<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

નચિકેત એવોર્ડ માટે ‘જમાવટ'નાં દેવાંશી જોશીની પસંદગીઃ મોરારીબાપુના હસ્‍તે અર્પણ થશે

લેખક-પત્રકાર નગીનદાસ સંઘવીની સ્‍મૃતિમાં અપાતા

 

રાજકોટઃ પત્રકાર, લેખક અને વક્‍તા સ્‍વ. નગીનદાસ સંઘવીની સ્‍મૃતિમાં દર વર્ષે પત્રકારત્‍વ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારા પત્રકારને ‘નચિકેત એવોર્ડ' એનાયત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટે ડિજિટલ મીડિયા પ્‍લેટફોર્મ ‘જમાવટનાં દેવાંશી જોશીની આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. પૂજ્‍ય મોરારીબાપુના હસ્‍તે આ એવોર્ડ અર્પણ કરવામાં આવશે. આ એવોર્ડ સમારોહ તા.૨૭ ફેબ્રુઆરીના રોજ સાંજે ૪:૩૦ કલાકે, કે.જી. ધોળકિયા સ્‍કૂલ ઓડીટોરીયમ, બાલાજી હોલ પાસે, મહાપૂજા ધામ ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે યોજાશે.

ડિજિટલ મીડિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરનારાં દેવાંશી જોશી આજે ગુજરાતભરમાં અત્‍યંત લોકપ્રિય છે. ગુજરાતી પત્રકારત્‍વમાં ડિજિટલ મીડિયાની શરૂઆત તેમણે ખુબ નાની વયે કરી અને ટૂંકા ગાળામાં જ પ્રતીતિજનક સફળતા મેળવી છે. લુણાવાડા પાસેના વડાગામમાં જન્‍મેલાં દેવાંશીએ બી.એસ.સી. માઈક્રોબાયોલોજી કર્યા બાદ પત્રકારત્‍વ ક્ષેત્રે પ્રવેશતા પૂર્વે તેનો વિધિવત અભ્‍યાસ કર્યો હતો. ત્‍યારબાદ તેમણે ટીવી પત્રકારત્‍વમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. જીટીપીએલ, એબીપી અસ્‍મિતા, ઝી ૨૪ કલાક અને સંદેશ ન્‍યૂઝમાં કુલ આઠ વર્ષ કામ કર્યા બાદ, તેમણે ૨૦૨૨માં ‘જમાવટ' મીડિયાની શરૂઆત કરી હતી. મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના સમયે તેમના ગ્રાઉન્‍ડ રિપોર્ટ અને વિશ્‍લેષણ ખુબ જ વાયરલ થયા હતા અને લોકો દ્વારા સરાહના પામ્‍યા હતા.

૨૦૨૨માં સ્‍થાપના બાદ માત્ર ચાર વર્ષમાં ‘જમાવટે' જબરી જમાવટ કરી છે. સૌથી ઓછા સમયમાં સૌથી વધારે દર્શકો સાથે ‘જમાવટ' ગુજરાતના શહેરોથી લઈ છેવાડાના માનવીના અવાજનો પર્યાય બની શક્‍યું છે. સાંપ્રત વિષયોથી લઈ રાજકીય અને સામાજિક સમાચારો માટે આજે તે એક મહત્‍વનું માધ્‍યમ બન્‍યું છે. યુટ્‍યુબ, ફેસબુક અને ઈન્‍સ્‍ટાગ્રામ જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ્‍સ મળીને ‘જમાવટ' ૨૫ લાખ કરતા વધારે સબસ્‍ક્રાઈબર્સ ધરાવે છે અને રોજના સરેરાશ ૫૦ લાખ જેટલા વ્‍યુઝ મેળવે છે.

આ કાર્યક્રમમાં સ્‍વ. નગીનદાસ સંઘવી વિશે અમદાવાદ સ્‍થિત પૂર્વ અધ્‍યાપક અને જાણીતા સમાજશાસ્‍ત્રી ડો. ગૌરાંગ જાની વક્‍તવ્‍ય આપશે. તેમનો શ્રી નગીનદાસ સંઘવી સાથે અતરંગ નાતો રહ્યો છે. નચિકેત એવોર્ડ સ્‍મૃતિ સમિતિમાં વરિષ્ઠ પત્રકાર ભરત ઘેલાણી અને જયંતી ચાંદ્રાનો સમાવેશ થાય છે.(૪૦.૨૪)

(10:27 AM IST)