News of Sunday, 15th February 2026
રાજકોટમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ ગુજારી તરછોડી દીધી
યુપીના શખ્સ સામે થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ: શહેરના આજી વસાહત વિસ્તારમાં રહેતી એક ૨૫ વર્ષીય યુવતીને લગ્નના બહાને પ્રેમજાળમાં ફસાવી, અવારનવાર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધીને તરછોડી દેવાની ઘટના સામે આવી છે. આ મામલે થોરાળા પોલીસ મથકમાં મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ રાજકોટમાં મજૂરી કામ કરતા અનિલ દિનેશ વિશ્વકર્મા નામના શખ્સ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, ભોગ બનનાર યુવતીના અગાઉ લગ્ન થયેલા હતા, પરંતુ છૂટાછેડા બાદ તે એકલી રહેતી હતી. આ દરમિયાન તે આરોપી અનિલના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે ઓળખાણ વધતા યુવતી રાજકોટ આવી હતી અને છેલ્લા કેટલાક સમયથી આરોપી સાથે પતિ-પત્નીની જેમ જ રહેતી હતી. આ સમયગાળા દરમિયાન આરોપીએ તેને લગ્ન કરવાની ખાતરી આપી સતત હવસનો શિકાર બનાવી હતી.
જોકે, જ્યારે યુવતીએ લગ્ન માટે આગ્રહ કર્યો ત્યારે આરોપીએ પોતાની અસલી વૃત્તિ બતાવી લગ્ન કરવાની સાફ ના પાડી દીધી હતી અને યુવતીને અસહાય હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા અંતે યુવતીએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. હાલ થોરાળા પોલીસના પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરીમાં પીએસઆઈ એમ. એસ. મહેશ્વરી અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(9:43 AM IST)










