તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
કંપનીઓમાં રોકાણના નામે પ્લાસ્ટિક બેગના વેપારી સાથે દંપતિની ૧.૧૭ કરોડની છેતરપીંડી
ઇન્દિરા સર્કલ પાસે રહેતાં વેપારી હસમુખભાઇ તુરખીયાની વેપારીની ડીસીબી પોલીસમાં ફરિયાદઃ ઇઓડબલ્યુ દ્વારા તપાસ હાલ અમદાવાદ રહેતાં દંપતિએે સોફ્ટવેર ડિઝાઇન, વેબ હોસ્ટીંગ, નેટવર્કીંગ સહિતની કંપની ચાલુ કરવાનું કહી રોકાણ કરવાનું કહેતાં વેપારીએ ૧.૩૦ કરોડ રોકયાઃ અન્ય વેપારીના નાણા પણ ફસાયાઃ દંપતીએ ત્રણ વર્ષમાં ઉભી કરેલ પેઢીના તમામ ડેટા પોતાની કંપનીમાં ટ્રાન્સફર કરી લીધાઃ એક વર્ષનો હિસાબ ન આપી વિશ્વાસઘાત કર્યાનો આરોપ

રાજકોટ તા.૧૭: શહેરના ઇન્દિરા સર્કલ પાસે રહેતાં પ્લાસ્ટિક બેગના વેપારી સહિત બે વેપારી સાથે મોટી ઠગાઇ થઇ છે. મુળ મુંબઇના દંપતીએ સોફ્ટવેર ડિઝાઇન, વેબ હોસ્ટીંગ, નેટવર્કીંગ સહિતની કંપની ચાલુ કરવાનું કહીં મહાવીર પોલીપ્રીન્ટના માલિકને રોકાણના નામે ફસાવ્યા હતાં. વેપારીએ રૂ.૧.૩૦ કરોડનું રોકાણ કર્યું, ડેવલોપીંગમાં રોકાણ ઘટતાં અન્ય એક વેપારીએ પણ રૂ.૧.૭૦ કરોડ રોક્યા હતાં. પણ બાદમાં આ દંપતિએ ૧ કરોડ ૧૭ લાખની છેતરપીંડી કરી લીધી હતી.
આ બનાવમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં ૧૫૦ ફુટ રીંગ રોડ ઇન્દિરા સર્કલ પાસે સવન સાઇન એપાર્ટમેન્ટ પહેલા માળે ૧૦૨ ખાતે રહેતાં અને ભકિતનગર સ્ટેશન પ્લોટ મહાવીર ચેમ્બરમાં મહાવીર પોલીપ્રિન્ટ નામે પ્લાસ્ટીક બેગનો વેપાર કરતાં નિલેષભાઇ હસમુખલાલ તુરખીયા (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી મુળ મુંબઇના હાલ અમદાવાદ સેટેલાઇટ ડોમેન હાઇટ્સ ફલેટ નં. ૧૩૦૩ કેનયુગ એપાર્ટમેન્ટ ખાતે રહેતાં રવનીત રાઘવ કપૂર અને રાઘવ અનિલ કપૂર વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
ફરીયાદીએ જણાવ્યું હતું કે તેઓને પ્લાસ્ટીકની બેગનો વેપાર કરે છે. તેઓએ રવનીત કપુર સાથે મળી તા.૩૧/૦૧/૨૦૨૨ના નવકાર ટેકનોલોજી એન્ડ કોમ્યુનીકેશ નામે સોફટવેર ડેવલોપમેન્ટ માટેની પેઢી શરૂ કરેલ હતી. ફરીયાદી મહાવીર પોલીપ્રીન્ટ નામની પેઢીમાંથી પ્લાસ્ટીક બેગનુ વેચાણ કરવાનું કામકાજ કરતાં ત્યારે વર્ષ ૨૦૦૮ મા રવનીત કપૂર તથા તેઓના પતિ રાધવ કપુરને મુંબઇમાં પ્લાસ્ટીકના દાણાનુ ટ્રેડીંગનું કામકાજ હોય અને પ્લાસ્ટીકની બેગ બનાવવા માટે પ્લાસ્ટીકના દાણાની ખરીદી કરવાની હોય જેથી વેપારીઓ મારફતે બંને સાથે પરીચય થયેલ હતો.
તે દરમિયાન આરોપી દંપતીએ વાત કરેલ કે, મુંબઈ ધંધામાં નુકશાની આવતા તેઓ બંને અમદાવાદ રહેવા માટે આવતા રહેલ હતા. તેઓની આર્થિક પરીસ્થિતી સારી ન હોય અને રવનીત કપુર બેંકમાં ડીફોલ્ટ જાહેર થતાં બેંકમાં રૂપીયા ભરી શકેલ ન હોય જેથી તેઓને મુંબઈ ખાતે જેલ થયેલ હતી. રવનીત કપુરએ ફરિયાદીનો સંપર્ક કરી જણાવેલ કે હાલમાં પોતાની પરીસ્થિતી સારી ન હોય અને પોતે ધંધો કરવા માંગે છે, ધંધામાં રૂપીયાની જરૂરીયાત છે અને પોતાનુ ઘર ચલાવવા માટે પણ રૂપીયાની જરૂરીયાત છે, જેથી આર્થિક મદદ માંગેલ અને ભાગીદારીમાં સી.આર.એમ વ્હોટસએપ બેઇઝ પ્રોગ્રામ ધંધો કરવાની વાત કરી હતી.
તેમજ આ કામકાજ કરવામાં આશરે રૂ.૭૦ લાખથી રૂ.૮૦ લાખનો ખર્ચ થાય તેમ હોવાનું જણાવેલ અને બંને વચ્ચે તા.૩૧/૦૧/૨૦૨૨ ના રોજ એલ.એલ.પી. એગ્રીમેન્ટનું લખાણ થયેલ અને જે વેપાર ધંધો થાય તેમાં ૫૦-૫૦ ટકાના નફા નુકશાનીમાં ભાગીદાર તરીકે રહેવાનું નકકી થયેલ હતું. એગ્રીમેન્ટ થયા બાદ બંને ભાગીદારો વચ્ચે મૌખીક વાતચીત થયેલ જેમાં તમામ પ્રકારનું રોકાણ મારે કરવાનુ અને સોફટવેર ડેવલોપીંગનું કામકાજ તથા ઓફીસ મેનેજમેન્ટનું કામકાજ રવનીત કપુરએ કરવાનુ હતું. નવકાર ટેકનોલોજી એન્ડ કોમ્યુનીકેશન એલ.એલ.પી. એ સોફટવેર ક્ષેત્રની સેવા જેવી કે મેસેજીંગ/કોમ્યુનીકેશન, પ્લેટફોર્મ કે જે ડીસ્ટ્રીબ્યુટર, ડીલર વિગેરેને ઉપયોગી થાય તેમજ વેબ ડીઝાઇન, વેબ હોસ્ટીંગ, નેટવર્કીંગ, કોમ્પ્યુટર આધારીત સોફટવેર સોલ્યુશન કે કન્સલટન્સી સર્વીસીસ વિગેરે જેવી સેવાઓ આપવાનું કામકાજ કરવાનુ હતું. જે તમામ કામકાજ અમદાવાદ ખાતેથી કરવાનુ તેમ નક્કી થયેલ હતું.
જેથી નવકાર ટેકનોલોજી એન્ડ કોમ્યુનીકેશન એલ,એલ.પી. પેઢીના નામે સૌપ્રથમ અમદાવાદમાં પ્રહલાદનગર ટ્રેડ સેન્ટર, વેજલપુરમાં ઓફીસ ભાડેથી રાખેલ હતી. આરોપી દંપતી કંપનીની તમામ કામગીરી જૂન ૨૦૨૫ સુધી કરતા હતા.
આ પછી આરોપી દંપતીએ કંપનીના વિકાસ માટે ફરીયાદી પાસે રૂ.૧,૨૯,૯૯,૩૪૯ નું રોકાણ કરાવ્યું હતું. જે બાદ પેઢીના ધંધાના વિકાસ માટે વધુ રૂપિયાની જરૂરત પડતા નવા ભાગીદાર તરીકે કેવિન અશ્વિનભાઈ મિસ્ત્રીને જોડાયેલ હતા અને તેઓએ પણ પેઢીના ધંધાના વિકાસ અર્થે રૂ. ૧,૭૦,૭૮,૬૬૪ નું રોકાણ કરેલ હતું. ફરિયાદી અને કેવિન મિસ્ત્રીએ કુલ રૂપિયા ત્રણ કરોડથી વધુનું રોકાણ કરેલ હતું, જે રકમનો ઉપયોગ ફકત પેઢીના વિકાસ અર્થે કરવાનો હોય તેમ છતાં આરોપીઓએ નવકાર ટેકનોલોજી એન્ડ કોમ્યુનિકેશન પેઢીનો તમામ ડેટા ફરિયાદીની જાણ બહાર પોતાની એલએનએચ ઇન્ફોટેક નામની પેઢી શરૂ કરી તેમાં ટ્રાન્સફર કરેલ હતો. તેમજ આરોપી દંપતિએ દુબઈ ખાતે પણ હેલોફાઈલ નામે કંપની શરૂ કરેલ તેના ડાયરેકટર તરીકે આરોપી રાઘવના ઓળખીતા હોય તેઓને પણ ફરિયાદીની જાણ બહાર તમામ ડેટા ટ્રાન્સફર કરી દીધા હતા.
આ ઉપરાંત આરોપીઓએ ફરિયાદીનું સોફ્ટવેર ડેવલપ કરી આપેલ ન હોય અને તે પેઢીનાના વિકાસ તે રોકાણ રકમ પૈકી આરોપીઓએ કંપનીના સોફ્ટવેર માટે આશરે રૂ.૧.૮૩ કરોડ જેટલી રકમ વાપરી તે સિવાયની રકમ રૂપિયા ૩૨ લાખ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા હતાં. તેમજ અન્ય રૂ.૮૫.૨૭ લાખની રકમનો કોઈ હિસાબ ન આપી ફરીયાદી તથા તેમના ભાગીદાર સાથે છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી. જેથી આર્થીક ગુના નિવારણ શાખાની ટીમે કુલ રૂ.૧.૧૭ કરોડની છેતરપીંડીના ગુનામાં ગુનો દાખલ કર્યો છે. પીઆઇ કરપડાની રાહબરીમાં એએસઆઇ એ. ડી. મકવાણાએ ગુનો નોંધતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(2:36 PM IST)










