<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

ભાડે લઇ જવાયેલી સ્‍કોર્પિયોમાં મુર્તિને નુકસાન કરવા બાબતે એલીશ પટેલ, મિત્ર અભિષેક વાળા પર હુમલો

મહમદી બાગનો અરમાન ભાડે કાર લઇ ગયો તેમાં માતાજી, ગણપતિની મુર્તિ કાઢીને ખુણામાં મુકી દીધી હોઇ એલીશે આ બાબતે ઠપકો આપતાં મનદુઃખઃ સમાધાનની વાત કરવા બોલાવી સળીયા-છરીના ઘા

રાજકોટ તા. ૧૪: મવડી ગોવર્ધન ચોક જડેશ્વર સોસાયટીમાં રહેતાં એલીશ હસમુખભાઇ મારવીયા-પટેલ (ઉ.વ.૨૩) અને તેના મિત્ર મવડી પંચશીલ સોસાયટી-૫માં રેહતાં અભિષેક દિલીપભાઇ વાળા (ઉ.વ.૨૨) ઉપર રાતે દસેક વાગ્‍યે મટુકી રેસ્‍ટોરન્‍ટ નજીક દ્વારકાધીશ હોટલ પાસે વાવડી રોડ પર કોઠારીયા સોલવન્‍ટ મહમદી બાગના અરમાન, અરબાઝ સહિતના શખ્‍સોએ છીર, સળીયાથી હુમલો કરતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

એલીશે જણાવ્‍યું હતું કે હું સેલ્‍ફમાં ગાડી ભાડે આપવાનું અને ટૂર ટ્રાવેલ્‍સનું કામ કરુ છું. મારો મિત્ર અભિષેક સાડીની દૂકાનમાં વેપાર કરે છે. મારી પાસેથી સાત દિવસ પહેલા મહમદી બાગનો અરમાન રૂા. ૨૦૦૦ના ભાડેથી સ્‍કોર્પિયો ગાડી લઇ ગયો હતો. બાર કલાક માટે આ કાર મેં તેને ભાડે આપી હતી. પરંતુ કાર તે પરત આપવા આવ્‍યો ત્‍યારે મેં ચેક કરતાં તેમાં મેં ફીટ કરાવેલી માતાજીની મુર્તિ અને ગણપતિની મુર્તિ કાઢી નાખવામાં આવી હતી અને કારમાં એક ખુણામાં મુકી દેવાઇ હતી.

આથી મેં અરમાનને આ મુર્તિ શા માટે કાઢી નાંખી? તેમ કહી ઠપકો આપતાં તેણે સોરી કહી દીધુ હતું. આ પછી ફરીથી અમે  ભેગા થયા ત્‍યારે ફરી વાર મુર્તિની વાતે બોલાચાલી થઇ હતી. આ પછી શુક્રવારે રાતે અરમાને મને ફોન કરી સમાધાનની વાત કરવા માટે મટુકી નજીક વાવડી રોડ પર બોલાવતાં હું, મારો મિત્ર અભિષેક સહિતના ત્‍યાં ગયા હતાં. ત્‍યારે અરમાન, અરબાઝ સહિતનાએ ટોળકી રચી હુમલો કરી છરી, સળીયાથી ઇજાઓ પહોંચાડી હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે

(2:55 PM IST)