<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

જુની લોટરી બજારમાં ફ્રુટના ધંધાર્થી શબ્‍બીર પર ઇભલા અને તેના ભાઇનો છરી-ધોકાથી હુમલો

પૈસાની લેતીદેતીનો મામલોઃ ઇભલો મફતમાં ફ્રુટ લઇ જતો હોવાનો અને હવે હપ્‍તા પેટે પૈસા માંગતો હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૪: શહેરના જુના મોરબી રોડ પર રહેતાં અને ડોનની છાપ ધરાવતાં તેમજ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા શખ્‍સે પોતાના ભાઇ સાથે મળી જ્‍યુબીલી શાક માર્કેટ પાસે જુની લોટરી બજારમાં ફ્રુટના ધંધાર્થી પર છરી-ધોકાથી હુમલો કરતાં તે સારવાર માટે દાખલ થયો છે. પૈસાની લેતીદેતી મામલે માથાકુટ થયાનું બહાર આવ્‍યું છે. જો કે ઘાયલ થયેલા યુવાને  આ શખ્‍સ મફતમાં ફ્રુટ લઇ જતો હોવાનો અને હપ્‍તા પેટે રૂપિયા માંગતો હોવાનો આક્ષેપ કર્યો હતો. પરંતુ પોલીસ તપાસમાં હાલ આ વિગતો બહાર આવી નથી. ઘાયલ થનાર પોતે પણ અગાઉ એક ગંભીર ગુનામાં સંડોવાઇ ચુક્‍યાનું પોલીસ સુત્રોએ કહ્યું હતું.

જાણવા મળ્‍યા મુજબ બજરંગવાડી શેરી નં. ૭માં રહેતો શબ્‍બીરભાઇ રફીકભાઇ શેખ (ઉ.વ.૩૪) રાતે સાડા નવેક વાગ્‍યે જુની લોટરી બજારમાં પોતાની એમ. કે. ફ્રુટ નામની દુકાને હતો ત્‍યારે મોરબી રોડ ખાટકીવાસના ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો અને તેના ભાઇ ફીરીયાએ આવી છરી-ધોકાથી હુમલો કરી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એ-ડિવીઝન પોલીસન ેજાણ કરી હતી. જો કે પોલીસ ફરિયાદ નોંધવા પહોંચી ત્‍યારે ફરિયાદ નોંધાવાઇ નહોતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ જુના પૈસાની લેતીદેતીના મામલામાં આ માથાકુટ થઇ હતી. બીજી તરફ સવારે શબ્‍બીરે હોસ્‍પિટલના ખાટલેથી આક્ષેપો સાથે કહ્યું હતું કે-ઇભલો વારંવાર મારે ત્‍યાંથી મફતમાં ફ્રુટ લઇ જાય છે. રાતે પણ તે અને તેનો ભાઇ આવ્‍યા હતાં અને ફ્રુટ માંગ્‍યું હતું. તેમજ હવેથી દર મહિને પૈસા દેવા પડશે તેમ કહી હુમલો કર્યો હતો. જો કે આ મામલે કોઇ ફરિયાદ દાખલ થઇ નથી.  ખરેખર કયા કારણે હુમલો થયો તેની તપાસ થઇ રહી છે.

(4:16 PM IST)