<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

ઘંટેશ્વરના વૃધ્‍ધ દિનેશે દિકરા કિશન, વહુ કાંતા સાથે મળી ‘રિક્ષાગેંગ' બનાવીઃ ગુનો આચરતા જ ઝડપાયા

હેડકોન્‍સ. રવિભાઇ ગઢવી, રોહિતદાન ગઢવી, કોન્‍સ. જયદેવસિંહ પરમારની બાતમી નેપાળી યુવાન આયોધ્‍યા ચોકથી કેકેવી ચોક જવા બેઠો ત્‍યારે ઉલ્‍ટી ઉબકાનું નાટક કરી રોકડ બઠ્ઠાવી ઉતારી મુક્‍યો હતોઃ ગાંધીગ્રામ પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ રાવલીયાની ટીમનું ડીટેક્‍શન

રાજકોટ તા. ૧૪: શહેરમાં અવાર-નવાર મુસાફરોને રિક્ષામાં બેસાડી ઉલ્‍ટી ઉબકાનું નાટક કરી પૈસા, દાગીના, ફોન સેરવી લેતી રિક્ષાગેંગ કળા કરતી હોય છે. આવો જ એક બનાવ ગાંધીગ્રામ પોલીસની હદમાં બન્‍યો હતો. જેમાં હોટેલમાં કામ કરતો નેપાળી યુવાન અયોધ્‍યા ચોકથી કેકેવી ચોક જવા રિક્ષામાં બેઠો ત્‍યારે પહેલેથી જ એક મહિલા, પુરૂષ તેમાં બેઠા હતાં. રિક્ષા આગળ ચાલતાં પુરૂષે ઉલ્‍ટી ઉબકાનું નાટક કર્યુ હતું. પછી નેપાળી યુવાનને ચાલકે આ ભાઇને દવાખાને લઇ જવા પડશે કહી ઉતારી મુક્‍યા હતાં. બાદમાં નેપાળી યુવાનને ખબર પડી હતી કે તેની પાસેની રોકડ ચોરાઇ ગઇ છે. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી રિક્ષાગેંગને ઝડપી લીધી છે. જેમાં રિક્ષાચાલક અને તેના દિકરા-વહૂને ઝડપી લીધા છે.

જાણવા મળ્‍યા મુજબ મુળ નેપાળના વતની અને હાલ રાજકોટના અયોધ્‍યા ચોક પાસે આવેલા એવન્‍યુ એપાર્ટમેન્‍ટના ર્પાકિંગમાં રહી હોટલમાં મેનેજર તરીકે નોકરી કરતા મહેશભાઈ અંબરભાઈ ઘાર્તી અગીયારમીએ બપોરના આશરે એક વાગ્‍યાની આસપાસ ઘરેથી નોકરી પર જવા નીકળ્‍યા હતા. અયોધ્‍યા ચોકથી તેમણે કેકેવી હોલ સુધી જવા માટે એક રિક્ષા ભાડે કરી હતી, જેનું ભાડું ૨૦ રૂપિયા નક્કી કરવામાં આવ્‍યું હતું.

મહેશભાઈ જ્‍યારે રિક્ષામાં બેઠા ત્‍યારે તેમાં ડ્રાઈવર સિવાય પાછળની સીટ પર એકસ્ત્રી અને એક પુરૂષ પેસેન્‍જર તરીકે પહેલેથી જ બેઠેલા હતા. રિક્ષા થોડી આગળ ચાલ્‍યા બાદ, વચ્‍ચે બેઠેલા પુરૂષ પેસેન્‍જરે અચાનક ઉલટી થતી હોવાનું નાટક શરૂ કર્યું હતું. આ બહાને તેણે મહેશભાઈ પર ઢળવાનો પ્રયાસ કર્યો હતો. રામાપીર ચોકડી બ્રિજ ઉતરતાની સાથે જ આ પુરૂષે તબિયત વધુ ખરાબ હોવાનું કહી રિક્ષા ઊભી રખાવી હતી. આથી રિક્ષાચાલકે મહેશભાઈ પાસેથી ભાડું લીધા વગર જ તેમને રિક્ષામાંથી નીચે ઉતારી દીધા હતા અને ત્રણેય શખ્‍સો રિક્ષા લઈને ઝડપથી રવાના થઈ ગયા હતા.

 રિક્ષા ગયા બાદ મહેશભાઈને શંકા જતાં તેમણે પોતાના પેન્‍ટના પાછળના ખિસ્‍સામાં તપાસ કરી હતી. તપાસ કરતા માલૂમ પડ્‍યું હતું કે તેમના ખિસ્‍સામાં રાખેલા ૧૬,૦૦૦ રોકડા ગાયબ હતા. આ પૈસા તેમના સાથી કર્મચારી યોગેન્‍દ્રએ સાચવવા માટે આપ્‍યા હતો. આ ગુનો ગાંધીગ્રામ પોલીસ મથક ડી. સ્‍ટાફના રવિભાઇ ગઢવી અને રોહિતદાન ગઢવી તથા કોન્‍સ. જયદેવસિંહ પરમારની બાતમી પરથી ઉકેલાઇ ગયો છે. પોલીસે દિનેશ હીરાભાઇ કુંવરીયા (ઉ.વ.૬૦-રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા) નામના રિક્ષાચાલક અને પાછળ મુસાફર તરીકે બેસી ખીસ્‍સા કાપતાં તેના દિકરા-વહૂ કિશન દિનેશભાઇ કુંવરીયા (ઉ.વ.૩૫) તથા કાંતા કિશન કુંવરીયા (ઉ.વ.૩૨) (રહે. બંને રૈયાધાર ગોૈશાળા પાસે)ને ઝડપી લઇ રૂા. ૧૫ હજારની રોકડ, જીજે૦૩બીટી-૩૧૪૦ નંબરની રિક્ષા કબ્‍જે કર્યા છે. આ ત્રણ પૈકી દિનેશ અગાઉ દારૂ, મારામારીમાં પકડાયો હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ વી. ડી. રાવલીયા, હેડકોન્‍સ. રવિભાઇ ગઢવી, ભવદીપસિંહ ગોહિલ, રોહિતદાન ગઢવી, શબ્‍બીરખાન મલેક, કોન્‍સ. રઘુવીરસિંહ જાડેજા, વિપુલભાઇ ગઢવી, જયદેવસિંહ પરમાર, પ્રશાંતભાઇ ગજેરા, કોન્‍સ. રીનાબેન પરમારે આ કામગીરી કરી હતી.

(2:58 PM IST)