તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
‘પદ્મશ્રી' હેમંત ચૌહાણે ચોટીલાના ઝવેરચંદ મેઘાણી જન્મસ્થળ સ્મારકને રામસાગર અર્પણ કર્યો

રાજકોટઃ ભજનના આરાધક પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણએ ચોટીલા (જિ. સુરેન્દ્રનગર) સ્થિત ઐતિહાસિક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્મસ્થળ સ્મારકને, લાગણીથી પ્રેરાઈને, ભેટરૂપે રામસાગર-એકતારો અર્પણ હતો. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ (શ્રાવણ વદ પાંચમઃ નાગ પંચમી, વિક્રમ સંવત ૧૯૫૨)ના દિવસે ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના આ ક્વાર્ટરમાં થયેલો. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૦માં સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત આ ઐતિહાસિક જન્મસ્થળને સહુપ્રથમ વખત જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જે ખાસ ઉલ્લેખનીય છે. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા ઝવેરચંદ મેઘાણીના નીડર અને નેકદીલ પિતા કાળીદાસ મેઘાણી ભજનાનુરાગી હતા તેથી આનું સવિશેષ મહત્વ છે. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાનના સ્થાપક અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટના પ્રણેતા પિનાકી નાનકભાઈ મેઘાણીએ હેમંતભાઈ ચૌહાણનું ભાવભર્યું અભિવાદન કર્યું હતું. શિક્ષણ-જગતમાંથી સેવાભાવી શિક્ષણવિદ્ અને શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઝવેરચંદ મેઘાણીની અંતિમ કળતિ સોરઠી સંતવાણીના પ્રાચીન ભજનો થકી હેમંતભાઈ ચૌહાણએ સ્વરાંજલિ અર્પણ કરી હતી. ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત પ્રાચીન સંતવાણીને હેમંતભાઈ ચૌહાણએ લોકહૈયે જીવંત રાખી છે. ૦૨ એપ્રિલ ૧૯૫૫ના રોજ કુંદણી ગામે (તા. જસદણ, જિ. રાજકોટ) જન્મેલા, રાજકોટ નિવાસી હેમંતભાઈ ચૌહાણએ સંગીત અને ખાસ કરીને ભજનની પ્રેરણા દાદા, પિતા અને કાકા પાસેથી મેળવીને છેલ્લા ૪૦ વર્ષમાં સાત ભાષાઓમાં ૯૦૦૦ જેટલી રચનાઓને કંઠ આપ્યો છે તેમજ ૫૦૦૦થી વધુ સ્ટેજ કાર્યર્ક્મો કર્યા છે. ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા ટોપ ગ્રેડ કલાકાર તરીકે પ્રમાણિત હેમંતભાઈ ચૌહાણને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર ઉપરાંત ભારત સરકારની સંગીત નાટક અકાદમી દ્વારા અકાદમી એવોર્ડ, ગુજરાત સરકારની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર, ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા હેમુ ગઢવી એવોર્ડ, પૂ. મોરારિબાપુ દ્વારા સંતવાણી એવોર્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ભીમરત્ન એવોર્ડ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, બ્રિટિશ પાર્લામેન્ટમાં સંગીત ભૂષણ એવોર્ડ સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરાયા છે. ગુજરાત સરકાર દ્વારા નવનિર્મિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયની મુલાકાત લઈને હેમંતભાઈ ચૌહાણએ રાજીપો વ્યક્ત કર્યો હતો. ઐતિહાસિક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્મસ્થળ સ્મારક ખાતે અનન્ય અને અનોખા પ્રદર્શનની પિનાકી મેઘાણીએ પરિકલ્પના કરીને સ્વખર્ચે સ્થાપના કરી છે
(10:21 AM IST)










