<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

રાજકોટ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર સખી સ્‍વદેશી માર્ટનો પ્રારંભઃ મંડાલા આર્ટ-પટારી વર્ક-પટોળાનું આકર્ષણ

કુંવરજીભાઇના હસ્‍તે ઉદઘાટન : પહેલા દિવસે જ અર્ધા લાખની કમાણી

રાજકોટ, તા., ૧૬ : રાજકોટ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ખાતે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ‘અવસર' (AVSAR - Airport as Venue for Skilled Artisans of the Region) પ્રોજેક્‍ટ અંતર્ગત સ્‍વસહાય જૂથોને ફાળવવામાં આવેલા ‘સખી સ્‍વદેશી માર્ટ'નું રિબિન કાપીને વિધિવત ઉદ્ધાટન કર્યું હતું. મંત્રીશ્રીએ સ્‍ટોલ પર પ્રદર્શિત કલાત્‍મક વસ્‍તુઓ નિહાળી સખી મંડળની બહેનોની કલા-કૌશલ્‍યને બિરદાવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, આ સ્‍ટોલ થકી ‘હર ઘર સ્‍વદેશી'ના મંત્ર અને ‘આત્‍મનિર્ભર ભારત'ના સ્‍વપ્નને સાકાર કરવામાં સખી મંડળની બહેનો મહત્‍વપૂર્ણ યોગદાન આપી રહી છે. તેમણે બહેનોને ઉજ્જવળ પ્રગતિ માટે શુભેચ્‍છાઓ પાઠવી હતી.

નોંધનીય છે કે, ‘સખી સ્‍વદેશી માર્ટ'માં રાજકોટ તાલુકાના બેડી ગામના ‘રવિ-રાંદલ મિશન મંગલમ' જૂથની મંડાલા આર્ટ, જસદણ તાલુકાના પારેવાડા ગામના ‘શિવ મિશન મંગલમ' જૂથનું પટારી વર્ક અને કોટડાસાંગાણીના ‘રચના મિશન મંગલમ' જૂથના પટોળાની બનાવટોનું વેચાણ થઈ રહ્યું છે. આ માર્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બનતા સ્‍ટોલધારક બહેનોએ પ્રથમ દિવસે જ રૂ. ૫૩ હજારની કમાણી કરી હતી.

આ અવસરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક શ્રી એ. કે. વસ્‍તાણી, ડિસ્‍ટ્રિક્‍ટ લાઇવલીહુડ મેનેજર શ્રી વી. બી. બસીયા, આસિસ્‍ટન્‍ટ પ્રોજેક્‍ટ મેનેજર શ્રી દિવ્‍યેશભાઈ મનવર સહિત ડી.આર.ડી.એ.નો સ્‍ટાફ અને સખી મંડળની બહેનો ઉપસ્‍થિત રહી હતી. 

 

(2:30 PM IST)