<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

એસ.ટી બસ પોર્ટ પર વિભાગીય નિયામકે રજૂઆત બાદ ગણતરીની કલાકમાં માઇક સિસ્‍ટમ શરૂ કરાવી

એકાદ મહિનાથી ધારાસભ્‍યો દ્વારા ઇન્‍કવાયરી કેબિનના ઉદઘાટન બાદ ઉદઘોષણા થઈ શકતી નહોતી

રાજકોટ : ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ,  દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પ્રતાપભાઈ વાળા, એસ.પી રાજાણી ની સંયુક્‍ત યાદી જણાવે છે કે રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર પ્‍લેટફોર્મ નંબર ૧ અને ૨ ની સામે ચાર ચાર ઇન્‍કવાયરી હોવાના પગલે અંધાધુંધી અને અરાજકતા ફેલાતી હતી અને બસપોર્ટ પર પ્‍લેટફોર્મ નંબર ૧ થી ૨૨ હોય ત્‍યારે  પ્‍લેટફોર્મ નંબર ૧૪ પછી બસ કયારે આવી જાય અને કયારે નીકળી જાય એનો ખ્‍યાલ રહેતો નહીં જે પગલે પ્‍લેટફોર્મ નંબર ૧૪ થી ૨૨ જેમાં સૌરાષ્‍ટ્ર ઝોન અને ગોધરા, મંડોર સહિત પૂછપરછ માટેની તાબડતોબ ધારાસભ્‍યો અને એસ.ટીના અધિકારીઓ દ્વારા કેબીન મૂકવામાં આવી અને જેને એકાદ માસ જેટલો સમય થવા છતાં આ કેબિનમાંથી માઈક ન હોવાના પગલે ઉદઘોષણા થઈ શકતી નહોતી.

રાજકોટના સિનિયર ડેપો મેનેજર ઘનશ્‍યામભાઈ હરિભાઈ ચગના આંખમિચામણા, બેદરકારી અને લાપરવાહી વધુ એક વખત ફલિત થઈ છે અને માઇક સિસ્‍ટમ શરૂ કરવામાં આવી નહોતી જે પગલે રાજકોટના એસ.ટીના નવનિયુક્‍ત વિભાગીય નિયામકને આ અંગે લેખિત રજૂઆત બાદ ટેલીફોનિક વાતચીત કરતાની સાથે વિભાગીય નિયામક દ્વારા હકારાત્‍મક વલણ અપનાવી ગણતરીની કલાકોમાં જ માઇકની વ્‍યવસ્‍થા કરી સિસ્‍ટમ શરૂ કરી દેવામાં આવી છે જેને પગલે પ્‍લેટફોર્મ નંબર ૧૪ થી ૨૨ના હજારો મુસાફરોને હાલાકી દૂર થઈ છે. રજૂઆતની ત્‍વરિત અમલવારી કરવા બદલ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ વિભાગીય નિયામકનો આભાર વ્‍યક્‍ત  કરવામાં આવેલ અને એકાદ મહિનાથી માઇક સિસ્‍ટમ શરૂ ન કરવા બદલ જવાબદારો સામે દંડનીય કાર્યવાહી કરી અને નિયમાનુસાર પગલાં ભરવા મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા અપીલ કરવામાં આવેલ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

વધુ વિગત માટે ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિ હેલ્‍પલાઇન નંબર ૯૪૨૬૨ ૨૯૩૯૬.

(2:10 PM IST)