<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

ચંપકનગરમાં થયેલી ૧.૬૨ કરોડના ચાંદીના દાગીનાની ચોરીનો સુત્રધાર ઇન્‍દોરથી ઝડપાયો

ક્રાઇમ બ્રાંચે બોટાદના જારીયા ગામેથી રાજુ ભોજક, દાંતીવાડાના રતનસિંહને ૩૧ કિલો ચાંદી સાથે પકડયાઃ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ૮૦ કિલો ચાંદી સાથે બે શખ્‍સને પકડયા

રાજકોટ તા. ૧૧: શહેરના સામા કાંઠે ચંપકનગરમાં કારખાનામાં ગયા બુધવારે થયેલી ૧.૬૮ કરોડની ૧૪૦ કિલો ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાઇ ગયા પછી ક્રાઇમ બ્રાંચે સુત્રધારને ઇન્‍દોરથી પકડી લીધો છે. ક્રાઇમ બ્રાંચે બોટાદથી બે શખ્‍સોને પકડી અગાઉ ૩૧ કિલો ચાંદી કબ્‍જે કર્યુ હતું. જ્‍યારે અમદાવાદ પોલીસે બે શખ્‍સને પકડી ૮૦ કિલો ચાંદી જપ્‍ત કર્યુ હતું.

બી-ડિવીઝન પોલીસમાં ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમે જે કારનો ચોરીમાં ઉપયોગ થયો હતો તેનું પગેરૂ શોધી બોટાદ પંથકમાંથી ક્રેટા કાર સાથે રાજુ ભોજક નામના શખ્‍સને ઉઠાવીે આકરી સરભરા કરતાં વટાણા વેરી નાંખી તેની પાસે રહેલ ૩૧ કિલો ચાંદી કાઢી આપી મુખ્‍ય સૂત્રધાર દાંતીવાડાના બુટલેગર રતનસિંહનું નામ આપતાં તેને પણ ઇન્‍દોરથી દબોચી લઈ તપાસ આગળ વધારી હતી.  બનાવ અંગે રૈયા સર્કલ પાસે રામેશ્વર પાર્ક-૦૧ શેરી નં.૧ માં રહેતા મૂળ પડધરીના વિમાસણ ગામના વતની અતુલભાઈ લિંબાભાઈ બુસાએ  ફરિયાદ નોંધાવી હતી.

ક્રાઈમ બ્રાન્‍ચે ૩૧ કિલો ચાંદી કબ્‍જે કરી મુખ્‍ય સૂત્રધારને પકડવા મધ્‍યપ્રદેશ ક્રાઈમ બ્રાન્‍ચની ટીમ દોડી ગઈ હતી. અને મુખ્‍ય સૂત્રધાર રતનસિંહને પણ દબોચી લીધો હતો. જ્‍યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે ૮૦ કિલો ચાંદી કબ્‍જે કરી બુલિયન વેપારી સહિત બે રીસીવરને દબોચ્‍યા છે. જ્‍યારે મુકેશ પ્રજાપતિ નામનો શખ્‍સ પણ મહત્‍વની લિંક હોવાનું સામે આવ્‍યું હતું. અમદાવાદ પોલીસે પ્રદિપ પ્રજાપતિને પકડી તેની પાસેથી ૪૦ કિલો ચાંદીના દાગીના, નરોડામાંથી એક વેપારીને પકડી ૩૦ કિલો અને મંગુસિંગને પકડી ૧૦ કિલો ચાંદીના દાગીના કબ્‍જે કર્યા હતાં. આ ડીટેક્‍શનની વધુ વિગતો સાંજે પાંચ કલાકે ક્રાઇમ બ્રાંચ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયા દ્વારા અપાશે તેમ ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. આર. ગોંડલીયાએ જણાવ્‍યું હતું.

(3:52 PM IST)