તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th February 2026
મેહુલનગરના સોની વેપારીનો જલારામ સોસાયટીમાં નાની બહેનના ઘર બહાર ઝેરી દવા પી આપઘાત
હરિકૃષ્ણભાઇ રાણપરાને કેટલાક સમયથી સોની કામ મળતું ન હોઇ આર્થિક સંકડામણને કારણે ચિંતામાં હતાં

રાજકોટ તા. ૧૩: કોઠારીયા રોડ મેહુલનગરમાં રહેતાં અને સોની બજારમાં સોની કામની દુકાન ચલાવતાં વેપારીએ જલારામ સોસાયટીમાં પોતાના બહેનના ઘર બહાર ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. સોની કામ મળતું ન હોઇ આર્થિક સંકડામણને કારણે કંટાળીને પગલુ ભર્યાનું બહાર આવ્યું હતું.
જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ નિલકંઠ ટોકીઝ પાછળ મેહુલનગરમાં રહેતાં હરિકૃષ્ણભાઇ જયચંદભાઇ રાણપરા (ઉ.વ.૫૮) નામના સોની વેપારીએ ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે યુનિવર્સિટી રોડ પર જલારામ સોસાયટી-૨માં રહેતાં પોતાના નાના બહેન શર્મીલાબેનના ઘર બહાર ઝેરી દવા પી લેતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. અહિ આજે તેમનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનારા હરિકૃષ્ણભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. સગાના કહેવા મુજબ તેમને સોની બજારમાં શ્રી જ્વેલ નામે દુકાન છે. જેમાં તે સોની કામ કરતાં હતાં. અગાઉ તેમને બાયપાસ સર્જરી કરાવી હતી અને હાલમાં દવા ચાલુ હતી. કેટલાક સમયથી સોની કામ મળતું ન હોઇ આર્થિક ભીંસને કારણે ટેન્શનમાં રહેતાં હોઇ આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.
(4:32 PM IST)










