તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
માંડા ડુંગરના હિરેન અને તેના માતા, ભાઇ પર નવાગામ પાસે ટોળાનો હુમલો
મારામારીમાં ઘાયલ પૈકીનો એક યુવાન અગાઉના ગુનામાં સામેલઃ આશિષ સહિતના શખ્સોએ ધોકા-પાઇપ-છરીથી હુમલો કર્યો

રાજકોટ તા. ૧૧: આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગર પાસે સદ્દગુરૂ પાર્ક સોસાયટીમાં રહેતાં અને લાલપરીમાં પણ મકાન ધરાવતાં મહિલા અને તેના બે પુત્રો પર બપોરે ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ જુના કુવાડવા પોલીસ સ્ટેશન પાસે ટોળાએ હુમલો કરી છરી, ધોકા, પાઇપથી માર મારતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ માંડા ડુંગર પાસે રહેતાં અલ્પાબેન મહેશભાઇ ગરચર (ઉ.વ.૪૩) તથા તેના બે પુત્રો હિરેન મહેશભાઇ ગરચર (ઉ.વ.૨૩) અને કૃપાલ મહેશભાઇ ગરચર (ઉ.વ.૧૯) બપોરે કુવાડવા રોડ નવાગામ જુના પોલીસ સ્ટેશન પાસે હતાં ત્યારે આશીષ દેવીપૂજક તથા છએક અજાણ્યા શખ્સોએ ધોકા-પાઇપ-છરીથી હુમલો કરતાં ત્રણેયને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
અલ્પાબેન હાલ લાલપરીમાં રહે છે. હિરેન અગાઉ હત્યાની કોશિષના ગુનામાં સંડોવાયેલો છે અને એ ગુનામાં હજુ ફરાર છે. અલ્પાબેન હાલ કારખાનામાં કામ કરે છે. ત્રણેય મા દિકરાઓ પર જુની અદાવતને લીધે હુમલો થયો કે અન્ય કારણે? તેની તપાસ થઇ રહી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
(3:41 PM IST)










