<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

મનહરપુર-૧માં હીરા ધ્રાંગીયાને હોટલે વાત કરવા બોલાવી રામ ચાવડીયાનો હુમલો-ધમકી

લોહીલુહાણ હાલતમાં યુવાન હોસ્‍પિટલે પહોંચ્‍યો ત્‍યાં રામના મોટાભાઇએ ફોન કરી કેશ કરીશ તો રહેવું ભારે કરી દઇ તેવી ધમકી દીધીઃ જુનુ મનદુઃખ કારણભુત

રાજકોટ તા. ૧૬:  જામનગર રોડ પર મનહરપુર-૧ માં રહેતા અન પશુપાલન કરી ગુજરાન ચલાવતાં હીરા કાનાભાઈ ધ્રાંગીયા (ઉ.વ.૨૨) નામના યુવાન પર બે શખ્‍સોએ જુની અદાવતનો ખાર રાખી ગાળો દઇ ઢીકાપાટુ અને હાથમાં પહેરેલા કડાથી માર મારી ખૂનની ધમકી આપી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે હીરા ધ્રાંગીયાની ફરિયાદ પરથી મનહરપુર-૧ ગામમાં યોગરાજનગર સામે રહેતાં રામ જગાભાઇ ચાવડીયા અને ડાયા જગાભાઇ ચાવડીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. હીરાના કહેવા મુજબ આજથી અઢી વર્ષ પહેલા અમારા ઘર પાસે રહેતાં રામ ચાવડીયા મહિલા સાથે ગાડીમાં બેઠેલ હોઇ હું જોઇ જતાં આ વાતની કોઇને જાણ નહિ કરવા મને ધમકાવ્‍યો હતો. એ પછી અમે સમાજમાં ઘરમેળે સમાધાન કરી લીધુ હતું.

દરમિયાન રવિવારે ૧૫મીએ હું ઘરે હતો ત્‍યારે મને નવઘણે ફોન કરી તને રામભાઇ પ્રજાપતિ ચોક મોજે મસ્‍તરામ હોટેલ પાસે બોલાવે છે, તારી સાથે વાત કરવી છે તેમ કહેતાં હું ત્‍યાં ગયો હતો. આ વખતે રામભાઇ અને મારો મિત્ર નવઘણ ત્‍યાં હતાં. ત્‍યારે રામભાઇએ કહેલું કે હું મારી ઇકો કાર લઇને દ્વારકાધીશ હોટલે ગયો ત્‍યારે તે આ ગાડી લઇને કોણ આવ્‍યું છે? એવુ શું કામ પુછ્‍યું હતું, તું શુ કામ મારી પંચાત કરે છે? તેમ કહી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી માથામાં કડાથી માર મારતાં લોહી નીકળવા માંડયા હતાં. આ પછી રામે વધુ માર મારી હવે પછી પંચાત કરીશ તો જીવતો નહિ રહેવા દઉ તેમ કહી ધમકી દીધી હતી. બાદમાં હું સારવાર માટે જતાં રામના મોટા ભાઇ ડાયા ચાવડીયાએ પણ ફોન કરી તું કેસ કરવાનો હો તો ના કરતો, જો કરીશ તો લત્તામાં રહેવુ ભારે પડી જશે તેમ કહી ધમકી આપી હતી. તેમ વધુમાં હીરાએ કહેતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધ્‍યો છે. 

(2:50 PM IST)