<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

શાસકો પાંચ વર્ષની કાર્ય સિધ્‍ધીઓ વર્ણવશેઃ વિપક્ષ બતાવશે અરીસો

કાલે મનપાનું અંતિમ જનરલ બોર્ડઃ ૩૬.૪ અબજના બજેટને બહાલી અપાશે બજેટ ચર્ચાશેઃ પ્રશ્નોતરી નહિં થાયઃ મિલ્‍કત વેરામાં વળતર યોજના, શિક્ષણ સમિતિના બજેટ સહિતની ૧૧ દરખાસ્‍તો

રાજકોટ તા. ૧૭: ગત સપ્તાહે સ્‍ટેન્‍ડિંગ કમિટીએ મ્‍યુનિ. કોર્પોરેશનનું વર્ષ ર૦ર૬-ર૭નું ૩૬.૦૪ અબજનું બજેટ મંજુર કરી જનરલ બોર્ડની મંજુરી માટે મોકલી આપતા મેયર નયનાબેન પેઢડીયાની અધ્‍યક્ષતામાં બુધવારે તા. ૧૮ના સવારે ૧૧ વાગ્‍યે જનરલ બોર્ડ મળશે. કાલે મળનાર બોર્ડમાં  માત્ર ને માત્ર બજેટની કરવેરા દરખાસ્‍તો અંગે ચર્ચાઓ થશે. પ્રશ્નોતરી નહિં થાય.

શાસકોની વર્તમાન બોડીનું આ અંતિમ જનરલ બોર્ડ રહેશે. જેમાં માત્ર બજેટની જ ચર્ચા થઇ શકે છે. આમ છતાં શાસકો આ બજેટ સહિત પાંચ વર્ષના કાર્યકાળની સિધ્‍ધિ વર્ણવે અને ચૂંટણી વર્ષમાં વિરોધ પક્ષ કોંગ્રેસ શાસકો પર તુટી પડે તેવી તૈયારી થાય તેમ હોય, આ બોર્ડમાં ચૂંટણીનો માહોલ ગાજે અને રાજકીય ટકકર થાય તેવા પણ નિર્દેશ છે.

૧ એપ્રિલથી લાગુ થનારા બજેટના એજન્‍ડા પર ૧૧ દરખાસ્‍ત મુકવામાં આવી છે. ચાલુ વર્ષનું રીવાઇઝ, નવા વર્ષનું મંજૂર બજેટ બહાલ કરવા સાથે અલગ અલગ કરવેરા નિયત કરવાની દરખાસ્‍ત દર વર્ષની જેમ એજન્‍ડા પર છે. વ્‍યાજમાફી યોજનાનો તો આજથી જ અમલ શરૂ કરી દેવામાં આવ્‍યો છે. તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું અંદાજપત્ર પણ જનરલ બોર્ડમાં મુકીને મંજુર કરવામાં આવશે.

ગતસપ્તાહે૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં મ્‍યુનિ. કમિશ્ર્‌નરે પ્રજા પર સૂચવેલો ૯પ કરોડનો કરબોજ ધારણા મુજબ જ ભાજપ શાસકોની સ્‍ટે.કમીટીએ ચૂંટણી વર્ષમાં નામંજૂર કર્યો હતો. કમિશ્રનરે મુકેલા ૩પ૯પ.૭૦ કરોડના બજેટના કદમાં ૯.૨૦ કરોડનો વધારો કરી ચેરમેન જયમીન ઠાકરે સામાન્‍ય વધારો કરી ૩૬૦૪.૯૦ કરોડનું અંદાજપત્ર જનરલ બોર્ડને મોકલ્‍યું છે. બાકી વેરામાં રૂા. પાંચ-પાંચ હજારની મર્યાદામાં વ્‍યાજ રાહત અને  ફલાવર બેડ પ્રકરણ સાથેના બિલ્‍ડીંગ પ્રોજેકટસ નિયમબધ્‍ધ કરાવવા રેગ્‍યુલરાઇઝેશન ફીમાં હપ્તા પધ્‍ધતિની જાહેરાત કરવામાં આવી હતી.

દાયકા બાદ આવેલી યોજનામાં વ્‍યાજ રાહત યોજના અંતર્ગત મહાનગરપાલિકા વિસ્‍તારના મિલ્‍કતધારકોએ ભરવાના બાકી રહેલ પ્રોપર્ટી ટેક્ષમાં ચડત વ્‍યાજમાં રાહત આપવા માટે રહેણાંક તેમજ બિન-રહેણાંક મિલ્‍કતોમાં સામાન્‍ય કરના ચડત વ્‍યાજમાં રૂ.૫૦૦૦ સુધીની રકમનું વ્‍યાજ માફ કરાશે. તો પાણી વેરાના ચડત વ્‍યાજમાં રૂ.૫૦૦૦ સુધીની રકમનું વ્‍યાજ માફ કરવામાં આવશે, જેનો અમલ શરૂ થઇ ગયો છે.

હવે ચાલુ પાંચ વર્ષની ટર્મનું આ અંતિમ જનરલ બોર્ડ છે. તેમાં બજેટ સિવાયની કોઇ ચર્ચા કે પ્રશ્નોતરી હોતા નથી. આમ છતાં બજેટ અને વિકાસ કામોને લઇને ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્‍ચે રાજકીય ટકરાવ થશે તે નકકી છે.

કોંગ્રેસ વ્‍યાજ જેવી યોજના બિરદાવશેઃ PPP યોજનાઓનો વિરોધ

આવતી કાલે મળનાનર જનરલ બોર્ડમાં ગત સપ્તાહે મળેલ સ્‍ટેન્‍ડિંગ કમિટીએ મંજુર કરેલ મનપાનું ૩૬૦૪ કરોડનું બજેટ બહાલી આપવામાં આવશે. આ બજેટમાં શાસકો કરેલ વ્‍યાજમાં માફી, મહિલાઓને સીટી બસમાં ૧ હજારમાં મુસાફરી જેવી યોજનાઓને બિરદાવાશે.

જયારે PPP યોજનાઓના ઉમેરા વિશે તેમજ ફલાવર બેડ યોજનામાં આપવામાં આવેલ રાહત સહિતના પ્રશ્ને શાસકોના કાન આમળવામાં  આવશે તેમ વિપક્ષના નેતા વશરામભાઇ સાગઠિયાએ જણાવ્‍યું હતું.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ મેયરશ્રીને પ્રસિધ્‍ધ કરાવેલા એજન્‍ડમાં ધી જી.પી.એમ.સી. એક્‍ટ ૧૯૪૯ની કલમ-૯૪ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના સને ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ના રજુ કરવાના થતા આવક-ખર્ચના વાર્ષિક હિસાબો તથા ડિજિટલાઇઝડ ફોર્મમાં જાળવેલા આનુષંગિક રેકર્ડ, દસ્‍તાવેજો,વાઉચર્સ વગેરેને મંજુરી આપવા તથા ઉક્‍ત વર્ષો દરમ્‍યાન કરવામાં આવેલ રોકાણો તથા લેવામાં આવેલ ધિરાણોને મંજુરી આપવા તેમજ ધી જી.પી.એમ.સી.એક્‍ટ ૧૯૪૯ની કલમ-૯૫ મુજબ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ નું રિવાઈઝડ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર મંજુર કરવા.

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે સામાન્‍ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા., આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે પાણી દર નિયત કરવા અંગે., આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખુલ્લા પ્‍લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા. આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા. આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે વાહન કર નિયત કરવા. આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે થિએટર ટેક્ષ નિયત કરવા. આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે મિલકત વેરામાં વળતર યોજના અમલી કરવા. આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઓનલાઇન પેમેન્‍ટમાં વળતર આપવા  આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે એન્‍વાયરમેન્‍ટ ચાર્જ નિયત કરવા  આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ફાયર ટેક્‍સ(કર) નિયત કરવા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા સહિત ૧૧ દરખાસ્‍તોને બહાલી અપાશે.

(3:19 PM IST)