તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th February 2026
શાકભાજી લેવા નીકળેલા હસનવાડીના વૃધ્ધનું ત્રિકોણબાગ પાસે રિક્ષાની ઠોકરે ચડી જતાં મોત
૬૬ વર્ષના દિલીપભાઇ મહેતા રોડ પર ફેંકાઇ જતાં મોઢા-કાનમાંથી લોહી નીકળી ગયાઃ હોસ્પિટલે મૃતદેહ જ પહોંચ્યોઃ પરિવારજનોમાં ગમગીમીઃ એ-ડિવીઝન પોલીસે રિક્ષાચાલકને પકડી લીધો

રાજકોટ તા. ૧૩: શહેરમાં બેફામ સ્પીડથી દોડતા વાહનોની ઠોકરે અવાર-નવાર રાહદારીઓ ચડી જાય છે અને તેના કારણે ઇજાઓ થવાની સાથે ક્યારેક મૃત્યુ પણ થઇ જાય છે. વધુ એક આવા બનાવમાં ત્રિકોણબાગ પાસે બેફામ સ્પીડથી નીકળેલી રિક્ષાની ઠોકરે ગાયત્રીનગર હસનવાડીમાં રહેતાં વૃધ્ધ ચડી જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. લોકોએ રિક્ષાચાલકને પકડી લઇ પોલીસને જાણ કરી હતી. આ વૃધ્ધ જ્યુબીલી શાક માર્કેટ ખાતે શાકભાજી, ફ્રુટ લેવા નીકળ્યા હતાં ત્યારે રસ્તો ઓળંગતી વખતે બનાવ બન્યો હતો.
જાણવા મળ્યામ ુજબ અજાણ્યા આશરે ૬૦ વર્ષના એક વૃધ્ધ ત્રિકોણ બાગ પાસે આરએમટીસી બસ સ્ટોપ પાસે રસ્તો ઓળંગતી વખતે રિક્ષાની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. બેભાન હાલતમાં તેમને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અીહ મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના એએસઆઇ આર. જી. ચોહાણ સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં મૃત્યુ પામનાર વૃધ્ધ્ ગાયત્રીનગર મેઇન રોડ હસનવાડી-૨/૩ની વચ્ચે બંધ શેરીમાં રિધ્ધી સિધ્ધી ખાતે રહેતાં દિલીપભાઇ કનૈયાલાલ મહેતા-મોઢવણીક (ઉ.વ.૬૬) હોવાનું ખુલ્યું હતું.
પોલીસે આ બનાવમાં મૃતકના પુત્ર પ્રતિકભાઇ મહેતા (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી રિક્ષા નં. જીજે૨૫વી-૫૦૩૧ના ચાલક ભગવતીપરાના મુકેશ તુલસીભાઇ જેઠવા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. મૃત્યુ પામનાર દિલીપભાઇ મહેતા બે ભાઇમાં મોટા હતાં. પ્રતિકભાઇ ડાયમંડ સિંગની દુકાનમાં નોકરી કરે છે. તેમણે જણાવ્યું હતું કે અકસ્માતની જાણ તેમને અમરેલી રહેતા તેમના નાના ભાઈ ભાવિન દ્વારા થઈ હતી. અજાણ્યા વ્યક્તિએ પિતાના ફોન પરથી ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. પ્રતિકભાઇએ વધુમાં કહ્યું હતું કે મારા પિતાજી ઘરેથી જ્યુબીલી માર્કેટ ખાતે ફ્રુટ અને શાકભાજી ખરીદ કરવા જવા નીકળ્યા હતાં. ત્યારે ત્રિકોણબાગ પાસે રિક્ષાચાલકે ઠોકરે ચડાવી દેતાં તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે રિક્ષાચાલકની અટકાયત કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
(3:34 PM IST)










