તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Tuesday, 17th February 2026
૧ાા લાખનો દારૂ ભરેલી સ્વીફટ ગાડી ઇકો સાથે અથડાતાં ચાલક મુકીને ‘છૂ': ઇકોમાં બેઠેલા મહિલાને ગંભીર ઇજા
રાજકોટના હડમતીયા-ફાળદંગ રોડ પર વહેલી સવારે બનાવઃ બંને કારનો આગળના ભાગે બૂકડો : કુવાડવા રહેતાં રમીલાબેન જાદવ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળઃ તેમના પતિ સુરેશભાઇ અને દિકરી ક્રિષ્નાને મુંઢ ઇજાઃ આજીડેમ પોલીસે ગુનો નોંધી જીજે૦૩એચકે-૯૨૨૦ નંબરની સ્વીફટ મુકીને ભાગેલા ચાલકની શોધખોળ હાથ ધરી

દારૂ ભરેલી સ્વીફટ કાર ઇકો કાર સાથે અથડાતાં બંને કારમાં ભારે નુકસાની થઇ હતી. ઇકોમાં બેઠેલા મહિલાને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ છે. બંને કાર અને ઇજાગ્રસ્ત મહિલા નજરે પડે છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૧૭: શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના હડમતીયા-ફાળદંગ રોડ પર વહેલી પરોઢે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સામેથી આવી રહેલી ઇકો કાર સાથે ધડાકાભેર અથડાતાં બંને કારમાં ભારે નુકસાની થઇ હતી. ઇકોમાં બેઠેલા મહિલાને ગંભીર ઇજા થઇ હતી. જ્યારે તેના પતિ, પુત્રીનો મુંઢ ઇજા સાથે બચાવ થયો હતો. અકસ્માત સર્જાતા દારૂ ભરેલી કાર રેઢી મુકી ચાલક નાશી ગયો હતો. આજીડેમ પોલીસે તપાસ કરતાં કારમાંથી અલગ અલગ બ્રાંડની રૂા. ૧,૫૮,૦૯૨ની ૩૯૬ બોટલ દારૂ મળી આવતાં તે તથા કાર કબ્જે કરી ભાગી ગયેલા ચાલક, કાર માલિકની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ હડમતીયાથી ફાળદંગ જવાના રસ્તા પર ઇકો કાર જીજે૨૩એમ-૮૫૬૬ સાથે સફેદ રંગની સ્વીફટ ડીઝાયર જીજે૦૩એચકે-૯૨૨૦ ધડાકાભેર સામેથી આવીને અથડાતાં બંને કારમાં આગળના ભાગે બૂકડો બોલી ગયો હતો. ઇકો કારમાં બેઠેલા રમીલાબેન સુરેશભાઇ જાદવ (ઉ.વ.૪૯)ને ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. કારચાલક તેમના પતિ સુરેશભાઇ લાલજીભાઇ જાદવ (ઉ.વ.૫૦) અને તેમની દિકરી ક્રિષ્નાબેન સુરેશભાઇ જાદવ (ઉ.વ.૨૭)ને પણ મુંઢ ઇજાઓ થઇ હતી. આ પરિવાર મુળ સાવરકુંડલાનો વતની છે અને હાલ કુવાડવા ગામ શિવધારા રેસીડેન્સીમાં રહે છે. સુરેશભાઇ પેપરડીશનો ધંધો કરે છે. દિકરાના છુટાછેડાના કેસ માટે સાવરકુંડલા પોલીસ અધિકારીને મળીને પરત આવતાં હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતને પગલે સ્વીફટ કારનો ચાલક કાર મુકી ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ પહોંચી હતી. તપાસ કરતાં સ્વીફટમાંથી દારૂનો જથ્થો મળ્યો હતો. કોનસ. કૃષ્ણવીરસિંહ ગોહિલ, હેડકોન્સ. કુલદીપસિંહ જાડેજા, ડ્રા.કોન્સ. રમેશભાઇ સહિતના પીએસઆઇ પી. એચ. પઢેરીયા સાથે નાઇટ પેટ્રોલીંગમાં હતાં ત્યારે આ અકસ્માતની જાણ થતાં ત્યાં પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ કારમાં તપાસ કરતાં અંદરથી રોયલ ચેલેન્જની ૭૫૦ એમએલની ૬૮૬ બોટલો રૂા. ૧,૨૩,૪૮૦ની અને રોયલ સ્ટેગની ૭૫૦ એમએલની રૂા. ૧૯૫૭૨ની ૨૮ બોટલો તથા જ્યુબીલી સ્પેશીયલ વ્હીસ્કીના ૧૮૦ એમએલના ચપલા નંગ ૧૮૮ રૂા. ૧૫૦૪૦ના મળી કુલ રૂા. ૧,૫૮,૦૯૨નો દારૂ મળી આવતાં તે તથા ૨,૫૦,૦૦૦ની કાર કબ્જે કરી હતી. અમુક બોટલો અકસ્માતને કારણે ફુટી ગઇ હતી.
આજીડેમ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ પી. એચ. પઢેરીયાએ કોન્સ. કૃષ્ણવીરસિંહ ગોહિલને ફરિયાદી બનાવી સ્વીફટ કારના ચાલક સામે ગુનો નોંધ્યો હતો. કાર નંબરને આધારે ચાલક, માલિકને શોધવા આગળની તપાસ પીએસઆઇ ગામેતીએ હાથ ધરી છે.
(3:19 PM IST)










