News of Saturday, 14th February 2026
બી.સી.જી.ના સભ્યોએ લીધેલા ભાડાભથ્થાની વિગતો જાહેર કરવા ચુંટણી અધિકારીને રજુઆત
બાર. કાઉ.ની ચુંટણી દરમ્યાન એડવોકેટ જીજ્ઞેશ જોષીએ પત્ર પાઠવી છેલ્લા વર્ષના સભ્યોના ભાડા ભથ્થાની વિગતો માંગી

રાજકોટ તા. ૧૪: ગુજરાત બાર. કાઉન્સીલની ચુંટણી આગામી તા. ૬ માર્ચે યોજાઇ રહી છે ત્યારે રાજકોટના એડવોકેટ જીજ્ઞેશ એમ. જોષીએ બી.સી.જી.ના ચુંટણી અધિકારીને પત્ર પાઠવીને ર૦૧૭ થી ર૦ર૬ સુધીના સમય ગાળામાં કાઉન્સીલના સભ્યોએ લીધેલા ભાડા ભથ્થાની વિગતો જાહેર કરવા પત્ર પાઠવેલ છે. આ પત્ર ચુંટણી અધિકારી એચ. એમ. પરીખને પાઠવવામાં આવેલ છે. જેમાં જણાવેલ છે કે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સભ્યોની ચુંટણી આગામી તા. ૬/૩/ર૦ર૬ના રોજ યોજાવા જઇ રહી છે ત્યારે વર્તમાન બોડીના સભ્યોએ છ ેલ્લા ૮ વર્ષ દરમ્યાન તમામ સભ્યોએ વર્ષ ર૦૧૭ થી ર૦ર૬ના સમયગાળા દરમ્યાન કોણે-કોણે કેટલા ભાડા-ભથ્થા-મીટીંગ ખર્ચ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાંથી લીધેલ છે તેની સંપૂર્ણ વિગત જાણવી એ અમારો એક જાગૃત મતદાર તરીકે અધિકાર છે.
બી.સી.જી.ની બોડી પાસે આ માહિતીની અગાઉ પણ અનેક વખત માંગણી થયેલ હોવા છતાં પણ આ માહિતી જાહેર કરવામાં આવી રહી નથી. આથી આ માહિતીની માંગણી અમો અરજદાર કરી રહ્યાં છીએ. જો આ માંગણી તાત્કાલિક જાહેર કરવામાં નહિં આવે તો અમો અરજદારે ના છુટકે બી.સી.જી. ઓફીસની બહાર ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા આંદોલન કરવાની ફરજ પડશે તેની ગંભીર નોંધ લેશોજી તેમ પત્રમાં જણાવતાં ગુજરાત બાર કાઉન્સીલની ચુંટણીના સંદર્ભે ભારે ચકચાર જાગી છે.
(2:41 PM IST)










