તે તે કેન્‍દ્રો (શાળાઓ)ના કંપાઉન્‍ડમા તેમજ તેની ચારેય બાજુની ૧૦૦ મીટરની ત્રીજયાના વિસ્‍તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પડે તે માટે કોઈપણ અનઅધિકળત વ્‍યકિતઓ એકત્રિત થશે નહી કે શાળાઓ (કેન્‍દ્રો)માં પ્રવેશ કરશે નહી કે વાહન લઈ જઈ શકશે નહી કે લાવશે નહી કે ચારથી વધુ માણસો ભેગા થશે નહી.

 વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્‍દ્રમાં મોબાઈલ ફોન પણ લઇ જઇ શકશે નહી. તેમજ શાળા (પરીક્ષા કેન્‍દ્ર) ની આજુબાજુની ૨૦૦ મીટરની ત્રિજયામાં લાઉડ સ્‍પીકર વગાડી શકાશે નહી. તે અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ ઉપરાંત પરીક્ષા કેન્‍દ્રોની ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇ સ્‍ટેશનર્સ કે વેપારી ઝેરોક્ષ મશીનનો ઉપયોગ કરશે તો તે પણ ગુનાને પાત્ર ઠરશે.

(4:02 PM IST)