તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
અભ્યાસુ કોર્પોરેટર્સનો અભાવ : બજેટ પ્રક્રિયામાં રોમાંચ ગાયબ
અગાઉ બજેટ બેઠક ૧૨ થી ૨૪ કલાક ચાલતીઃ ગયા ગરિમાના દિ', રહી પ્રસિધ્ધીની પળો અત્યારે માત્ર સામસામા આક્ષેપો અને ધ્યાન ખેંચવા માટેનો ગોકીરોઃ ૧૯૮૩ થી ૮૭ સુધી કોર્પોરેશનનું બજેટ બોર્ડ મધરાત સુધી ચાલ્યું હોવાનો રેકોર્ડઃ ૨૦૧૧ થી અભ્યાસુ કોર્પોરેટરોની ખોટ પડવા લાગી અને હવે અબજોનું બજેટ કલાક અને મીનીટોમાં મંજુર થાય છે

રાજકોટ તા. ૧૮: આવતી કાલે તા. ૧૮ ના મ્યુ. કોર્પોરેશનના ૩૧.૧૮ અબજના બજેટને બહાલી આપવા જનરલ બોર્ડ યોજાશે. ત્યારે ભૂતકાળમાં વજુભાઇ વાળાના મેયર પદ વખતે બજેટની બોર્ડ બેઠક ૧૨ થી ૨૪ કલાક અને મધરાત સુધી ચાલતી હોવાથી બાબત ચર્ચાના એરણે ચડી છે.
કેમ કે હવે અબજો રૂપિયાનું બજેટ માત્ર મીનીટોમાં અને કલાકોમાંજ મંજુર થઇ છે તેથી હવે બજેટ અંગે તલસ્પર્શી ચર્ચા કરી પ્રજાહીતની જોગવાઇઓ કરાવનાર બુધ્ધી શાળી કોર્પોરેટરોની ‘ઓટઁ આવી હોવાની છાપ પ્રજામાં ઉપસી રહી છે.
મ્યુ. કોર્પોરેશનના સેક્રેટરી વિભાગમાં નોંધાયેલ રેકર્ડ મુજબ અગાઉ ૧૯૮૩ થી ૮૭ ના સમય ગાળામાં બજેટ માટેનું જનરલ બોર્ડ ૧૨ થી ર૪ કલાક સુધી અને મધરાતે૩ વાગ્યા સુધી ચાલ્યાની નોંધ છે.
રેકોર્ડ મુજબ ૧૯ ફેબ્રુઆરી ૧૯૮૩ના રોજ મળેલ બજેટ જનરલ બોર્ડ બપોરે ૪ વાગ્યાથી રાત્રે ૨.ર૦ સુધી ચાલ્યુ હતું.
તેવીજ રીતે ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૭ ના દિવસે મળેલ બજેટ બોર્ડ બપોરે ૪ થી રાત્રે ૨-૧૫ વાગ્યા સુધી ચાલ્યું હતું આ બંને બોર્ડ તાત્કાલીન મેયર વજુભાઇ વાળાના અધ્યક્ષ સ્થાને મળ્યા હતા.
તેમજ ૩૧ જાન્યુઆરી ૧૯૮૪ ના રોજ બપોરે ૪ વાગ્યે શરૂ થયેલ બજેટ બોર્ડ રાત્રે ૮-૧૦ સુધી ચાલ્યું હતું.
આજે ૯ ફેબ્રુઆરી ૧૯૮૬ ના રોજ મળેલ બજેટ બોર્ડ બપોરે ૪ થી રાત્રે ૮.૪૫ વાગ્યા સુધી ચાલ્યું હતું.
આમ ૮૦ થી ૯૦ ના દાયકા દરમિયાન બજેટ બોર્ડમાં મોડી રાત સુધી પ્રજાહીતની ચર્ચાઓ થતી હોવાની નોંધ છે. તે ૨૦૧૧ થી બજેટ બોર્ડમાં ચર્ચાના સમય ઘટવા લાગ્યો.
જયારે સેક્રેટરીના રેકોર્ડમાં નોંધાયા મુજબ ર૦૧૧ ની બોર્ડ બેઠકમાં ચર્ચાનો સમય ઘટવાનો સિલસિલો શરૂ થયો. કેમ કે તા.૧૦/૨/૨૦૧૧ નુ બોર્ડ સવારે ૧૦ થી બપોરે ૧ અને તા.૧૮/૨/૨૦૧૨નુ બોર્ડ સવારે ૧૧ થી બપરો ૩-૩૦ તથા તા. ૨૦/૨/૨૦૧૩ નું બોર્ડ સવારે બપોરે ૧૧ થી ૧૨-૫૦ તા.૧૭/૨/૨૦૧૪ નુ બોર્ડ બપોરે ૪ થી સાંજે ૪-૩૦ અને તા. ૧૮/૨/૨૦૧૫ નુ બોર્ડ સવારે ૧૧ થી બપોરે ૧૨-૩૦ સુધી તેમજ તા.૧૯/૨/૨૦૧૬ નુ બોર્ડ સવારે ૧૧ થી ૧૨-૪૫ સુધી તથા બાદ ક્રમશ ૨૦૧૭ થી ૨૦૨પ સુધી સવારે ૧૧ થી ૧૨ સુધી બોર્ડ ચાલ્યુ હતું.
આમ ર૦૧૧ બાદ બોર્ડમાં અભ્યાસુ કોર્પોરેટરોની ખોટ પડી હોય તેમ બેઠકનો સમય ગાળો ક્રમશઃ ઘટતો ગયો અને હવે માત્ર ૧ થી ૨ કલાકમાંજ અબજોનું બજેટ મંજુર થતુ હોવાની નોંધ છે. અત્રે નોંધનીય છે કે, વડોદરા, સુરત અને અમદાવાદમાં મનપા બોર્ડ બેઠકમાં બજેટની ચર્ચા ૩ કલાક સુધી ચાલે છે.
(4:19 PM IST)










