<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

મનહરપુર-૧માં શ્રીચામુંડા માતાજીના મંઢમાંથી ગામના જ નશાખોર મહેશે કરી હતી સોનાના મુકુટ-ફળાની ચોરી

ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં એલસીબી ઝોન-૨ ટીમના પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ અને ટીમે ગુનો ઉકેલ્‍યોઃ પીધેલાનો અલગથી ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૩: જામનગર રોડ પર મનહરપુર-૧ ગામમાં આવેલા કોળી પરિવારના શ્રીચામુંડા માતાજીના મઢમાંથી માતાજીનો સોનાનો મુકુટ અને ચાંદીના ચાર ફળા ચોરાઇ ગયા હતાં. આ ગુનાનો ભેદ કલાકોમાં એલસીબી ઝોન-૨ ટીમે ઉકેલી મનહરપુર ગામમાં જ રહેતાં શખ્‍સને પકડી લીધો છે. આ શખ્‍સ ઝડપાયો ત્‍યારે દારૂ પીધેલો હોઇ આ અંગે અલગથી ગુનો દાખલ કરાયો છે. તેની પાસેથી મુકુટ કબ્‍જે કરાયો છે. મોજશોખ માટે તેણે ચોરી કર્યાનું રટણ કર્યુ હતું.

જાણવા મળ્‍યા મુજબ આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે જામનગર રોડ માધાપરની સામે મનહરપુર-૧માં રહેતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં કોળી યુવાન વિજયભાઇ દિનેશભાઈ બાણોધરા (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો દાખલ થયો હતો. તેમના ઘર પાસે શેરીમાં જ પરિવારનો શ્રીચામુંડા માતાજીનો મઢ-મંદિર છે જ્‍યાં તે  તથા તેમના ઘરના સભ્‍યો પુજા કરે છે. આ મઢમાંથી ૬૦ હજારનો સોનાનો મુકુટ અને ૫૬ હજારના ચાંદીના ૪ ફળા ચોરાઇ ગયા હતાં. આ ગુનો ઉકેલી મહેશ કાનજીભાઇ બાણોધરા (ઉ.વ.૪૦-રહે. મનહરપુર-૧)ને ઝડપી લીધો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ મહેશ રખડતુ જીવન જીવે છે અને નશાની આદત ધરાવે છે. મોજશોખ માટે પૈસાની જરૂર હોઇ આ મંદિરમાંથી ચોરી કરી હતી. તે ઝડપાયો ત્‍યારે દારૂ પીધેલી હાલતમાં હોઇ અલગથી ગુનો દાખલ કરાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ,  હેડકોન્‍સ. હેમેન્‍દ્રભાઇ વાધીયા, ધર્મરાજસિંહ ઝાલા, કોન્‍સ. કુલદીપસિંહ રાણા, શીવભદ્રસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી. (૧૪.૧૨)

(3:40 PM IST)