<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

નાત બહાર મુકાયેલા શાકભાજીના ધંધાર્થી દંપતિ પાસે સમાધાનના દસ લાખ માંગી ખૂનની ધમકી

રૈયાધારના ભગવતીબેન સુરેલાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે સોમા વારૈયા, કનુ વારૈયા, સાગર વારૈયા અને નવીન વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યોઃ ભગવતીબેન સહિત ત્રણને રામાપીર ચોકડીએ આંતરી ડખ્‍ખો કર્યો

રાજકોટ તા. ૧૩: શહેરના રૈયાધાર વિસ્‍તારમાં રહેતા અને શાકભાજી વેંચી ગુજરાન ચલાવતા દેવીપૂજક પરિવારને જ્ઞાતિના જ શખ્‍સો દ્વારા હેરાન પરેશાન કરી, નાતમાં પાછા લેવા માટે રૂ. ૧૦ લાખની ખંડણી માંગવામાં આવી હોવાની ચોંકાવનારી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ મામલે ચાર શખ્‍સો સામે જાનથી મારી નાખવાની અને ગાળાગાળી કરવાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયાધારમાં રાધેશ્‍યામ ગોૈશળાા પાસે મફતીયાપરામાં રહેતાં ભગવતીબેન પ્રવિણભાઇ સુરેલા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી સોમા મનજીભાઇ વારૈયા, કનુ મગનભાઇ વારૈયા, સાગર કનુભાઇ વારૈયા અને નવીન કનુભાઇ વારૈયા વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે. ભગવતીબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેમની દીકરી ગાયત્રી અને તેમના નણંદ સંગીતાબેન બંને પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવાગામ ખાતે એક જ પરિવારમાં પરણેલા છે. ત્‍યાં બંને પરિવારો વચ્‍ચે અવારનવાર ઝગડા થતા હોય છે. આ કૌટુંબિક ઝગડાનો ખાર રાખીને સામા પક્ષના કનુ વારૈયા અને સોમા વારૈયા દ્વારા ભગવતીબેનના પરિવારને જ્ઞાતિના રિવાજ મુજબ નાત બહાર મુકાવવામાં આવ્‍યા છે.

ફરિયાદમાં વધુમાં જણાવ્‍યા મુજબ આરોપી કનુ  અને સોમા  છેલ્લા પાંચ મહિનાથી ભગવતીબેન અને તેમના પતિ પ્રવીણભાઈ પર દબાણ કરી રહ્યા હતા કે, જોતમારે જ્ઞાતિમાં પાછા ભળવું હોય અને સમાધાન કરવું હોય તો રૂ. ૧૦ લાખ આપવા પડશે. શાકભાજીની લારી ચલાવી માંડ ગુજરાન ચલાવતા આ પરિવાર માટે આટલી મોટી રકમ આપવી અશકય હતી. દરમિયાન ૧૧મીએ બપોરે ભગવતીબેન તેમના દેરાણી નીતાબેન અને સવિતાબેન સાથે શાકભાજી લેવા જઈ રહ્યા હતા. ત્‍યારે રામાપીર ચોકડી પાસે આવેલી દેવજીવન હોટેલ નજીક આરોપી કનુ મગનભાઈ વારૈયા, તેના પુત્રો સાગર અને નવીન વારૈયાએ ભગવતીબેન સહિતને રસ્‍તામાં રોક્‍યા હતાં.  આ પછી બધાએ  જાહેરમાં ગાળો ભાંડી ધમકી આપી હતી કે તારા પતિને કહી દેજે ૧૦ લાખ આપશો તો જ સમાધાન થશે, નહીંતર હાથ-પગ ભાંગી નાખશું અને જાનથી મારી નાખીશું. અગાઉ સોમાભાઈએ પણ આવી જ રીતે ધમકી આપી હતી. વારંવારની ધમકીઓ અને પજવણીથી કંટાળીને ભગવતીબેને અંતે પોતાના પતિ અને દેરાણીઓ સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતા પીઆઇ એચ. અને. પટેલની રાહબરીમાં  હેડકોન્‍સ. જી. એસ. ઝાલાએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(4:31 PM IST)