તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
કરૂણ ઘટના મંદિરમાં માતા પુષ્પાબેનના ૧૦માની વિધી વખતે દિકરા અશ્વિનભાઇ તન્નાનું હૃદય બેસી ગયું: પરિવાર પર વજ્રઘાત
પરલોકનું તેડુ ક્યારે ક્યાં કેવી રીતે આવે તેની કોઇને ખબર હોતી નથી : રૈયા રોડ શાંતિ નિકેતનમાં રહેતાં બાંધકામના ધંધાર્થી અશ્વિનભાઇ તન્ના સોજીત્રાનગરના સોમનાથ મહાદેવ મંદિરમાં વિધી વખતે જ ઢળી પડતાં મૃત્યુઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવીઃ દસ જ દિવસમાં બબ્બે સ્વજનો ગુમાવતાં તન્ના પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૧: માનવીની જિંદગીની સફર ક્યાં ક્યારે અને કેવી રીતે ખતમ થઇ જાય તેની કોઇને ખબર હોતી નથી. કંઇક આવી જ એક કરૂણ ઘટના બની છે જેમાં રૈયા રોડ પર આલાપ ગ્રીન પાછળ રહેતાં બિલ્ડર પોતાના માતાનું અવસાન થયું હોઇ તેમના દસમાની વિધી માટે રૈયા રોડ સોજીત્રાનગરમાં આવેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિધીમાં બેઠા હતાં ત્યારે ચાલુ વિધીમાં જ ઢળી પડતાં મૃત્યુ નિપજતાં પરિવારજનો પર વજ્રઘાત થયો છે. માતાના મૃત્યુના દસમા દિવસે પુત્રનું હાર્ટએટેકથી મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
હાલના સમયમાં હૃદય રોગના હુમલાથી મૃત્યુના બનાવો સતત વધી ગયા છે. વયોવૃધ તો ઠીક યુવાનોના હૃદય પણ બંધ પડી જાય છે અને મૃત્યુ થાય છે. દરમિયાન વધુ એક બનાવમાં એક પરિવારે પોતાના મોભી ગુમાવ્યા છે. રૈયા રોડ આલાપ ગ્રીન સીટી પાછળ શાંતિ નિકેતન એવન્યુમાં રહેતાં અશ્વિનભાઇ દિનેશભાઇ તન્ના (ઉ.વ.૪૯) નામના બાંધકામના વ્યવસાયી સવારે દસેક વાગ્યે સોજીત્રાનગરમાં આવેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિધીમાં હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના રવિભાઇ વાસદેવાણીએ હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવડાવ્યું હતું.
વધુમાં જાણવા મળ્યા મુજબ મૃત્યુ પામનાર અશ્વિનભાઇ તન્નાના માતા પુષ્પાબેન દિનેશભાઇ તન્નાનું ગત તા. ૩/૨ના રોજ અવસાન થયું હોઇ આજે તેમની ૧૦માની વિધી સોજીત્રાનગરના શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવી હતી. અહિ અશ્વિનભાઇ વિધીમાં બેઠા હતાં ત્યારે જ એકાએક છાતીમાં દુઃખાવો ઉપડયો હતો અને બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતયુ પામનાર અશ્વિનભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. તેમને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. તેમના પિતા હયાત નથી. તન્ના પરિવારમાં ઘરના વડિલ એવા માતા પુષ્પાબેનનું અવસાન થતાં પરિવારજનો શોકમાં હતાં ત્યાં હવે માતાની દસમાની વિધી વખતે દિકરાનું મૃત્યુ થતાં દસ જ દિવસમાં બબ્બે સ્વજન ગુમાવનારા તન્ના પરિવાર પર વજ્રઘાત થયો છે. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં સગા સ્વજનો, મિત્રો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. (૧૪.૧૦)
(3:23 PM IST)










