<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

મહેન્દ્રનગર ચોકડીએ રિક્ષાને અકસ્માત નડ્યોઃ મોરબીના ભવાનીનગરના વિક્રમ પાટડીયાનું મોત

કામેથી છુટીને ઘરે જતી વખતે મોડી રાતે બનાવઃ યુવાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૨: મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે રિક્ષાને અકસ્માત નડતાં તેમાં મુસાફર તરીકે બેઠેલા યુવાનને  ગંભીર ઇજા થતાં મોત થયું છે. કામેથી છુટીને ઘરે જવા તે રિક્ષામાં બેઠો ત્યારે આ બનાવ બન્યો હતો. યુવાનને ગંભીર ઇજા સાથે વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ મોરબીમાં ભવાનીનગરમાં રહેતો વિક્રમભાઇ પરષોત્તમભાઇ પાટડીયા (ઉ.વ.૩૬) નામનો યુવાન રાતે અગીયારેક વાગ્યે રિક્ષામાં બેસીને ઘરે જતો હતો ત્યારે મહેન્દ્રનગર ચોકડી પાસે આ રિક્ષાને કોઇ વાહનની ટક્કર લાગતાં કે પછી ડ્રાઇવરેે કાબુ ગુમાવતાં પલ્ટી મારી જતાં અકસ્માત નડ્યો હતો. જેના કારણે વિક્રમભાઇને ગંભીર ઇજા થતાં મોરબી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ વહેલી સવારે દમ તોડી દીધો હતો.હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં મોરબી બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વિક્રમભાઇ બે ભાઇમાં મોટો હતો અને વેલ્ડીંગ કામની મજૂરી કરતો હતો. તે દરરોજ મહેન્દ્રનગર ચોકડીએ રિક્ષામાં બેસી કામે જતો હતો અને છુટીને પરત ભાડાની રિક્ષામાં ઘરે આવતો હતો. ગત રાતે ઘરે આવતી વખતે બનાવ બન્યો હતો. વિક્રમભાઇના મૃત્યુથી એક દિકરી અને બે દિકરાએ પિતાની છત્રછાંયા ગુમાવી છે.

(1:51 PM IST)