તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th February 2026
કેશીયો પાર્ટીમાં કામ કરતાં વિજયએ કડકાઇ દૂર કરવા લોહાનગરમાં મંદિરમાંથી ચોર્યો ૪ાા લાખનો સોનાનો મુકુટ
ખોડીયાર માતાજીની મુર્તિ પરથી મુકુટ ચોરી વેંચવા નીકળતાં ગાંધીગ્રામ શીતલ પાર્ક પાસેથી ઝડપી લેવાયોઃ એ-ડિવીઝન પોલીસને સોંપાયોઃ પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ વી. ડી. રાવલીયાની ટીમની કાર્યવાહીઃ એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, હેડકોન્સ. શબ્બીરખાન મલેકની બાતમી

રાજકોટ તા. ૧૧: શહેરના ગોંડલ રોડ પર લોહાનગર-૭માં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાંથી ૪ાા લાખ રૂપિયાની કિંમતનો સોનાનો મુકુટ માતાજીની મુર્તિ પરથી ચોરાઇ ગયો હતો. આ ગુનાનો ભેદ ગાંધીગ્રામ પોલીસે ઉકેલી લોહાનગરમાં જ રહેતાં શખ્સને દબોચી લઇ મુકુટ કબ્જે કર્ર્યો છે અને વધુ તપાસ માટે આ શખ્સને એ-ડિવીઝન પોલીસના હવાલે કર્યો છે. કેશીયો પાર્ટીમાં કામ કરતો આ શખ્સ આર્થિક ભીંસમાં હોવાથી ચોરી કર્યાનું રટણ કર્યુ હતું.
જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ પોલીસની ટીમ ચોરીના ગુના ઉકેલવા માટે પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, હેડકોન્સ. શબ્બીરખાન મલેકને મળેલી બાતમી પરથી ગાંધીગ્રામ શીતલ પાર્ક ટોઇંગ સ્ટેશન નજીકને એક શખ્સને સકંજામાં લીધો હતો. તેની પાસેથી સોનાનો મુકુટ મળતાં આ મામલે તેની આકરી પુછતાછ કરતાં લોહાનગરમાં આવેલા શ્રી ખોડીયાર માતાજીના મંદિરમાંથી ચોરી કર્યાનું કબુલતાં શક પડતી મિલ્કત તરીકે મુકુટ કબ્જે કરાયો હતો. પુછતાછમાં આ શખ્સે પોતાનું નામ વિજય બહાદુરભાઇ સોલંકી (ઉ.વ.૪૬-રહે. લોહાનગર મફતીયાપરા) જણાવ્યું હતું.
વધુ માહિતી મુજબ ગઇકાલે મંગળવારે જ વિજયએ મંદિરમાં ઘુસી માતાજીની મુર્તિ પરથી ૩૫.૫૯૦ ગ્રામ વજનનો ૪.૫૦ લાખનો સોનાનો મુકુટ ચોરી લીધો હતો. વિજયએ રટણ કર્યુ હતું કે પોતે કેશીયો પાર્ટીમાં કામ કરે છે. પરંતુ હાલમાં ધંધામાં મંદી હોઇ અને પૈસાની જરૂર હોઇ જેથી મંદિરમાં ચોરી કરી હતી. તેણે વધુ કોઇ ગુના આચર્યા છે કે કેમ? તેની તપાસ હવે એ-ડિવીઝન પોલીસ કરશે. પ્રાથમિક તપાસમાં અગાઉ તે દારૂ, વાહનચોરીમાં પોલીસ ચોપડે ચડયો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એસ. આર. મેઘાણીના માર્ગદર્શનમાં પીએસઆઇ વી. ડી. રાવલીયા, એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, હેડકોન્સ. રવીભાઇ ગઢવી, રોહિતદાન ગઢવી, ભવદીપસિંહ ગોહિલ, શબ્બીરખાન મલેક, કોન્સ. રઘુવીરસિંહ જાડેજા, વિપુલભાઇ ગઢવી, જયદેવસિંહહ પરમાર, પ્રશાંતભાઇગજેરાએ આ કામગીરી કરી હતી.
(3:24 PM IST)










